Comments

શાળા-કોલેજીસમાં તમને ભણાવવા કોઇ બેઠું નથી

આ વર્ષે ઉચ્ચતર માધ્યમિકનાં જે પરિણામો આવ્યાં તે સૌથી વધુ આઘાતક છે. આખું વર્ષ આપણે ખરાબ શિક્ષણવ્યવસ્થા, ખરાબ શિક્ષણ તંત્ર, ખરાબ શાળાકીય શિક્ષણ, નબળા અક્ષમ શિક્ષકો અને નબળાં વિદ્યાર્થીઓની ફરિયાદ કરીએ છીએ અને અચાનક જે પ્રકારનું પરિણામ આવે છે તે પેલી બધી ફરિયાદોને સાવ નકામી, નિરર્થક બનાવી છે. થાય કે બધું જ તેજસ્વિતાથી ભરપૂર છે અને ગુજરાતમાં સહુથી સારું શિક્ષણ છે. હકીકત એ છે કે જો પ્રામાણિક રીતે તમે તમારાં સંતાનોને ઉત્તમ શિક્ષણ આપવા માંગતા હો તો ગુજરાતમાં ભણાવશો નહીં. હા, આ આઘાતક સત્ય છે. જયાં સરકાર અને શિક્ષણના વ્યાપારી ઉદ્યોગપતિઓ ભેગા થઇ જાય ત્યાં શિક્ષણનાં નહીં, બજારના નિયમો લાગુ પડે અને ત્યાં શિક્ષણ નહીં, વેપારીઓના નફા-ખોટને જ કેન્દ્રમાં રાખવામાં આવે.

જો ખરાબ પરિણામ આપો તો સરકારના શિક્ષણ વિભાગને જ ફરિયાદ થાય. ગુજરાતમાં ખરાબ શિક્ષણ છે એવી ફરિયાદ થાય. સરકારનો શિક્ષણ વિભાગ શું કામ પોતાને નકામો જાહેર કરે? વળી તેમણે જ તો રાજયની ખાનગી સ્કૂલો, કોલેજીસ અને ખાનગી યુનિવર્સિટીઓનો ધંધો ચલાવવાનો છે. અઢળક રૂપિયા લઇ તેમણે ખાનગીકરણની મંજૂરી આપી હોય તો સરકારની જ જવાબદારી થઇ જાય છે કે એ બધાને પૂરતાં ‘ગ્રાહક’ (વિદ્યાર્થી) મળે. અત્યારે તો વાલીઓ અને વિદ્યાર્થીઓ ખુશ છે તો કોણ ફરિયાદ કરશે? સરકારે શિક્ષણના વ્યાપારી વર્ગ માટે વાલી વિદ્યાર્થીઓને ખુશ કર્યા છે અને તેમાં ખરેખરા શિક્ષણને તો કોઇ પૂછતું જ નથી.

પણ શિક્ષણ વિશે ચિંતા કરનારાઓનો વર્ગ હવે ઓછો થઇ ગયો છે. શિક્ષણના સ્તર વિશેની સૌથી ઓછી ચિંતા શાળાઓ અને શિક્ષકોમાં હોય છે. અનેક શાળાઓમાં પૂરતાં શિક્ષકો નથી, જે છે તે સક્ષમ છે કે નહીં તે ખબર નથી. અનેક શાળા-કોલેજોમાં નિયમિત આચાર્યો પણ નથી. સરકાર પોતે જ શિક્ષકો-અધ્યાપકો આપવા તૈયાર નથી. એટલે શાળા કોલેજીસનું મેનેજમેન્ટ તો ફી કઇ રીતે વધારેમાં વધારે લેવી તેના માટે મિટિંગ્સ ભરતું રહે છે.

વિદ્યાર્થી તેમના માટે શોષણનું સૌથી મોટું માધ્યમ છે અને વાલીઓ પ્રતિકાર વિના આવી શાળા-કોલેજના બદઇરાદાને હવાલે થઇ જાય છે. પરિણામના દિવસે જ ટયુશન કલાસિસોની મોટી મોટી જાહેરાતો આવે છે તેની પર પણ નજર કરો. આ કલાસિસના દાવા છે કે તેમના ટયુશનના બળે જ આ વિદ્યાર્થીઓ આટલા ઊંચા માર્કસ લાવ્યા છે. મતલબ કે એ વિદ્યાર્થીઓને શાળામાં તો કશું ભણાવાતું જ નથી. ઘરે વાલીઓએ પણ મહેનત નથી કરી અને વિદ્યાર્થી તો સક્ષમ હતાં જ નહીં, જે જાદુ કર્યો તે ટયુશન કલાસિસોએ કર્યો.

જો આમ જ હોય તો મોંઘી ફી ભરી ભરાવીને શાળામાં દાખલ કરાવવાનો કોઇ અર્થ રહે છે ખરો? આખો ધંધો નર્યો છેતરપિંડીનો છે પણ વાલી-વિદ્યાર્થી વિચારશે નહીં અને સરકાર તો પોતે જ વેપારી તત્ત્વોને હવાલે છે તો તે શું વિચારવાની? એટલે ફરી કહેવાનું કે જો તમે ખરા અર્થમાં તમારાં સંતાનોને ઉત્તમ શિક્ષણ આપવા માંગતા હો તો ગુજરાતમાં ભણાવવા વિશે પુનર્વિચાર કરી જોજો. પણ તકલીફ એ છે કે વાલીઓ ઉત્તમ શિક્ષણની દરકાર જ નથી કરતા. તેઓ કોઇ પણ રીતે પોતાનાં સંતાનો સારા માર્કસ સાથે ભણી પરવારે તેટલું જ વિચારે છે અને સરકાર પાસે આ ‘સારા માર્કસ’ કેવી રીતે આપવા તેનો રસ્તો છે.

વિદ્યાર્થીઓ પરીક્ષા આપતી વેળા જે કાંઇ વિચારતા હોય તે પણ સરકારે વિચારી રાખ્યું હોય છે કે આ વર્ષે આપણે કેવું અને કેટલું પરિણામ આપવું છે અને તે વખતે તેઓ વિદ્યાર્થી સામે નહીં બલ્કે શિક્ષણના વેપારીઓ સામે જ જોઇ વિચારતા હોય છે. આજે તમે જુઓ કે ઓછી ફી લેતી અને શિક્ષક તરીકે ઉમેદવારને પસંદગી કરતી વેળા શિક્ષણની જે ડિગ્રી અપેક્ષિત હોય તેનો આગ્રહ રાખતી સરકારી સ્કૂલોની જ દશા બગાડી દેવામાં આવી છે કારણ કે તેની પાસે ખાનગી સ્કૂલોવાળાનું મોટું પ્રચાર તંત્ર છે અને વેપારી-ઉદ્યોગપતિઓએ બનાવેલા શાળાનાં મકાનો છે. અનેક સ્કૂલ કોલેજના ટ્રસ્ટીઓ, મેનેજમેન્ટમાં અભણ કહેવાય તેવા પણ ધનવાન વર્ગનાનો જ ઇજારો થઇ ગયો છે.

તેઓ શિક્ષણના સ્તરની શું કાળજી રાખવાના? શિક્ષણ ક્ષેત્રે વેપારી, ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ અને ધાર્મિક સંસ્થાઓનો પગપેસારો ભયાનક છે. આ તત્ત્વોને સૌથી પહેલાં દૂર કરવાની જરૂર છે, પણ કોણ કરશે? વાલીઓ એટલે કે જે સામાજિકો છે તે તો કોઇ દિવસ આ વિશે જાહેર વિચાર, જાહેર પ્રતિક્રિયા આપતાં જ નથી. પ્રાથમિક શિક્ષણથી માંડી યુનિવર્સિટી શિક્ષણમાં ખાનગીના નામે વેપારી તત્ત્વોને ઘુસવાની સરકારે જ વ્યવસ્થા કરી આપી છે. તે આપણા શિક્ષણને ડૂબાડવા બેઠું છે. સુરતમાં જ અચાનક બે સારી શિક્ષણ સંસ્થા યુનિવર્સિટીમાં ફેરવાઈ ગઇ અને ત્યાં જે માળખા અને શિક્ષણના સ્તરમાં ફરક આવ્યા છે તેની પર નજર કરજો. ત્યાં કેવા અધ્યાપકો છે, કેવા કુલપતિ છે તે વિચારી જોજો. હવે કુલપતિ હોય કે શાળા કોલેજના આચાર્યો હોય, તેમને તેમની શિક્ષણ ઉપરાંતની ખાસ વહીવટી આવડત આધારે જ પસંદ કરવામાં આવે છે.

જો તમને આ બધી ખબર ન હોય તો ખબર રાખો, પણ તમને શિક્ષણની અને તમારાં વિદ્યાર્થી સંતાનો, આવનારી પેઢીની ખરેખર નિસબત હોય અને ઉત્તમ શિક્ષણની દરકાર હોય તો જ એમ બનશે. સરકાર કે શિક્ષણ સંસ્થાઓની કોઇ ગરજ નથી કે ઇચ્છા નથી કે વિદ્યાર્થીને ઉત્તમ શિક્ષણ મળે. તેમનો તે હેતુ જ નથી એ સમજી લેવાની જરૂર છે. શિક્ષણ એ તમારી પોતાની એટલે કે વાલી વિદ્યાર્થીની ગરજ છે. તમારે ઉત્તમ શિક્ષણ મેળવવું હોય તો તમારી રીતે મેળવો અને તેના રસ્તા શોધો. બાકી, શિક્ષણના મોટા બજારમાં તો તમે વ્યાપારી-ગ્રાહક સંબંધે જ જોડાયેલા છેા. ને અહીં ‘ગ્રાહક અધિકાર’ શું તે પણ સ્પષ્ટ નથી એટલે વ્યાપારીઓ ખુશ છે.
હરેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top