આ વર્ષે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર ત્રણ અમેરિકન વૈજ્ઞાનિકોને એનાયત કરવામાં આવ્યો છે. જોન ક્લાર્ક, મિશેલ ડેવોરેટ અને જોન માર્ટિનિસ. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સિસે મંગળવારે આ જાહેરાત કરી. આ પુરસ્કાર મોટા પાયે ક્વોન્ટમ ટનલીંગ અને ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ઊર્જા સ્તરોની શોધ બદલ આપવામાં આવ્યો હતો.
ક્વોન્ટમ ટનલીંગ એ પ્રક્રિયા છે જેમાં કણ કોઈ બેરિયરને કૂદીને નહીં પણ તેની આરપાર થઈને નિકળે છે. સામાન્ય ભૌતિકશાસ્ત્ર અનુસાર આ અશક્ય હોવું જોઈએ. રોજિંદા જીવનમાં આપણે દિવાલ પરથી બોલ ઉછળતો જોઈએ છીએ પરંતુ ક્વોન્ટમ વિશ્વમાં નાના કણો ક્યારેક દિવાલને પાર કરીને બીજી બાજુ જાય છે. આને ક્વોન્ટમ ટનલિંગ કહેવામાં આવે છે.
વૈજ્ઞાનિકોએ માનવ સ્કેલ પર ક્વોન્ટમ અસરો દર્શાવી
રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સિસે જણાવ્યું હતું કે આ વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું હતું કે માનવ સ્કેલ પર ક્વોન્ટમ અસરો અવલોકન કરી શકાય છે. ભૌતિકશાસ્ત્રમાં એક મૂળભૂત પ્રશ્ન એ રહ્યો છે કે શું ક્વોન્ટમ અસરો, જે સામાન્ય રીતે અણુઓ અને કણો સુધી મર્યાદિત હોય છે તે મોટા પાયે પણ અવલોકન કરી શકાય છે.
આનો ઉકેલ લાવવા માટે જોન ક્લાર્ક, મિશેલ ડેવોરેટ અને જોન માર્ટિનિસે 1984 અને 1985 માં કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં એક અનોખો પ્રયોગ કર્યો. તેમણે બે સુપરકન્ડક્ટર (એવી સામગ્રી જે વીજળીનું અવિરત સંચાલન કરી શકે છે) નો ઉપયોગ કરીને એક વિદ્યુત સર્કિટ બનાવી. એક પાતળા સ્તરે આ બે સુપરકન્ડક્ટર વચ્ચેના વિદ્યુત વહનને અવરોધિત કર્યું. તેમ છતાં તેમણે અવલોકન કર્યું કે સર્કિટમાંના બધા ચાર્જ થયેલા કણો એકસાથે વર્તે છે જાણે તેઓ એક જ કણ હોય.
આ કણો પાતળા સ્તરને પાર કરી શકે છે અને બીજી બાજુ જઈ શકે છે જે ક્વોન્ટમ ટનલિંગનો પુરાવો હતો. આ પ્રયોગથી વૈજ્ઞાનિકોને મોટી સિસ્ટમોમાં ક્વોન્ટમ ટનલિંગ કેવી રીતે કાર્ય કરે છે તે નિયંત્રિત કરવા અને સમજવાની મંજૂરી મળી. આ શોધ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને નવી તકનીકો માટે એક મહત્વપૂર્ણ પ્રગતિ છે. આ શોધ ભવિષ્યમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને નવી તકનીકો વિકસાવવામાં મદદ કરી શકે છે. ક્વોન્ટમ ટેકનોલોજીનો ઉપયોગ સેમિકન્ડક્ટર, કમ્પ્યુટર અને માઇક્રોચિપ્સમાં થાય છે. તે ડિજિટલ ટેકનોલોજીનો પાયો છે.