National

મહિલા સાથે અભદ્ર વર્તન ભાજપના આ કથિત નેતાને ભારે પડી ગયું, મકાન પર બુલડોઝર ફર્યુ

નોઈડા: (Noida) નોઈડા પોલીસે મહિલા સાથે દુષ્કર્મના કેસમાં ફરાર ભાજપના કથિત નેતા શ્રીકાંત ત્યાગી  (Srikant Tyagi) પર 25 હજારનું ઈનામ જાહેર કર્યું છે. હવે માહિતી સામે આવી રહી છે કે ત્યાગી આત્મસમર્પણ કરવા તૈયાર છે અને ગમે ત્યારે આત્મસમર્પણ કરી શકે છે. ત્યાગી વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ (Gangster Act) હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમની ગેરકાયદેસર મિલકતો પણ ટ્રેસ કરવામાં આવી રહી છે. આ સિવાય આજે નોઈડાના તેમના આવાસ પર પણ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. અને તેમની દુકાન પર પણ તવાઈ આવે તેવી શક્યતા છે. ગૃહ વિભાગ શ્રીકાંત ત્યાગી પર મોટી કાર્યવાહી કરી રહ્યું છે. બીજી તરફ ત્યાગીએ પોતે સરેંડર કરવાની પણ તૈયારી બતાવી છે.

આ તરફ પ્રશાસને ત્યાગીના ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. ત્યાગીના નોઈડા બેઝ પર વહીવટીતંત્રના દરોડા ચાલુ છે. બીજી તરફ GSTની ટીમ શ્રીકાંતની ભાંગેલમાં આવેલી દુકાનો પર તપાસ માટે પહોંચી છે. ત્યાગીના મકાન પર બુલડોઝર ફેરવ્યા બાદ હવે દુકાનો પર પણ તવાઈ આવી શકે છે. ત્યાગીની નોઈડાના ભાંગેલમાં 15 ગેરકાયદેસર દુકાનો છે. આ દુકાનો બાબતે પ્રશાસને તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આ ગેરકાયદે દુકાનો ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. આજે સવારે નોઇડા ઓથોરિટી દ્વારા ઓમેક્સ સોસાયટીની અંદર ત્યાગીના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવી હતી. નોઈડા પ્રશાસન વતી બુલડોઝર ચલાવીને બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

નોઈડામાં મહિલા સાથે જાહેરમાં અપમાનજનક વર્તન કરનારા ભાજપના નેતા શ્રીકાંત ત્યાગીની મુશ્કેલીઓ વધી રહી છે. જોકે હજી પણ તે ફરાર છે. પોલીસની વિવિધ ટીમો શ્રીકાંત ત્યાગીનું લોકેશન ટ્રેસ કરી રહી છે. આ તરફ ગૃહ વિભાગ શ્રીકાંત ત્યાગી પર મોટી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. નોઈડાના પોલીસ કમિશનર (Noida Commissioner of Police) આલોક કુમારે કહ્યું છે કે ટૂંક સમયમાં શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરવામાં આવશે. શ્રીકાંત સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. શ્રીકાંત ત્યાગીનું બંદુકનુ લાઇસન્સ પણ ટૂંક સમયમાં રદ કરવામાં આવશે. સાથે જ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ત્યાગીની મિલકત પણ ટાંચમાં લેવામાં આવશે.

પોલીસે જણાવ્યું કે 93-બી સ્થિત ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીના રહેવાસી ત્યાગી ઘટના બાદથી ફરાર છે. ત્યારબાદ ફેઝ-2 પોલીસ સ્ટેશને તેની ધરપકડ માટે 25 હજારનું ઈનામ જાહેર કર્યું છે. આરોપી શ્રીકાંત ત્યાગીએ ભારતીય જનતા પાર્ટી (BJP) ના કિસાન મોરચાનો સભ્ય હોવાનો દાવો કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથેના તેમના ફોટા પણ સોશિયલ મીડિયા પર મુક્યા છે. પરંતુ પાર્ટીના સ્થાનિક યુનિટે આ બાબત પછી પોતાને તેમનાથી દૂર કરી દીધા હતા. પોલીસ કમિશનરના મીડિયા ઈન્ચાર્જે કહ્યું કે ત્યાગી વિશે માહિતી આપનારને 25 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

વિવાદોનો લાંબો ઇતિહાસ
શ્રીકાંત ત્યાગી વિવાદોનો લાંબો ઈતિહાસ ધરાવે છે. નોઈડાની મહિલા સાથે અભદ્ર વ્યવહાર પહેલા પણ તે મહિલાના પ્રેમમાં ખરાબ રીતે ફસાઈ ચુક્યા છે. ઘટના ફેબ્રુઆરી 2020ની છે. તે સમયે શ્રીકાંત ત્યાગીની પત્નીની ગેરહાજરીમાં તેમની મહિલા મિત્ર લખનૌમાં તેમના ઘરે તેમને મળવા આવી હતી. દરમિયાન પત્ની પણ ઘરે પહોંચી ગઈ હતી. પતિને મહિલા મિત્ર સાથે જોઈને પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને તેઓ વચ્ચે ભારે મારામારી થઈ હતી. ત્યાગીની પત્નીએ મહિલા મિત્ર વિરુદ્ધ ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.

Most Popular

To Top