આજની જે દુનિયા છે તેવી દુનિયા આદમ અને ઈવના સમયે નહોતી. જે તે સમયે સમજ અને સંસ્કૃતિ વિનાની આ દુનિયામાં સમયાંતરે સુધારાઓ આવતા રહ્યા અને પરિવર્તન થતું રહ્યું. આ સુધારાઓ લાવવા માટે અનેક નેતાઓએ ભારે જહેમત ઉઠાવી છે. બની શકે કે જે તે સમયે જે તે નેતાઓએ કરેલા સુધારા ત્યારબાદના સમયમાં અપ્રસ્તુત પણ રહ્યા હોય. દુનિયામાં આવા નેતાઓમાં જો કોઈ શિરમોર હોય તો તે મહાત્મા ગાંધી છે. સત્ય અને અહિંસાનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીએ ભારતને આઝાદ કરાવ્યું હતું, તો જર્મન ફિલસુફ કાર્લ માર્ક્સ દ્વારા સામ્યવાદની વિચારધારા રજૂ કરવામાં આવી. સામ્યવાદ રશિયા અને ચીનમાં મોટાપાયે પ્રસર્યો હતો. ચીનમાં માઓત્સે તુંગ દ્વારા સામ્યવાદને આગળ કરવામાં આવ્યો, પરંતુ સમય વીતતા ધીરેધીરે સામ્યવાદની વિચારરસણી ક્ષીણ થવા માંડી અને મુડીવાદની વિચારસરણી આગળ થવા માંડી. આજે ભાગ્યે જ કોઈ દેશ છે કે જે સામ્યવાદની વિચારસરણી પર ચાલે છે. રશિયામાં એક સમયે શાસન પર સામ્યવાદી વિચારરસણી હાવી હતી. ત્યાં સુધી કે પરંપરાગત શાસકો આ જ વિચારધારાને આગળ ધપાવતા હતા. અમેરિકા અને રશિયા વચ્ચે દાયકાઓથી ચાલી રહેલા શીત યુદ્ધમાં રશિયાની સામ્યવાદી વિચારધારા મહદ અંશે જવાબદાર રહેતી હતી.
રશિયાને એક સમયે સોવિયત યુનિયન ગણવામાં આવતું હતું. એટલા માટે કે આ યુનિયનમાં અનેક દેશોનો સમાવેશ થતો હતો. સોવિયેત યુનિયનની સ્થાપનાની પ્રક્રિયા 1917ની રશિયન ક્રાંતિ સાથે શરૂ થઈ હતી. જેમાં રશિયન સામ્રાજ્યના ઝાર (સમ્રાટ)ને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા. વ્લાદિમીર લેનિનની આગેવાની હેઠળની બોલ્શેવિક પાર્ટીએ સત્તા કબજે કરી હતી પરંતુ તે ઝડપથી બોલ્શેવિક શ્વેત વિરોધી ચળવળ સાથે ગૃહયુદ્ધમાં સામેલ થઈ ગઈ હતી. બોલ્શેવિક્સની રેડ આર્મીએ ગૃહ યુદ્ધ દરમિયાન ઘણા રાજ્યોને કબજે કર્યા હતા.
જેમણે ઝારના પતનનો લાભ લઈને રશિયાથી સ્વતંત્રતા જાહેર કરી હતી. ડિસેમ્બર 1922માં, બોલ્શેવિકોએ સંપૂર્ણ વિજય મેળવ્યો અને તેઓએ રશિયા, યુક્રેન, બેલારુસ અને કાકેશસ પ્રદેશમાં જોડાઈને સોવિયેત સંઘની રચનાની જાહેરાત કરી હતી. આ સોવિયેત યુનિયન લાંબો સમય સુધી ચાલતું રહ્યું હતું. પરંતુ 1985માં જ્યારે મિખાઈલ ગોર્બોચેવએ ગ્લાસનોટની નીતિને માન્યતા આપી હતી. ગોર્બોચેવએ રશિયામાં વાણી સ્વાતંત્ર્યની જાહેરાત કરી હતી. ગોર્બોચેવે પેરેસ્ટ્રોઈકા તરીકે ઓળખાતા આર્થિક સુધારાનો કાર્યક્રમ પણ શરૂ કરવાની સાથે સરકારી તંત્ર પર પોતાના પક્ષના નિયંત્રણને ઘટાડવા માટે અનેક સુધારાઓ કર્યા હતા. ગોર્બોચેવના શાસન દરમિયાન હજારો રાજકીય કેદીઓ અને અસંતુષ્ટોને મુક્ત કરવામાં આવ્યા. અમેરિકા સાથે ગોર્બોચેવે કરેલી પરમાણુ નિ:શસ્ત્રીકરણ કરારને ગોર્બોચેવની મોટી સફળતા માનવામાં આવી રહી હતી.
ગોર્બોચેવની આ નીતિને કારણે તેમને વિશ્વમાં અનેક પુરસ્કારો તેમજ સન્માન પણ મળ્યા અને 1990માં તો ગોર્બોચેવને શાંતિનો નોબલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. અમેરિકા અને રશિયા વચ્ચેના શીત યુદ્ધને સમાપ્ત કરવા માટે ગોર્બોચેવે ભજવેલી ભૂમિકા માટે તેમને એવોર્ડ અપાયો હતો. જોકે, ગોર્બોચેવની આ નીતિ તેમને જ ભારે પડી હતી. સત્તાના શરૂઆતના પાંચ વર્ષ ગોર્બોચેવ માટે અનેક સફળતાથી ભરેલા હતા પરંતુ ત્યારબાદ તેમની સુધારાવાદી નીતિઓને કારણે સોવિયેત યુનિયન તૂટી પડ્યું હતું. આ યુનિયનમાં જોડાયેલા દેશ સ્વતંત્ર થવા માંડ્યા હતા અને આ કારણે જ રશિયામાં ગોર્બોચેવનો ભારે વિરોધ થવા લાગ્યો હતો. રશિયામાં તેમને અમેરિકાના એજન્ટ તરીકે પણ ગણાવવામાં આવ્યા હતા. સોવિયેત સંઘના પતન માટે પણ ગોર્બોચેવને જ જવાબદાર ઠેરવવામાં આવ્યા અને 1991માં તેમને પદ પરથી રાજીનામું આપી દેવાની ફરજ પાડવામાં આવી હતી. ગોર્બોચેવે 1996માં ફરી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રાજકારણમાં આવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને માત્ર 0.5 ટકા જ મત મળ્યા હતા.
ગોર્બોચેવે વારંવાર કહ્યું હતું કે તેઓ ક્યારેય એવું ઈચ્છતાં નહોતા કે સોવિયત સંઘનું પતન થાય. જે ગોર્બોચેવે અનેક સુધારા કરી રશિયાને આગળ લાવવા માટે પ્રયાસો કર્યા તે જ ગોર્બોચેવે રાષ્ટ્રપતિના પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. રશિયાના લોકો તેમની વિરૂદ્ધમાં થઈ ગયા હતા. ગોર્બોચેવ દ્વારા રશિયામાં સુધારાઓ કરવામાં આવ્યા પરંતુ તે સોવિયેત સંઘના પતન માટે જવાબદાર બન્યા અને ગોર્બોચેવની લોકપ્રિયતા તળિયે પહોચી ગઈ હતી. નોબેલ પુરસ્કાર વિજેતા અને રશિયામાં સામ્યવાદનો અંત લાવનાર મિખાઈલ ગોર્બોચેવનું બુધવારે નિધન થયું હતું. ગોર્બોચેવે રશિયામાં સામ્યવાદનો અંત લાવનાર નેતા તરીકે ઓળખવામાં આવશે તે નક્કી છે.