SURAT

પહેલગામનો બદલો નહીં લેવાય ત્યાં સુધી સન્માન નહીં, સી.આર. પાટીલનો હુંકાર

ગઈ તા. 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં ચાર આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ આતંકવાદી હુમલાએ આખા દેશને હચમચાવી મુક્યું છે. સેના આતંકવાદીઓને શોધવા બેસરણ ખીણમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સરકાર પાકિસ્તાન સામે બદલો લેવા રણનીતિ બનાવી રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરતના એક કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી છે.

દેશના નાગરિકો પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માંગ કરી રહ્યાં છે ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતના એક કાર્યક્રમમાં સન્માન સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. આ સાથે મંત્રીએ આયોજકોને કહ્યું હતું કે, જ્યાં સુધી પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવામાં નહીં આવે ત્યાં સુધી હું કોઈ સન્માન સ્વીકારીશ નહીં. મંત્રી પાટીલના આ નિર્ણયને ઉપસ્થિત લોકો અને આયોજકોએ વધાવી લીધો હતો.

સુરતના અવધ ઉટોપિયા ખાતે ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં દેશભરમાંથી રોકાણકારો ભેગા થયા હતા. શેર બજારમાં રોકાણ કરનારાઓ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ અને જળ સંપત્તિ મંત્રી સી.આર. પાટીલ કાર્યક્રમમાં અતિથિ તરીકે પહોંચ્યા હતા.

પ્રોટોકોલ પ્રમાણે ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટના આયોજકોએ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલનું સન્માન કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ પાટીલે માનભેર આયોજકોને સન્માન નહીં સ્વીકારવાનો નિર્ણય જણાવ્યો હતો. પાટીલ દ્વારા જ્યાં સુધી પહેલગામ હુમલાનો બદલો લેવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજરીમાં બુકે કે મોમેન્ટો દ્વારા થતું સન્માન સ્વીકારશે નહીં. સુરતમાં આયોજીત આજના કાર્યક્રમમાં તેઓએ ફક્ત આયોજકો સાથે ગ્રુપ ફોટો પડાવ્યો હતો સન્માન સ્વીકાર્યું ન હતું.

Most Popular

To Top