વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે, હાઈ બ્લડ પ્રેશરની બીમારીઓનું કારણ પણ ટ્રાફિકનો અવાજ, જેનો દર 10 ડેસિબલ્સ વધતાં હૃદયની સમસ્યાઓનું જોખમ રહેલ છે. ટ્રાફિકના અવાજનું પ્રદૂષણ મોટી લક્ઝરી બસોમાં એર ફોનથી જબરદસ્ત થાય છે તો શુભ પ્રસંગે 6 કે 8 ફૂટની હાઈટની ડી.જે. મ્યુઝિક સીસ્ટમના ડેસિબલ્સ તો ગણતરી બહારના હોઈ શકે! કારણકે ડી.જે.નું મ્યુઝિક વાગતું હોય ત્યારે ઘરનાં બારી-બારણાં અને નકુચામાંથી પણ ધણાધણાટી થવા માંડે છે અને તે ઘરનાં સભ્યો સાંભળે તેવા અવાજથી. તો પણ આપણે ત્યાં ડી.જે.ની તાલે (?!) સૂટ પહેરીને બપોરની ગરમીમાં બેહૂદું નૃત્ય કરતાં ભડવીરો ટ્રાફિક જામ કરીને જોવા મળે છે.
ખેર! હમણાં કોઈ એક જગ્યાએ બાંધકામ ચાલતું હતું અને ડી. જે.ની તાલથી ઝૂમતો વરઘોડો બાંધકામવાળી જગ્યાની નજીકથી પસાર થતાં પહેલા માળે બનાવેલ ઈંટની દિવાલ (પ્લાસ્ટર વગરની) તૂટી પડી અને તે ઈંટો પહેલા માળેથી વરઘોડિયાઓ પર જ પડી અને ભારે જાનહાનિ થઈ તો પણ, ડી.જે.નો ધંધો કરી લેવાની લાહ્યમાં અને મૂર્ખાઓના સરદારની કમીના હોવાથી બેહુદૂં બધું ચાલે જ છે. સરકારી બાબુઓની ફરજમાં આ નોટીસ પોલ્યુશન અટકાવવાનું આવતું ન હોય તેથી બધા હેરાન થતા અને લાગતાવળગતા મૂક-બધિર થઈ તમાશો ચલાવ્યા કરે છે. ડી.જે.નો અવાજ જેમાંથી નીકળે છે તેવા વિશાળ સ્પીકરો સામે મૂર્ખ માતા-પિતા તેના માસૂમ બાળકોને કાંખમાં તેડીને ઊભાં રહે છે. જે અવાજથી મોટા માણસોના હૃદયમાં પણ ધમ-ધમ બોલે તેવા અવાજમાં બાળકોના કાન અને હૃદયને નુકસાન થાય છે તે પણ માતા-પિતાઓને ભાન નથી.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.