સુરત : સુરત એરપોર્ટ (Surat Airport) પર ઇન્ટરનેશનલ એરકાર્ગોનું કોમ્પ્લેક્સનું (International Aircargo Complex) કોઈ પ્લાનિંગ ન હોવાનું આઈક્લાસે આરટીઆઈની (RTI) અરજીના જવાબમાં કહ્યું છે. આ સાથે જ સુરત ચેમ્બર ઓફ કોમર્સના (SGCCI) કથિત પ્રયાસો પર પુર્ણ વિરામ લાગી ગયો છે. સુરતથી નાના અને પછી કસ્ટમ એરપોર્ટનો (Custom Airport) દરજ્જો પ્રાપ્ત કરનાર ઇન્દોરમાં (Indore) આઈક્લાસે ઇન્ટરનેશનલ એરકાર્ગો શરૂ કરી દીધું છે. જ્યાંથી આઈક્લાસ ઉદ્યોપતિઓ પાસેથી કસ્ટમનો ખર્ચ પણ નથી લેતું.
- સુરત એરપોર્ટ પર ઈન્ટરનેશનલ એર કાર્ગો માટે કોઈ પ્લાનિંગ જ નથી!
- અગાઉ ચેમ્બરે આઈક્લાસના સીઈઓ સાથે મીટિંગ કરી હતી ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ કાર્ગો શરૂ કરવા માટે વાંધો નહીં હોવાનું જણાવ્યું હતું
- જોકે, ત્યારે એવી શરત રાખી હતી કે ઉદ્યોગકારો દ્વારા કસ્ટમનો ખર્ચ ઉપાડવામાં આવે, હવે આઈટીઆઈમાં ભોપાળું બહાર આવ્યું
સુરત એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક વધી રહ્યો છે. એરપોર્ટ પર એક માત્ર ઇન્ટરનેશનલ ફ્લાઈટને પણ અપેક્ષાથી વધુ પેસેન્જર મળી રહ્યા છે. સુરતમાં ડોમેસ્ટીક એરકાર્ગો કાર્યરત છે જે ખુબજ સફળ પુરવાર થઈ રહ્યું છે. સુરત ડાયમન્ડ, ટેક્સટાઈલ, જરીનું હબ છે. એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ અગ્રેસર છે. તેવામાં સુરતથી ઇન્ટરનેશન એરકાર્ગો શરૂ થાય એવી સુરતના ઉદ્યોગકારો-વેપારીઓની માંગ રહી છે. સવા મહિના પહેલા સુરત ચેમ્બરે આઈક્લાસના સીઈઓ સાથે ઓનલાઈન મિટિંગ કરી હતી.
તેમાં આઈક્લાસના સીઇઓ અજયકુમાર ભારદ્વાજે ચેમ્બરને જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ ખાતે ઇન્ટરનેશનલ એર કાર્ગો ટર્મિનલ શરૂ કરવા માટે તેઓને કસ્ટમના ખર્ચનો ઇસ્યુ ઉભો થાય છે. મહિને આશરે 10 થી 12 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. ઉદ્યોગકારો આ ખર્ચ ઉપાડી શકે તેવી બાંહેધરી આપશે તો એરપોર્ટ ઓથોરીટી ઇન્ટરનેશનલ એર કાર્ગો ટર્મિનલ શરૂ કરવામાં કોઈ વાંધો નથી. તે સમયે ચેમ્બર વતી જીજેઈપીસીના રજત વાની અને સુરત ડાયમન્ડ બુર્સના સીઇઓએ પાર્સલ દિઠ 100 રૂપિયા આપશે તો કસ્ટમનો ખર્ચ નીકળી જશે. ચેમ્બરે પણ સરવે કરીને રિપોર્ટ આપવાનું કહ્યું હતું. હવે ઉડ્યન ક્ષેત્રના જાણકારે આરટીઆઈ કરતા આઈક્લાસે જણાવ્યું છે કે સુરતમાં ઇન્ટરનેશનલ એરકાર્ગો ટર્મિનલનું કોઈ પ્લાનિંગ નથી.
સુરતથી નાના અને પછી કસ્ટમ એરપોર્ટ જાહેર થયેલા શહેરોમાં ઇન્ટરનેશનલ એરકાર્ગો ટર્મિનલ કાર્યરત છે
ઇન્દોર, મેંગલોર, અમૃતસર, ત્રીચી, મદુરાઈ, ભુવનેશ્વર, વારાણસી, ગોવા અને ઐરંગાબાદમાં આવેલા ઇન્ટરનેશન એરપોર્ટ પર આઈક્લાસ ઇન્ટરનેશનલ એરકાર્ગો ટર્મિનલ ચલાવે છે. તમામ શહેરો સુરતથી નાના છે. ઇન્દોર એરપોર્ટ તો સુરત કસ્ટમ એરપોર્ટ જાહેર થયું ત્યાર બાદ કસ્ટમ એરપોર્ટ જાહેર થયું છે. છતાં ત્યાં તત્કાલિક ઇન્ટરનેશનલ એર કાર્ગો ટર્મિનલ શરૂ કરી દેવાયું હતું. આ તમામ શહેરોના ઉદ્યોગકારો પાસે પણ કસ્ટમ ડિપાર્ટમેન્ટ ખર્ચની રકમ માંગે છે પરંતુ આઈક્લાસના અધિકારીઓ કસ્ટમ ડિપાર્ટમેન્ટને પત્ર લખીને તે રૂપિયા નહીં લેવા કહે છે, તો તે જ આઈક્લાસ સુરતના ઉદ્યોગકારો પાસેથી કસ્ટમનો ખર્ચ માંગીને સુરતીઓની મજાક ઉડાવતું હોય એવું લાગે છે.