નવી દિલ્હી (New Delhi): વર્ષોથી અબજોના કૌભાંડ કરી હજારો લોકોનું કરી નાંખનાર મોહિત ગોયલ (Mohit Goel) નામના શખ્સની દિલ્હી પોલીસે સોમવારે ધરપકડ કરી હતી. પાંચ વર્ષ પહેલાં 251 રૂપિયામાં સ્માર્ટફોન આપવાનો દાવો કરી અબજોની છેતરપિંડી (Fraud) કરનાર મોહિત ગોયલ દર વખતે નવી નવી રીતે લોકોને છેતરે છે. આ વખતે તેના સૂકામેવાના નામે હજારો લોકોની અબજો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. પોલીસે તેની પાસેથી બે લક્ઝરી કાર અને અન્ય સામાન જપ્ત કર્યો છે.
હકીકતમાં રોહિત મોહન નામના સૂકામેવાના જથ્થાબંધ વેપારીએ 24 ડિસેમ્બરે સેક્ટર -58 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે સેક્ટર -62 માં કેટલાક લોકો ‘દુબઈ ડ્રાય ફુડ્સ હબ‘ નામથી દુકાન ચલાવે છે. આ લોકો રોહિત મોહન પાસેથી લાખોનો માલ ખરીદીને તેને 40 % રોકડા આપીને બાકીની રકમનો ચેક આપી ગયા હતા. આ ચેક બાઉન્સ જતા રોહિત મોહન સીધા ‘દુબઈ ડ્રાય ફુડ્સ હબ’ પર પહોંચ્યા, જ્યાં તેમને ખબર પડી કે અહીં કામ કરતાં લોકો અન્ય લોકો સાથે આ જ રીતે ઠગાઇ કરે છે. આ જાણ થતાં જ તેણે પોલીસ ફરિયાદ કરાવી જ્યાર પછી પોલીસ સક્રિય થઇ.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે આ શખ્સે આ રીતે દેશભરના હજારો લોકો સાથે અબજો રૂપિયાની છેતરપિંડી કરી હતી. સોમવારે દિલ્હી પોલીસે મોહિત ગોયલ અને તેના સાથી ઓમ પ્રકાશની ધરપકડ કરી હતી. એડિશનલ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન આરોપીઓએ સૂકોમેવો ખરીદવાના નામે 40 લોકો સાથે છેતરપીંડિ કર્યાની વાત કબૂલી છે.
એડીસીપી રણવિજયસિંહે કહ્યું કે આ કેસમાં 14 લોકોના નામ સામે આવ્યા છે. અગાઉ પોલીસે ધરપકડ કરેલ સુમિત યાદવ નામનો શખ્સ પણ આ ગેંગ સાથે સંકળાયેલો હોવનું પોલીસને જાણવા મળ્યુ છે. પોલીસે અત્યાર સુધી 70 લોકોના નામની યાદી તૈયાર કરી છે જે આ ગેંગે કરેલી છેતરપીંડિનો ભોગ બન્યા છે.
પોલીસે દાવો કર્યો છે કે મોહિત ગોયલ કાયદેસરની કાર્યવાહીમાં નિષ્ણાત છે. તે કાનૂની કાર્યવાહી માટે છેતરપિંડી દરમિયાન તેની પાસે આવતી રકમનો એક ભાગ કાનૂની લડત લડવા માટે બાજુએ રાખે છે. સોમવારે કોર્ટમાં હાજર થતાં પહેલાં જ, તેની તરફેણ બતાવવા માટે એક મોટી કાનૂની ટીમ કોર્ટમાં પહોંચી હતી, છેતરપિંડી કરાયેલા ઘણા લોકો પણ કોર્ટમાં પહોંચ્યા હતા. પણ મોડી સાંજે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડી મળી ગઇ હતી.
આ શખ્સ કે જે નોયડામાં એન્જિનિયરિંગ અને ઓસ્ટ્રેલિયાથી MBA ભણ્યો છે, તે તેના વિરુદ્ધ ફરિયાદ કરતા લોકો વિરુદ્ધ જ પોલીસ ફરિયાદ કરીને તેમને ફસાવી દે છે. અત્યાર સુધી હજરો લોકોને લૂંટીને તેણે અબજો રૂપિયા બનાવ્યા છે. એટલું જ નહીં આ રૂપિયા તેણે તેના અને તેની પત્નીના નામે ચાલતી એક મોબાઇલ એપ્લિકેશનમાં રોક્યા છે.
ફેબ્રુઆરી -2016 માં રિંગિંગ બેલ નામની કંપની ખોલી, 251 રૂપિયામાં મોબઇલ ફોન મળશે એવી જાહેરોત કરી સાત કરોડથી વધુ મોબાઇલ ફોનનું બુકિંગ કરી અબજો રૂપિયા ચાઉં કરી ગયો હતો. ઉત્તર પ્રદેશના શામલી શહેરમાં મામૂલી કરિયાણાની દુકાન ચલાવનોરનો દીકરો દેશમાં કાયદાની જ માયાજાળ કરીને અબજો રૂપિયાનું કૌભાંડ કરી રહ્યો છે. આ તો અસલ ફિલ્મી દ્વશ્ય લાગે છે.