National

કોરોના પૉઝિટિવના સંપર્કમાં આવ્યા હોય તો પણ ટેસ્ટની જરૂર નથી, ICMR દ્વારા નવી એડવાઈઝરી જાહેર કરાઈ

નવી દિલ્હી:: કોવિડના (Covid) કન્ફર્મ્ડ કેસોના સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ (Test) કરાવવાની જરૂર નથી સિવાય કે તેઓ વય અથવા કોમોર્બિડીટીઓના આધારે ભારે જોખમી તરીકે જુદા તારવવામાં આવ્યા હોય એમ એક નવી સરકારી એડવાઇઝરી જણાવે છે.

  • કોવિડ ટેસ્ટિંગ અંગે આઇસીએમઆર તરફથી એડવાઇઝરી બહાર પાડવામાં આવી
  • અનેક સંજોગોમાં ટેસ્ટિંગને બિનજરૂરી જાહેર કર્યા, સંપર્કને લક્ષણો હોય કે જોખમયુક્ત શ્રેણીના હોય એમના જ ટેસ્ટ કરવા
  • આંતરરાજ્ય પ્રવાસ માટે પણ કોવિડ ટેસ્ટની જરૂર નહીં

કોવિડ-૧૯ માટેના પર્પઝીવ ટેસ્ટિંગ વ્યુહરચના માટે આઇસીએમઆર (ICMR) દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરી (Advisory) એમ પણ જણાવે છે કે આંતરરાજ્ય ડોમેસ્ટિક પ્રવાસ (Domestic travel) કરતી વ્યક્તિઓએ પણ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. તેણે જણાવ્યું હતું કે ટેસ્ટ આરટીપીસીઆર, ટ્રુનેટ, સીબીએનએએટી, સીઆરઆઇએસપીઆર, આરટી-લેમ્પ, રેપિડ મોલેક્યુલર ટેસ્ટિંગ સિસ્ટમ અથવા રેપિડ એન્ટિજન ટેસ્ટ(રેટ) મારફતે કરી શકાય છે. પોઇન્ટ ઓફ કેર ટેસ્ટ(હોમ અથવા સેલ્ફ ટેસ્ટ/આરએટી) અને મોલેક્યુલર ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય તેવી વ્યકિત કોઇ પણ રિપીટ ટેસ્ટિંગ વિના કન્ફર્મ્ડ કેસ ગણાશે એમ એડવાઇઝરીમાં જણાવાયું છે.

આ ઉપરાંત સર્જીકલ/ નોન સર્જીકલ ઇનવેસિવ પ્રક્રિયાઓ માટે દાખલ થયેલ વ્યક્તિ જેમાં પ્રસુતિ માટે દાખલ થયેલ મહિલાઓનો પણ સમાવેશ થાય છે તેઓમાં જો લક્ષણો દેખાતા ન હોય તો તેમનો ટેસ્ટ કરવાની જરૂર નથી એમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇસીએમઆર)ની આ સલાહયાદી જણાવે છે. દાખલ થયેલા દર્દીઓનો ટેસ્ટ સપ્તાહમાં એકથી વધુ વખત કરી શકાશે નહીં એમ પણ આ માર્ગદર્શિકામાં જણાવાયું છે. જો કે આ એડવાઇઝરીમાં એમ પણ જણાવાયું છે કે આઇસીએમઆરની આ એડવાઇઝરી જેનેરિક પ્રકારની છે અને તેને રાજ્યના આરોગ્ય સત્તાવાળાઓ અને ચોક્કસ જાહેર આરોગ્યની બાબતો માટે અને રોગચાળાકીય કારણોસર પોતાની વિવેક બુદ્ધિના આધારે બદલી શકશે.

દેશમાં સતત પાંચમા દિવસે એક લાખથી વધુ કેસ, ૨૪૮નાં મોત

ભારતમાં સોમવારે સતત પાંચમા દિવસે કોરોનાવાયરસના નવા ચેપના એક લાખ કરતા વધુ કેસ નિકળ્યા હતા. સોમવારે રાતના ૮.૩૦ કલાક સુધી વિવિધ રાજ્યોમાંથી મળેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૧૨૨૫ નવા કેસો નોંધાયા છે અને ૨૪૮ દર્દીઓના મોત થયા છે જ્યારે કે ૩૬૧૦૮ લોકો સાજા થયા છે. જો કે હાલમાં સૌથી વધુ ચિંતાજનક બનેલા મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં સોમવારે નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે.

મહારાષ્ટ્ર, દિલ્હી, બંગાળમાં નવા કેસો થોડા ઘટ્યા: વિશ્વમાં ૨૪ કલાકમાં ૧૮.પ લાખ નવા કેસો

મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩૪૭૦ નવા કેસ મળ્યા છે જ્યારે કે ગઇકાલે ત્યાં ૪૪૩૮૮ કેસ મળ્યા હતા. ત્યાં સાજા થનાર લોકોનું પ્રમાણ બમણુ થયું છે. દિલ્હીમાં નવા કેસોનો આંકડો સોમવારે ઘટીને ૨૦ હજારની નીચે જતો રહ્યો છે, ત્યાં ૧૯૧૬૬ નવા કેસ મળ્યા છે જે રવિવાર કરતા ૧૬ ટકા ઓછા હતા. પશ્ચિમ બંગાળમાં ૧૯૨૮૬ નવા કેસ મળ્યા છે જે રવિવાર કરતા ૫૦૦૧ ઓછા છે.
બીજી બાજુ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે આઠ વાગ્યે અપડેટ કરેલા આંકડાઓ મુજબ ૧૭૯૭૨૩ નવા કેસ નોંધાયા હતા જે ૨૦૪ દિવસમાં સૌથી વધુ છે. જયારે કે ૧૪૬ નવા મોતની સાથે કુલ મૃત્યુઆંક ૪૮૩૯૩૬ પર પહોંચ્યો છે, દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના અત્યાર સુધી ૪૦૩૩ કેસો થયા છે એમ પણ સરકારના આંકડાઓ જણાવે છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૧૩.૨૯ ટકા છે, જ્યારે કે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૭.૯૨ છે એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.

વિશ્વમાં 4.27 કરોડ એક્ટિવ કેસ થયા

કોરોનાવાયરસના વિશ્વભરમાં ૨૪ કલાકમાં ૧૮.પ લાખ નવા કેસો નિકળ્યા છે જેની સાથે હવે વિશ્વમાં ૪.૨૭ કરોડ એક્ટિવ કેસો થયા છે જેમાંથી ૧.૮૧ કરોડ સક્રિય કેસો તો ફક્ત અમેરિકામાં જ છે. સૌથી વધુ નવા કેસો અમેરિકામાં ૩.૦૮ લાખ જ્યારે બીજા ક્રમે ફ્રાન્સમાં ૨.૯૬ લાખ નવા કેસો નિકળ્યા છે. નવા કેસોમાં ત્રીજો ક્રમ ભારતનો છે.

Most Popular

To Top