Sports

5 નો પંચ વન ડેમાં બેવડી સદી મામલે ભારતીયોની તોલે કોઇ ન આવે

બુધવાર 18 જાન્યુઆરીએ હૈદરાબાદની ધરતી પર રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન ડેમાં ભારતીય ટીમના ઓપનર શુભમન ગીલે જ્યારે બેવડી સદી ફટકારી તેની સાથે જ વન ડે ઇન્ટરનેશનલમાં એ 10મી બેવડી સદી નોંઘાઇ હતી. વિશ્વ ક્રિકેટમાં ભલે વન ડે ઇન્ટરનેશનલમાં 10 બેવડી સદી નોંધાઇ હોય, પણ તેમાંથી સાત ભારતીય બેટ્સમેનોની છે અને એ સાતમાં પણ ત્રણ તો રોહિત શર્માની એકલાની છે. આમ વન ડે ઇન્ટરનેશનલની બેવડી સદીઓને ધ્યાને લેતા એટલું સમજાય છે કે આ બાબતે ભારતની તોલે કોઇ ન આવી શકે. વિદેશના જે ત્રણ ખેલાડીઓ બેવડી સદી ફટકારી શક્યા છે, તેમાં ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગપ્તિલ, વેસ્ટઇન્ડિઝનો ક્રિસ ગેલ અને પાકિસ્તાનના ફખર ઝમાંનો સમાવેશ થાય છે.

ભારત વતી ત્રણ બેવડી સદી રોહિત શર્મા ફટકારી છે, આ ઉપરાંત સચિન તેંદુલકર, વિરેન્દ્ર સેહવાગ, ઇશાન કિશન અને શુભમન ગીલના નામ તેમાં સામેલ છે. વિશ્વ ક્રિકેટમાં વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી પહેલી બેવડી સદી ભારત વતી સચિન તેંદુલકરે ફટકારી હતી. સચિને 2010માં દક્ષિણ આફ્રિકા સામેની વન ડેમાં નોટઆઉટ 200 રન બનાવ્યા હતા. તેના પછી 2011માં વિરેન્દ્ર સેહવાગે વેસ્ટઇન્ડિઝની સામે 219 રન બનાવ્યા હતા. તે પછી રોહિત શર્માએ 2013માં ઓસ્ટ્રેલિયા સામે 209 તો શ્રીલંકા સામે 2014માં 264 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. તે પછી 2015માં ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્તિલે વેસ્ટઇન્ડિઝ સામે 237 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી તો એ જ વર્ષે અર્થાત 2015માં ક્રિસ ગેલે પણ ઝિમ્બાબ્વે સામે 215 રનની ઇનિંગ રમી હતી.

ત્યાર પછી રોહિત શર્માએ 2017માં ફરી એકવાર શ્રીલંકા સામે 208 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી અને 2018માં પાકિસ્તાનના ફખર ઝમાંએ ઝિમ્બાબ્વે સામે જ 210 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. તેના ચાર વર્ષ પછી 2022માં ઇશાન કિશને બાંગ્લાદેશ સામે 210 રનની ઇનિંગ રમીને સૌથી યુવા વયે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
જો કે આ રેકોર્ડ થયાના થોડા દિવસો પછી નવું વર્ષ શરૂ થયું અને શુભમન ગીલે ન્યૂઝીલેન્ડ સામે 208 રનની ઇનિંગ રમીને ઇશાન કિશનનો સૌથી યુવા વયે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ તોડીને પોતાના નામે કર્યો હતો. શુભમન ગીલે જો કે જે રીતે પોતાની બેવડી સદી પુરી કરી તે સૌથી નિરાળો અંદાજ હતો. શુભમને પોતાની ઇનિંગની છેલ્લી બે ઓવરોમાં કુલ પાંચ છગ્ગા ફટકારીને પોતાની બેવડી સદી પુરી કરી હતી, જ્યારે તે 82 રને રમતમાં હતો ત્યારે તેણે છગ્ગાની હેટ્રિક ફટકારીને પોતાની બેવડી સદી પુરી કરી હતી. તેણે પોતાની આ ઇનિંગમાં કુલ 9 છગ્ગા ફટકાર્યા હતા, તેમાંથી પાંચ છગ્ગા તો તેણે ઇનિંગના અંતભાગે ફટકાર્યા હતા.

Most Popular

To Top