સુરત: મેટ્રો રેલ સુરતનું એક સપનું છે પરંતુ આ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન જે અણઘડ આયોજનો કરવામાં આવ્યા છે તેણે મેટ્રો પ્રોજેક્ટને સુરતનું જાણે એક દુ:સ્વપ્ન બનાવી દીધું છે. મેટ્રો રેલની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. બહારગામથી આવતા આ પ્રોજેક્ટના અધિકારીઓ સુરતીઓને ગાંઠતા નથી.
- મેટ્રો રેલના અધિકારીઓએ મનમાની કરતાં હોવાથી કોટવિસ્તાર જાણે બેરિકેડનો વિસ્તાર બની ગયો
- એક તરફ મેટ્રોના બેરિકેડ અને બીજી તરફ દબાણોને કારણે વાહનચાલકો વાહનો ચલાવી શકતા નથી
- નોડલ અધિકારી મેટ્રોને કારણે સુરતીઓને પડતી અવગડોમાંથી મુક્તિ અપાવશે તો જ તેમની નિમણુંક સાર્થક રહેશે
મેટ્રો રેલ જ્યાં જ્યાંથી પસાર થવાની છે તે તે વિસ્તારોમાં સુરતીઓએ ભારે ત્રાસ વેઠ્યો છે અને તેમાં તો કોટવિસ્તારના લોકોએ ભારે હેરાનગતિ થવી પડી છે. પરંતુ મેટ્રો રેલના અધિકારીઓ માતેલા સાંઢ જેવા બની ગયા હતા અને મનફાવે ત્યાં બેરિકેડિંગ કરવાથી માંડીને લોકોને ટ્રાફિક જામમાં મુકીને ત્રાસ પોકારાવી દીધો છે. મેટ્રો રેલના અધિકારીઓ સુરત મનપાની વાત પણ માનતા નહોતા.
આખરે મેયર દક્ષેશ માવાણી અને સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે મેટ્રોના તંત્ર સામે લાલ આંખ કરતાં આ પ્રોજેક્ટ માટે ચાર વર્ષ બાદ નોડલ ઓફિસર તરીકે ચંદ્રપાલસિંહ હંસેલિયાની નિયુક્તિ કરવામાં આવી છે. જોકે, આ નોડલ અધિકારી પણ ‘દેર સે આયે દુરસ્ત આયે’ની જેમ સુરતીઓનો પોકાર સાંભળશે કે પછી ‘બાર વર્ષે બાવો બોલ્યો…’ની જેમ નિષ્ક્રીય જ રહેશે તે સમય જ કહશે. આ નોડલ અધિકારી સમક્ષ મેટ્રો રેલની કામગીરીના સંદર્ભમાં સુરતીઓની અનેક ફરિયાદો છે અને તે ‘ગુજરાતમિત્ર’ તેમની સમક્ષ લાવી રહ્યું છે. સુરતીઓની અપેક્ષા છે કે નોડલ અધિકારી તેમની સમસ્યાનો અંત લાવે.
સ્ટારબજાર પાસે બેરિકેડિંગ કરી લોકોને ગોલ ફરતાં કરી દીધા, પાલનપોર સુધી રસ્તાઓ બંધ કરી દીધા
અડાજણ, સ્ટાર બજાર પાસે મેટ્રો રેલના અધિકારીઓ દ્વારા બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. અને એલપી સવાણી તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેને કારણે એક તરફ ટ્રાફિક જામ થાય છે તો બીજી તરફ વાહનચાલકોએ રોંગ સાઇડમાં જવુ પડે છે. સ્ટાર બજાર પાસે વાહનચાલકોએ એલપી સવાણી સર્કલ સુધી જવા માટે ગોળ ગોળ ફરવું પડે છે.

એલપી સવાણી રોડ પર મેટ્રોની કામગીરીને કારણે રોડ પણ ઉબડખાબડ થઈ ગયા છે અને લોકોએ કમરના દુખાવાનો ભોગ બનવું પડી રહ્યું છે. સ્ટારબજારથી પાલનપોર જકાતનાકા સુધી અનેક જગ્યાએ બેરિકેડથી રસ્તો બંધ કરી દેવાયો છે પરંતુ અનેક સ્થળે કામ ચાલતું નથી. જ્યાં કામ ચાલતું નથી ત્યાં રસ્તો પણ ખોલતા નથી. આ રસ્તા પર દબાણોને કારણે ફોરવ્હીલ જઈ શકે તેમ જ નથી.
પાલ, ગૌરવપથ પર મેટ્રોના કોન્ટ્રાકટરોના હેવી મશીનોથી સ્થાનિકો ભારે પરેશાન
મેટ્રો રેલની કામગીરી માટે પાલના ગૌરવપથ પર બેથી ત્રણ જગ્યાએ કોન્ટ્રાક્ટરને જગ્યા આપવામાં આવી છે પરંતુ આ જગ્યા પર 24 કલાક સતત ચાલતી કામગીરીને કારણે આસપાસના રહીશો હેરાન થઈગયા છે. આ મુદ્દે રહીશો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી.
ચોકબજારના ચાર રસ્તા ખાલી બે જ રસ્તા રહી ગયા, 200 મી. અંતર કાપવા માટે 4 કિ.મી. ફરવું પડી રહ્યું છે
મેટ્રો રેલને કારણે ચોકબજારના ચાર રસ્તા ચારને બદલે બે રસ્તા જ રહી ગયા છે. આ વિસ્તાર ગીચ છે અને લોકોને ભાગળ જવા માટે અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ચોક, ચાર રસ્તાથી મક્કાઈપુલ તરફ જતો રસ્તો બંધ કરી દેવાયો છે. જ્યારે ગાંધીબાગ પાસેથી પણ બેરિકેડિંગ કરાયું હોવાથી હાલમાં કામ ચાલતું નહીં હોવા છતાં પણ રસ્તાઓ બંધ છે. જેને કારણે વાહનચાલકો ભારે હેરાન થઈ રહ્યા છે.
ચોકબજારમાં મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવાને કારણે વાહનચાલકોએ ચકરાવો મારવો પડી રહ્યો છે. મુગલીસરાઈ જવા માટેના 200 મીટરનો રસ્તો કાપવા માટે ચાર કિ.મી. ફરવું પડી રહ્યું છે. કિલ્લામાં પણ એક તરફ હેરિટેજ ટુરિઝમ અને બીજા ફેઈઝની કામગીરીની વાતો થાય છે પરંતુ મેટ્રો રેલની કામગીરીને કારણે સુરતીઓ તેને જોવા માટે જઈ શકે તેમ જ નથી.
કાદરશાની નાળમાં મેટ્રોની કામગીરી અને દબાણોએ વાહનચાલકો માટે નર્કાગાર જેવી સ્થિતિ કરી
નાનપુરા, કાદરશાની નાળમાં હાલમાં કોઈ કામ ચાલતું હોય તેવું દેખાતું નથી. પરંતુ મેટ્રો રેલ દ્વારા ચારે બાજુ બેરિકેડ લગાડીને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. એક તરફ બેરીકેડિંગ અને બીજી તરફ દબાણોએ કાદરશાની નાળને બાનમાં લઈ લીધી છે. વાહનચાલકોએ જો કાદરશાની નાળમાંથી પસાર થવું હોય તો ભૂલભૂલામણી જેવું કરી દેવામાં આવ્યું છે. મનપાના નબળા અધિકારીઓને કારણે કાદરશાની નાળ જાણે બહારનો પ્રદેશ હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે.

મક્કાઈપુલનું સર્કલ તોડ્યા બાદ બેરિકેડિંગથી લોકો રોંગસાઈડ જવા મજબૂર
નાનપુરાનું મક્કાઈપુલનું વિવેકાનંદ સર્કલ મેટ્રોની કામગીરી માટે તોડી પાડવામાં આવ્યું છે પરંતુ આ સર્કલ તોડ્યા બાદ આખો વિસ્તાર જાણે ખોદી નંખાયો છે. આ સર્કલની ફરતે બેરિકેડિંગ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે પરંતુ એવી રીતે ડાયવર્ઝન અપાયા છે કે અકસ્માત થયા વિના રહે નહીં. લોકો રોંગસાઈડ પરથી જવા માટે મજબૂર બની ગયા છે.
જેને મહત્વનું સમજી જંકશન બનાવાયું તેવા મજૂરાગેટ સર્કલની હાલત મેટ્રોના અણઘડ આયોજનોએ બગાડી
જે સર્કલનું મહત્વ સમજીને મેટ્રો રેલ દ્વારા મેટ્રોની બંને લાઈનો માટે જંકશન બનાવવામાં આવ્યું તે મજૂરાગેટની હાલત મેટ્રોની કામગીરીમાં સૌથી ખરાબ થઈ જવા પામી છે.
એક તરફ મજૂરાગેટથી વ્હાઈટ હાઉસ તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેને કારણે વાહનચાલકોએ ચકરાવા મારવા પડી રહ્યા છે. બીજી તરફ દબાણોએ વિસ્તારની હાલત બગાડી છે. ખાલી 3 મીટરના રસ્તા પરથી એક તરફ અવરજવર થાય છે અને તેમાં પણ વાહનો પાર્ક થતાં હોવાથી વાહનચાલકોને જાણે ‘દોરડા પર ચાલતા હોય’ તેવો અહેસાસ થઈ રહ્યો છે.
મજૂરાગેટથી છેક ઉધના દરવાજા સુધીનો રિંગરોડનો વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે પરંતુ એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ લારી-ગલ્લા તેમજ રિક્ષાવાળાઓના દબાણને કારણે વાહનચાલકો સાંકડા રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે. મજૂરા ગેટથી ભટાર ચાર રસ્તા થઈને સોહમ સર્કલ જતા રસ્તા પર અનેક જગ્યાએ બિનજરૂરી પહોળાં બેરિકેટ છે. જે સાંકડા થાય તો ટ્રાફિકને રાહત થઇ શકે.
ભાગળ, રાજમાર્ગ પર મેટ્રો માટે રસ્તાઓ બંધ કરી દેવાતા વર્ષો જુની પેઢી બંધ થવાની કગાર પર
સુરતનો રાજમાર્ગ એક સમયે શહેરનો ધોરીમાર્ગ હતો પરંતુ મેટ્રોની કામગીરીએ જાણે સુરતીઓથી તેને અલગ પાડી દીધો છે. જ્યાં પોસ્ટ ઓફિસથી માંડીને મસ્કતિ હોસ્પિટલ અને ટાવર સહિતના બજારો આવ્યા છેતે રાજમાર્ગને બંધ કરી દેવાને કારણે સ્થાનિક વેપારીઓ બેરોજગાર થઈ ગયા છે. આ બેરિકેડ ખોલવા માટેની વેપારીઓની માંગ સામે સામાન્ય વળતર આપી દેવું પરંતુ તેનાથી વેપારીઓનો ધંધો શરૂ થઈ શક્યો નથી. રસ્તો બંધ રહેવાને કારણે વર્ષો જૂની પેઢીઓ કે જે રાજમાર્ગ પર ધંધો કરતી હતી તે
લંબેહનુમાન રોડ અને કાપોદ્રામાં મેટ્રો રેલ અંડરગ્રાઉન્ડ છે છતાં પણ રસ્તાઓ બંધ
મેટ્રો રેલની કામગીરીને કારણે લંબે હનુમાન રોડ પર પણ બે-બે વર્ષથી અનેક દુકાનો બંધ છે, જ્યાં કામ ના ચાલતું હોય ત્યાં પણ બેરિકેડ મારેલા છે. જેને કારણે વાહનચાલકો અને દુકાનમાલિકો હેરાન થઈ ગયા છે. જ્યારે મેટ્રો રેલ માટે કાપોદ્રાથી કલાકુંજ સ્વામિનારાયણ જતો રસ્તા સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. આ રસ્તામાં બેરિકેડને સાંકડા કરવામાં આવે તો વાહનો જઈ શકે તેમ છે. જો આમ થાય તો વાહનચાલકોનો દોઢ કિ.મી.ના ચકરાવામાંથી બચાવ થાય તેમ છે.