ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારતીય ઓલિમ્પિક સંઘને 8.4 કરોડ રૂપિયા આપવા જાહેરાત કરી તે આવકાર્ય છે. શુક્રવારથી શરૂ થતા પેરિસ ઓલિમ્પિકસમાં ભારત તરફથી 117 ખેલાડીઓ પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. તેમને આ રકમથી ફાયદો થશે. જો કે તેમને રકમની વધુ જરૂરિયાત તો ઓલિમ્પિકની તૈયારી દરમ્યાન હોય છે.ભારત સરકારનું ખેલ મંત્રાલય અને જે તે રમતોનાં સંઘ આ વિશે વધારે તત્પર જણાતા નથી. ભારતમાં ક્રિકેટ સિવાયની કોઈ રમત મોટી કમાણી કરી શકે તેમ નથી એટલે ઓલિમ્પિકમાં પ્રતિનિધિત્વ કરનારી રમતનાં ખેલાડીઓ સાધન, સગવડ અને પૈસાના અભાવે પૂરતી તૈયારી કરી શકતાં નથી અને છતાં સરકાર તો અપેક્ષા રાખે છે કે વધારે ને વધારે ગોલ્ડ લઇને આવે. જે દેશોનાં ખેલાડીઓ વધારે ગોલ્ડ લાવે છે તેમના બજેટ અને તૈયારીઓ સાથે તુલના કરો પછી અપેક્ષા રાખો.
વાપી –આશા ગોહિલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રેલવેના ડબ્બામાં થોડો ફેરફાર જરૂરી
આજકાલ સીનીયર સીટીઝન હોય કે નાની વયના હોય, લગભગ ઘણાં લોકો સ્ટેન્ડીંગ ટોયલેટનો જ ઉપયોગ કરે છે. પરંતુ રેલવેમાં અમુક જ ડબ્બા જેવા કે એ.સી.કોચ, ટુ ટાયર, થ્રી ટાયર કે વન ટાયર જેવા ડબ્બાઓમાં જ સ્ટેન્ડીંગ ટોયલેટ જોવા મળે છે. પરંતુ સ્લીપર કોચ કે જનરલ કોચમાં આ સુવિધા નથી તો તેને કારણે પબ્લીક ખૂબ જ હેરાન થાય છે કેમકે જનરલ ડબ્બામાં બેસવાવાળાને પણ સ્ટેન્ડીંગ ટોયલેટ આવશ્યક છે.
બીજું હવે તો ઓનલાઈન ટીકીટ બુકીંગ થાય છે. તો તેમાં સીનીયર સીટીઝનની ઉંમર પ્રમાણે એમને નીચે એટલે કે લોઅર સીટનું બુકીંગ મળવું જોઈએ. ટીકીટમાં વ્યક્તિની ઉંમર તો લખવાની જ હોય છે. તો આ અનુસંધાને તેમને લોઅર સીટ જ મળવી જોઈએ. કેમકે તેઓને અપર સીટનો ઉપયોગ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે. કોઈનામાં માનવતા હોય તો તેઓ એડજેસ્ટ કરે બાકી તો તેમને અપર સીટનો જ ઉપયોગ કરવો પડે છે. આ બંને ફેરફાર ખૂબ જ જરૂરી છે.
– સુરત – કલ્પના વૈદ્ય– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.