
ક્યાંક પ્રશંસાની આવશ્યકતા છે. આમ તો બધે જ પ્રશંસાની આવશ્યકતા છે. જે પણ થઈ રહ્યું છે તેની પાછળ ઘણી મહેનત લાગતી હોય છે. જે પણ થઈ રહ્યું છે તેની પાછળ એક ચોક્કસ પ્રકારનો વિચાર અને તે માટેની વિચારધારા કાર્યરત હોય છે. આ વિચારધારામાં પરિપક્વતા આવે તે માટે ઘણાં સફળ તેમ જ નિષ્ફળ પ્રયોગો કરાયા હોય છે. આ પ્રયોગોના તારણને એકત્રિત કરી, તેનો સાર કાઢી, તે અનુસાર ઘટના આકાર લેતી હોય છે.
એ વાત તો બધાં જ જાણે છે કે, માતા જ્યારે રોટલી બનાવે ત્યારે તેમનો વર્ષોનો અનુભવ તેમાં ફાળો આપતો હોય છે. તે ઉપરાંત પણ ઘઉં દળાવવા માટે ઘંટીના માલિક દ્વારા, ઘઉંને ખેતરથી દુકાન સુધી પહોંચાડવા માટે વાહન વ્યવહાર સાથે સંલગ્ન તથા ખરીદ-વેચાણ નિયંત્રિત કરનાર વ્યક્તિઓ દ્વારા તેમજ ઘઉંને ઉગાડવા માટે ખેડૂત દ્વારા અગાથ પ્રયત્નો થતાં હોય છે. લાંબુ વિચારતાં એમ પણ જણાવશે કે દળવાની ઘંટીની શોધ કરનાર, વાહન વ્યવહાર તથા ખરીદ-વેચાણનું માળખું તૈયાર કરનાર, ખેતીમાં વપરાતાં ખાતરની વ્યવસ્થા કરનાર, આ બધાંનો “માતાની રોટલી”માં ફાળો હોય છે. આગળ વિચારતાં એમ પણ જણાશે કે આ રોટલીના મોણમાં જે તેલ વપરાય, રોટલી વણવા માટે જે સાધનોનો ઉપયોગ થાય, રોટલી શેકવા જે બળતણ ઉપયોગમાં લેવાય, રોટલી પર જે ઘી ચોપડાય, જે થાળીમાં રોટલી પીરસવામાં આવે – આ બધું જ જ્યારે વ્યવસ્થિત ગોઠવાય ત્યારે માતાની સરસ રોટલી અસ્તિત્વમાં આવે. આ બધી વાતો, આ બધી મહેનત, આ બધી તપસ્યા, આમાં પડતી કઠણાઈ, આ બધી પ્રક્રિયામાં સંડોવાયેલી ક્યાંક લાચારી કે વ્યથા, આ બધું જ્યારે સમજમાં આવે ત્યારે જ ‘માતાની રોટલી’ની વાસ્તવિક કિંમત સમજાય.
સામાન્ય રીતે થતું એમ હોય છે કે, એમ માની લેવામાં આવે છે કે, રોટલી બનાવીને માતા પીરસે એમાં કંઈ મોટી વાત નથી. માતાનો તો એ ધર્મ છે. વાત સાચી છે. પરંતુ એ ધર્મની નિભાવણી પાછળ માતાનો જે ભાવ હોય છે, જે સમર્પણ હોય છે, જે નિષ્ઠા હોય છે, જે વિશ્વાસ હોય છે, તેની યાદ પણ તાજી રાખવી જોઈએ. તેવી જ રીતે માતાની રોટલીની બનાવટમાં જે જે લોકોએ યજ્ઞ તરીકે અનુદાન કર્યું છે તે વિશે પણ ક્યારેક થોડુંક ચિંતન જરૂરી બને. દર વખતે આ શક્ય ન પણ હોય, પણ ક્યારેક તો તે ધ્યાનમાં આવવું જ જોઈએ. અહીં માત્ર માતાની રોટલીનો પ્રશ્ન નથી, આ એક પ્રકારની માનસિકતાના ઘડતરનો પ્રશ્ન છે. સમાજમાં દરેક વ્યક્તિનું મહત્ત્વ સમજવાનો અને તેનાં દ્વારા સમાજના સંતુલિત અને વ્યવસ્થિત અસ્તિત્વ માટે અપાતાં ફાળાની વાત છે. ક્યારેક એમ લાગે છે કે આજનો સમાજ “નગણો”- થેન્કલેસ થતો જાય છે. સમાજના તંદુરસ્ત અસ્તિત્વ માટે આ એક સારી સ્થિતિ નથી. કોઈપણ બાબત એમ જ અસ્તિત્વમાં નથી આવતી. તેની પાછળ ઘણાં લોકોનો, ઘણાં પ્રકારનો, વિવિધ હેતુસર, જુદી જુદી સ્થિતિમાં, મર્યાદાઓ તેમજ ક્ષમતા સાથે સ્થાપિત થયેલ સહકાર હોય છે. એક ચલચિત્ર જ્યારે પડદા પર રજૂ થાય ત્યારે તેની પાછળ કેટલી મહેનત કરાઈ હોય છે તે ક્યારેક તો સમજવું પડે. એનો અર્થ એ નહીં કે દરેક ચલચિત્રની પ્રશંસા કરી, તેને જોવાં જઈ, તેને આર્થિક ટેકો આપવો. આમ કરવાની આવશ્યકતા નથી, પરંતુ મનના ખૂણામાં ક્યાંક એ ભાવ તો સ્થાપિત થવો જ જોઈએ કે આ ચલચિત્ર રૂપે સ્થાપિત થયેલાં પરિણામમાં ઘણી વ્યક્તિઓએ વિશાળ પ્રમાણમાં યોગદાન આપ્યું હશે.
કોઈ પેન્સિલ હાથમાં આવે કે ચશ્મા, કોઈ રબર હાથમાં આવે કે મોબાઈલ, કોઈ પુસ્તક હાથમાં આવે કે ગુગલ તરફ દૃષ્ટિ પડે, કોઈ ચંદ્રયાન વિશે સમાચાર મળે કે નવું શોધાયેલ રેઝર હાથમાં આવે, આ બધાં પાછળ અપાર મહેનત, સ્પષ્ટ વિચારધારા, ચોક્કસ ઉદ્દેશ્ય, સુનિયોજિત આયોજન, ક્યાંક શારીરિક તો ક્યાંક માનસિક તૈયારી, ચોક્કસ પ્રકારની કૃતનિશ્ચયતા, એક પ્રકારનો વિશ્વાસ, એક કરતાં વધારે વ્યક્તિનું સમર્પણ – આવી કંઈક કેટલીય વાતો સંકળાયેલી હોય છે. ઉપયોગ કરનાર વ્યક્તિના મનમાં ક્યાંક આ સત્ય તો ઉદ્ભવવું જ જોઈએ.
એક મકાન તો ઠીક, એક ખુરશીની રચના નિર્ધારિત થયાં બાદ તેની બનાવટમાં પણ અનેક લોકોએ સહયોગ આપેલો હોય છે. મકાનમાં રહેતી વખતે અને ખુરશી પર બેસતી વખતે ક્યારેક તો આ વાત મનમાં આવવી જોઈએ. કમ્પ્યુટર તો ઠીક, એક પેન ડ્રાઈવની બનાવટ માટે પણ કેટલીયે પ્રક્રિયા જરૂરી બનતી હોય છે. કમ્પ્યુટર કે પેન ડ્રાઈવ વાપરતી વખતે આ બાબતે, ક્યારેક, થોડુંક તો સંવેદનશી રહેવું પડે. લગ્ન સમારંભમાં પીરસવામાં આવતી ગુજરાતી થાળી તો ઠીક, એક પાણીપૂરી નિર્ધારિત કરવામાં પણ અનેક વ્યક્તિઓ દ્વારા કરાયેલાં અનેક પ્રયોગો ધ્યાનમાં રાખવાં પડતા હોય છે. મોઢામાં કોળિયો મૂકતાં પહેલાં થોડોક વિચાર ક્યારેક તો આવવો જોઈએ. યાદી ઘણી લાંબી છે. યાદી અનંત છે. સમાજમાં જે જે ઉપકરણો, જે જે સવલતો, જે જે ઉપભોગની ચીજવસ્તુઓ, જે જે સગવડતાનાં સાધનો, જે જે મનોરંજન તેમ જ સુખસાહ્યબીની ચીજવસ્તુ અસ્તિત્વમાં આવી છે તેની પાછળ જે શારીરિક પરિશ્રમ, જે માનસિક ચિંતન, જે વ્યૂહાત્મક આયોજન, જે ધીરજ તથા જે વિશ્વાસનું પીઠબળ રહ્યું હશે તે પ્રત્યે ક્યારેક તો નજર નાંખવી જોઈએ.
આમ કરવાથી જ વસ્તુની કિંમત સમજાશે, વ્યક્તિની કદર થશે, બગાડ ઓછો થશે, પરસ્પર હકારાત્મક ભાવ સ્થાપિત થશે, ઉપયોગિતામાં વિવેક જળવાશે અને સમગ્રતામાં એક પ્રકારનો કૃતજ્ઞતાનો ભાવ ઊભરશે. કદાચ, સમાજમાં આની આજે સૌથી વધુ આવશ્યકતા છે.
-હેમુ ભીખુ