Editorial

કોઇ ચિકિત્સાપદ્ધતિ પરિપૂર્ણ નથી

દેશના જાણીતા અને કંઇક વિવાદાસ્પદ એવા યોગગુરુ બાબા રામદેવે હાલમાં એલોપથી ચિકિત્સાપદ્ધતિ અને એલોપથી ડોકટરો વિરુદ્ધ જે ઉગ્ર નિવેદનો કર્યા તેના પછી ફરી એક વાર વિવિધ ચિકિત્સાપદ્ધતિઓના ગુણદોષ અને કઇ ચિકિત્સાપદ્ધતિને શ્રેષ્ઠ ગણવી તે અંગે ચર્ચાઓ શરૂ થઇ છે. બાબા રામદેવ તો અલબત્ત, વિવાદો ઉભા કરવા માટે જાણીતા છે અને તેમણે આ કોરોનાવાયરસના રોગચાળાના કપરા કાળમાં પોતાના જીવના જોખમે ફરજ બજાવનાર એલોપથી ડોકટરો વિરુધ્ધ જે બખાળા કાઢ્યા તે જરાયે શોભનીય ન હતા અને કેન્દ્ર સરકારે તેમને પોતાનું નિવેદન પાછું ખેંચવા માટે જે દબાણ કર્યું તે યોગ્ય જ હતું.

બાબાએ પોતાનું નિવેદન તો પાછું ખેંચ્યું પરંતુ એલોપથી અંગે જે પ્રશ્નો ઉભા કર્યા તે બધા નહીં તો યે તેમાંના કેટલાક કંઇક વજન તો ધરાવે જ છે. એલોપથી દવાઓની અસરકારકતા અંગેનું નિવેદન પાછુ ખેંચી લેવાની મોદી સરકાર દ્વારા ફરજ પાડવામાં આવી પછી બાબા રામદેવ દેખીતી રીતે અપમાનભાવનો અનુભવ કરી રહ્યા હોવાનું જણાતું હતું અને તેમણે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન(આઇએમએ) સમક્ષ પચ્ચીસ જેટલા પ્રશ્નો મૂક્યા જેમાં તેમણે પુછ્યું હતું છે કે હાઇપરટેન્શન અને ડાયાબીટીસ જેવા રોગોનો કાયમી ઉપચાર એલોપથી પાસ છે ખરો?

પોતાના ટ્વીટર હેન્ડલ પણ મૂકેલા એક ખુલ્લા પત્રમાં યોગગુરુ રામદેવે આઇએમએને ૨પ પ્રશ્નો પૂછ્યા. એલોપથી સારવારની ટીકા કરતી પોતાની વીડિયો ક્લિપ સામે વાંધો ઉઠાવનાર આઇએમએને રામદેવે પશ્નો પૂછ્યા છે કે શું એલોપથી પાસે હાઇપરટેન્શન(બ્લડ પ્રેશર) અને ટાઇપ-૧ અને ટાઇપ-૨ ડાયાબીટીસનો કાયમી ઇલાજ છે? શું તેની પાસે થાઇરોઇડ, આર્થરાઇટીસ, કોલાઇટીસ અને અસ્થમાનો કાયમી ઉપચાર છે? રામદેવે પૂછ્યું છે કે શું એલોપથી પાસે ફેટી લિવર અને લિવર સોરાઇસિસની દવાઓ છે? જેમ તમે ટીબી અને અછબડાનો ઇલાજ શોધી કાઢ્યો છે, તે જ રીતે લિવરની બિમારીઓ માટે દવા શોધો. છેવટે તો એલોપથી હવે ૨૦૦ વર્ષ જૂની થઇ ગઇ છે એમ યોગગુરુએ કહ્યું છે. જો એલોપથી સર્વગુણ સંપન્ન હોય તો ડોકટરો માંદા પડવા જ નહીં જોઇએ એમ બાબાએ કહ્યું છે. બાબાના આ વિધાન સાથે સહમત થઇ શકાય તેમ નથી. એલોપથી ડોકટરો કે તે ક્ષેત્રના નિષ્ણાતો એલોપથી સર્વગુણસંપન્ન છે તેવો દાવો કરતા નથી, અલબત્ત, તે સાથે એ પણ વાસ્તવિકતા છે કે ઘણા એલોપથી ડોકટરો આયુર્વેદ સહિતની અન્ય ચિકિત્સાપદ્ધતિઓને કંઇક નીચી સમજતા હોય એ રીતનું વર્તન કરતા હોય છે અને કેટલાક ડોકટરો તો ખુલ્લેઆમ અન્ય ચિકિત્સા પદ્ધતિઓની ઉગ્ર ટીકા કરતા હોય છે. બાબા રામદેવે જે પ્રશ્નો ઉઠાવ્યા છે તે મુજબ અનેક રોગોનો કાયમી ઉપચાર એલોપથી પાસે નથી, ત્યારે એ જ રોગો અન્ય કેટલીક ચિકિત્સા પદ્ધતિઓ વડે નોંધપાત્ર રીતે કાબૂમાં આવી જતા જણાય છે અને કેટલાક તો મટી પણ જતા જણાય છે.

આપણે ત્યાં પ્રચલિત છે તેવી જાણીતી ચિકિત્સા પદ્ધતિઓમાં એલોપથી ઉપરાંત આયુર્વેદ, યુનાની, હોમિયોપેથી વગેરે ચિકિત્સા પધ્ધતિઓ જાણીતી છે. કેટલાક સમયથી નેચરોપથી પણ પ્રચલિત થઇ છે. આયુર્વેદ આપણી એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે અને તેના વડે લાંબા સમય સુધી દર્દીઓનો ઉપચાર આપણે ત્યાં વૈદો કરતા આવ્યા હતા. ભારતમાં મુસ્લિમો આવ્યા પછી યુનાની હકીમો પણ ભારતમાં ચિકિત્સકો તરીકે વ્યાપક સ્વીકૃત થયા. વૈદો અને હકીમોનો જમાનો આજે પણ ઘણા વૃદ્ધો યાદ કરે છે. અલબત્ત, એ વાતની નોંધ લેવી જ જોઇએ કે ઘણા રોગો એવા છે કે જેમનો કોઇ નક્કર ઇલાજ આ ચિકિત્સા પદ્ધતિઓ પાસે ન હતો અને એલોપથીએ તે રોગોને અસાધ્યમાંથી સુસાધ્ય કે સાધ્ય બનાવ્યા છે.

ક્ષય રોગ કે ટીબીની જ વાત કરીએ તો આયુર્વેદ વડે તેનો ઉપચાર કરવા જતા આ રોગ સારો થતા એટલો સમય લાગે કે દર્દી મરી નહીં જાય તો યે અધમૂઓ થઇ જાય. જ્યારે એલોપથી ઉપચાર વડે હવે તો માત્ર નવ મહિનાના કોર્સમાં આ રોગમાંથી દર્દીને સંપૂર્ણ સાજો કરી શકાય છે. શીતળા સહિત અનેક રોગો એલોપથીના કારણે જાણે ભૂતકાળની વાત બની ગયા છે. એલોપથીમાં જે અનેક સંશોધનો થયા છે અને થતા રહે છે તેથી અનેક રોગોના ઉપચાર સરળ બન્યા છે અને અટપટી શસ્ત્ર ક્રિયાઓ વડે અનેક તકલીફો દૂર કરી શકાય છે. તે સાથે ખર્ચાળપણું અને ગંભીર આડઅસરો એ ઘણા રોગો કે તકલીફોની બાબતમાં એલોપથીનું મોટું દૂષણ છે.

અમુક તકલીફો આયૃર્વેદ, યુનાની કે હોમિયોપથી સારવાર વડે તદ્દન ઓછા ખર્ચે દૂર કરી શકાય છે તે તકલીફોનો ઇલાજ એલોપથીમાં ખૂબ મોંઘો પડે છે અને ગંભીર આડઅસરોનો ભય તો ખરો જ. એક રીતે જોતા કોઇ ચિકિત્સા પદ્ધતિ પરિપૂર્ણ નથી અને આપણા પાડોશી દેશ શ્રીલંકાએ અમલમાં મૂક્યું છે તેમ દેશના આરોગ્ય કેન્દ્રોમાં વિવિધ ચિકિત્સાપદ્ધતિઓના સંયોજન સાથેની વ્યવસ્થા અમલી બનાવવી જોઇએ. છેવટે તો માનવીના આરોગ્યને લાભ થતો હોય તો કોઇ ચિકિત્સાપદ્ધતિ પ્રત્યે સૂગ રાખવાની જરૂર નથી.

Most Popular

To Top