સુરત: શહેરનાં વરિયાવ-છાપરાભાઠા રોડ વિસ્તારમાં બુધવારે સાંજે એક કરૂણ બનાવ બન્યો હતો. અહીં આવેલા રાધિકા પોઈન્ટ નજીક 120 મીટરના રોડ પર ડ્રેનેજના ખુલ્લા ઢાંકણામાં બે વર્ષનું એક માસુમ બાળક પડી જતા એરરેટી મચી જવા પામી હતી. લોકોનાં ટોળેટોળા એકત્ર થઈ ગયાં હતાં. બાળકને બચાવવાની કોશિશમાં લાગી ગયાં હતાં.
- મનપાની બેદરકારીના કારણે એક પરિવાર પર આભ તુટી પડ્યું
- વરિયાવ-છાપરાભાઠા 120 ફૂટના રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણામાં 2 વર્ષનો બાળક પડી ગયો
- રાધિકા પોઈન્ટ નજીક રોડ ઉપર ભરાતી બુધવારી બજારમાં ખરીદી માટે આવેલી માતાનો હાથ છોડાવીને દોડેલું બાળક ડ્રેનેજમાં પડી ગયું
- મોડી રાત સુધી શોધખોળ છતા બાળકનો પત્તો નહીં મળતા કરૂણાંતિકાની આશંકા
દરિમયાન બનાવની જાણ ફાયર કંટ્રોલને કરવામાં આવતા અલગ-અલગ ત્રણ ફાયર સ્ટેશનોમાંથી ફાયરની 8 ગાડીઓ સહિત ઉચ્ચ ફાયર અધિકારીઓનો કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો. જો કે મોડી રાત સુધી ફાયર બ્રિગેડની ટીમે બાળકની શોધખોળ કરવા છતા આ લખાય છે ત્યા સુધી બાળકનો કોઇ અતોપતો લાગ્યો ન હોય કરૂણાંતિકા ઘટવાની આંશકાથી બાળકના પરિવારમાં રોકકળ મચી જવા પામી હતી.
પ્રાપ્ત જાણકારી મુજબ, ન્યુ કતારગામ રોડ સ્થિત સુમન-સાધનાં આવાસમાં બે વર્ષીય કેદાર શરદભાઈ વેગળ બુધવારે સાંજે તેની માતા વૈશાલીબેન સાથે બુધવારી બજારમાં ગયો હતો. બજારમાં ફરતી વખતે તે આઇસ્ક્રીમ ખાવાની જીદે ચડ્યો હતો, માતા ખરીદીમાં વ્યસ્ત હતી દરમિયાન તે માતાનો હાથ છોડાવીને બજારમાં ચાલી નિકળ્યો હતો અને બાદમાં તે રાધિકા પોઈન્ટનાં 120 ફૂટના રોડ નજીક ખુલ્લી ડ્રેનેજમાં પડી ગયો હતો.
કોઈ બાળક ડ્રેનેજમાં પડી ગયો હોવાની જાણ બજારમાં ફરતાં લોકોને થતાં ઢાંકણા પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. લોકોએ પહેલા આ બાળકને બચાવી લેવાના પ્રયાસો કર્યા હતા.

દરમિયાન ફાયર કંટ્રોલને બનાવ અંગે જાણ કરતા ડભોલી અને મોરાભાગળનો ફાયર કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો. ફાયર સબ ઓફિસર ભીમરાવ વાનખેડેએ જણાવ્યું હતુ કે, રસ્તા અને ડ્રેનેજ લાઈનનું ખોદકામ કરાવામાં આવ્યુ હતું અને ડ્રેનેજનું ઢાકણું અડધું ખુલ્લું હતું અને તેથી બાળક તેમાં પડી ગયું હતું. ફાયર બ્રિગેડે બાળકને શોધવા માટે અથાક પ્રયાસો શરૂ કર્યા હતા. પરંતુ મોડી રાત સુધી બાળકનો પત્તો મળ્યો નહોતો.
આ ઘટનાથી બાળકના પરિવાર પર જાણે આભ તુટી પડ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઇ હતી. શોકમાં ડુબેલા પરિવારના સભ્યોના આંક્રદથી ત્યાં ઉપસ્થિત લોકો અને ફાયર અધિકારીઓની આંખો પણ ભીની થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ, ડેપ્યુટી ફાયર ઓફિસર શ્રુષ્ટિ ધોબી, ઈશ્વર પટેલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોચી ગયો હતો.
બે દિવસ પહેલા જ કેદારનો જન્મ દિવસ ઉજવ્યો હતો
ગટરમાં પડી ગયેલા બાળક કેદાર વેગડનો બે દિવસ પહેલાં જ જન્મદિન ઉજવાયો હતો. તેના બે દિવસ બાદ આજે આ દુર્ઘટના બનતા માતા-પિતા અને પરિવારજનો પર શોકનો પહાડ તૂટી પડ્યો હતો. બનાવ બનતા પરિવારનાં આક્રંદથી ઉપસ્થિત લોકો અને અધિકરાઓના હૈયા પણ હચમચી ઉઠ્યા હતા અને આંખો ભીની થઇ ગઇ હતી.
કેદારની માતાની હાલત નાજૂક થઇ ગઇ હતી. મળતી માહાતી મુજબ કેદારનાં પિતા શરદભાઈ ટાઈલ્સ બેસાડવાનું કામ કરે છે, જ્યારે માતા હાઉસ વાઈફ છે. આજે કેદાર માતા સાથે અહીં ભરાતી બજારમાં આવ્યો હતો. અને આઇસ્કીમ ખાવાની જીદ કરી હતી. તેથી તેની માતાએ કોકો પણ લઇ આપ્યો ગતો. ત્યાર બાદ માતાનો હાથ છોડાવી દોડ્યો અને ગટરમાં પડ્યો હતો.
મનપાના તંત્રની બેદરકારીના કારણે દુર્ઘટના બની : ભક્તિ, સ્થાનિક રહીશ
આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ સુરત મહાનગર પાલિકાના તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતાં. બાળક ગટરમાં પડ્યુ ત્યારે દોડી આવેલા લોકો પૈકી ભક્તિ બહેન પટેલના જણાવ્યા અનુસાર, અહી સીસીરોડ પર ગટરનું ઢાંકણ કોઇ ભારેખમ વાહન પસાર થતા અડધુ તુટંયુ અને અંદરની સાઇટ આખુ ઢાંકળ ઝુકી ગયું હતું ત્યાં કોઈ સુરક્ષાત્મક વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી.

તેને બદલવા બાબતે મનપાના તંત્ર દ્વારા બેદરકારી રખાતા આ દુર્ઘટના બની છે. અન્ય સ્થાનિકોએ જણાવ્યું હતુ કે, જો સમયસર ત્યાં કોઈ બેરીકેટ અથવા કવર મૂકવામાં આવત, તો આ દુઃખદ ઘટના ટાળી શકાતે. આ ઘટના સામે સ્થાનિકોની ભારે નારાજગી જોવા મળી, અને લોકોએ મહાનગર પાલિકાની ઘોર બેદરકારી માટે વિરોધ નોંધાવ્યો હતો.
કેમેરા સાથે ફાયર સ્કુબા સેટ સાથે ફાયર જવાનને અંદર ઉતારાયા : આસપાસ 800 મીટરમાં ખોદકામ
ફાયર વિભાગ દ્વારા ગટરમાં પડેલા બાળકને શોધવા માટે ઓક્સિજન માસ્ક સાથે ફાયર જવાનને ગટરની અંદર ઉતારવામાં આવ્યો હતો. આ સાથે કેમેરાઓ પણ સર્ચિંગ માટે ઉતારવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા ગટરના ઢાંકણાની બન્ને બાજુ 800 મીટરની અંદર તપાસ કરવામાં આવી હતી, જેસીબી મશીનથી ખોદકામ પણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ બાળકની કોઇ જાણકારી ન મળતા મોડી રાતે ફાયર વિભાગ દ્વારા ગટરમાંથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે.
અમારો કેદાર આપો અમને માત્ર તેનો બુટ હાથમાં આવ્યો : બાળકના દાદીનો વલોપાત
બાળકના દાદીએ રડતા રડતા જણાવ્યું હતું કે, અમારો કેદાર તમે અમને શોધી આપો. અમારો કેદાર 5 વાગ્યાનો ગટરમાં જતો રહ્યો છે. અમારા કેદારને પાછો લઈ આવો. અમને બીજું કંઈ જોતું નથી. બુધવારી ભરાઈ હતી તેથી નંણદ અને ભાભી બંને અહીં આવ્યા હતા. ત્યાર પછી આઇસ્ક્રીમ લીધો અને આઇસ્ક્રીમ ખાતા હતા. કેદારના હાથમાં આઇક્રીમ આપ્યો હતો અને તે દોડીને માતા પાસે જતાં ગટરમાં પડી ગયો. માત્ર તેનું એક બુટ જ અમારા હાથમાં આવ્યું છે.
સરકાર સહીત તમામ જવાબદારોની બેદરકારી : માતાનો આક્રોશ
બાળકની માતા વૈશાલીબેને જણાવ્યું હતું કે, મારો છોકરો આઇસ્ક્રીમ ખાવા જતો હતો અને ગટરનું ઢાકણું ખુલ્લું હતું. મને ખબર ન હતી અને અચાનક અંદર પડી ગયો. અમે બુધવારી ભરાઈ હતી ત્યાં આવ્યા હતા. સાંજે 5:30 વાગ્યાની આસપાસની ઘટના છે.
આસપાસના ઉભેલા બે માણસો અંદર ઉતર્યા હતા અને શોધખોળ કરી હતી પરંતુ મળ્યો ન હતો. પછી એમ્બ્યુલન્સ બોલાવી અને એમ્બ્યુલન્સવાળાએ બધાને ફોન કર્યા અને બોલાવ્યા હતા. હજુ મારું બાળક મળ્યું નથી અને આ લોકો શું કરે છે એ જ ખબર નથી પડતી. આ ઘટનામાં સરકાર સહીત તમામ તંત્રોની બેદરકારી જવાબદાર છે.
જવાબદાર અધિકારી સામે પગલા ભરવામાં આવશે : ફાયર સમિતિના ઉપચેરમેનની ચીમકી
કતારગામ વોર્ડ નં. 7ના કોર્પોરેટર અને ફાયર સમિતિના ઉપચેરમેન નરેન્દ્ર પાંડવ ઘટનાની જાણ થતા દોડી આવ્યા હતા. તેણે જણાવ્યુ હતુ કે, વરિયાવમાં ડ્રેનેજ લાઈનમાં બે વર્ષનું બાળક પડી ગયું છે તેની જાણ થતા જ હું અહી આવ્યો છું. અત્યારે ફાયરની ટીમ શોધી રહી છે. જે કોઇની ભૂલ હશે તેની સામે કાયદેસરના પગલા ભરવા પડશે.
હજી જો આ રીતે પગલાં નહીં ભરે તો હજી કેટલા બાળકો પડે એ નક્કી નથી. આમાં પહેલાં તો બેદરકારી અધિકારીની જ આવે છે. કોઇ કહે છે ડ્રેનેજ પર ઢાંકણું નથી અને કોઇ કહે છે હતું. કોઇ કહે છે બસ આવી એટલે તૂટી ગયું છે. ે
આધુનિક ઉપકરણોની મદદથી શોધખોળ કરી રહ્યા છીયે : ચીફ ફાયર ઓફીસર
મનપાના ચીફ ફાયર ઓફીસર વસંત પરીખે જણાવ્યું હતું કે અમને જાણ થઇ કે તુરંત અહી ફાયર જવાનો દોડી આવ્યા હતા. મોડી રાત સુધી શોધખોળ ચાલી રહી છે. અમારા જવાનોને સ્કુબા સેટ, અંડર વોટર કેમેરા વગેરે ઉપરકરણો સાથે અંદર ઉતારી શોધખોળનો પ્રયત્ન કરાયો છે. પરંતુ હજુ સુધી સફળતા મળી નથી.
મનપા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ મોડી રાત તૈનાત રહ્યા
વરીયાવ રોડ પર ગટરના ઢાંકણામાં બાળક પડી જવાની ઘટનાની જાણ થતા ચીફ ફાયર ઓફીસર વસંત પરીખ સહીતના અધિકારીઓ દોડી ગયા હતા.
દરમિયાન ભારે હોબાળો મચી જતા સ્થાનિક પોલીસ અધિકારીઓ તેમજ રાંદેર ઝોનના વડા ધર્મેશ મીસ્ત્રી, કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ, ગટર વિભાગના કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઇ સહીતના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. તેમજ મોડી રાત સુધી વિવિધ રીતે બાળકને શોધવા માટે કામગીરી ચાલુ રખાઇ હતી. જો કે રાત્રે 11 વાગ્યા સુધીમાં બાળકનો કોઇ પત્તો લાગ્યો નહોતો.
