Charchapatra

અવાજના પ્રદૂષણનું પણ મહત્ત્વ હોય છે

આપણાં તહેવારો અને ઉત્સવો ઉજવતી વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે, જ્યારે આપણે ઉત્સવ ઉજવવાના અતિ ઉત્સાહમાં હોઈએ છીએ ત્યારે આપણે ખૂબ ઘોંઘાટ કરીએ છીએ. તે અવાજનું પ્રદૂષણ છે. તેનાથી કાન અને હ્રદયને નુકસાન પહોંચે છે તથા અન્ય જીવો પણ ગભરાઇ જાય છે. વળી કોઈની પરીક્ષા હોય અને તેને વાંચવાનું હોય, કોઈ હાર્ટનું પેશન્ટ હોય, કોઈના ઘરમાં કોઈ સીરીયસ હોય કે શોક ચાલતો હોય તેવા સમયે શાંતિની જરૂર હોય છે. પણ આપણે તો બીજાનું વિચાર્યા વગર ગણપતિમાં વગર કામના ઢોલકાં વગાડ્યે જ રાખીએ છીએ.

ડીજેનો અવાજ ઓછો રાખવાની તો આપણામાં આવડત જ ક્યાં છે? બાર વાગ્યા પછી તો ગરબા ડીજે પર ગાવાનું જોર વધારે ચઢે છે. કોઈની ઊંઘ બગાડીને માતાની ભક્તિ કરવાનું કયા ધર્મ પુસ્તકમાં લખ્યું છે? દિવાળીના ફટાકડાના અવાજો કાન ફાડી નાખે તેવા રાતે બાર વાગ્યા પછી શરૂ થાય છે. તહેવાર મનાવવો જોઈએ પણ તેમાં પણ શિસ્ત અને સમયમર્યાદા જરૂરી છે. જે બીજાનું વિચારે છે તે જ સાચો માનવ છે. વડીલોને વિનંતી કે તમારા બાળકોને સમજાવો કે રાતે બાર વાગ્યા પછી અવાજનું પ્રદૂષણ બંધ કરે. ફટાકડા વાયુનું પ્રદૂષણ પણ વધારે છે.
ગોડાદરા, સુરત       – પ્રવિણ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top