Charchapatra

બીજો કોઈ અમિતાભ બની શકે નહીં

 ‘ગુજરાતમિત્ર’ની શૉ ટાઈમ પૂર્તિમાં ‘બીજો અમિતાભ હવે કોઈ નહીં બને. રણબીર કપૂર પણ નહીં’ એ વાત સાચી જ છે. ફિલ્મી કે પછી કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈના જેવું કોઈ બની જ નથી શકતું. સમય જતાં અમિતાભ જેવા નહીં પણ કદાચ એનાથી વધુ સારા પણ બને. સમયની બલિહારી છે. કેમ કે અભિનય કરવાની કળા દરેકને પ્રાપ્ત નથી હોતી. અભિનય કરવો એ ખાવાના ખેલ નથી તે જ પ્રમાણે સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર, ગાયક મુકેશ, મહેન્દ્ર કપૂર, રફી કે બીજા કોઈ પણ હોય તેની નકલ કરી શકાય કેમ કે કોકિલ કંઠ એ માનવીને કુદરત તરફથી મળેલી ભેટ છે. દરેક માનવીને મળતી નથી. આ કંઈ ક્રિકેટ જેમ રેકોર્ડ તોડવાની વાત નથી જેમ કે પહેલાં ગાવસ્કર, તેંડુલકર, ધોની, વિરાટ કોહલી પછી અનેક દાખલા આપી શકાય.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અવાજના લીધે અમિતાભને નાપસંદ કરવામાં આવેલ તેઓ સફળતાના શિખરે પહોંચી ગયા તો જૂના સમયની ફિલ્મ અભિનેત્રીઓ મીનાકુમારી, સ્મિતા પાટીલ, રાખી, હેમામાલિનીના અભિનયને કારણે સફળતા પ્રાપ્ત કરી. હવે કોઈ કહે એના જેવો જ અભિનય અન્ય કરે એ તો શકય બનવાનું નથી. એટલા માટે જ તો કલાકાર જેવો જ અભિનય કરનાર ડુપ્લીકેટને સ્ટેજ પર રજૂ કરવામાં આવે છે તો ગાયક કલાકાર જેવો અવાજ ધરાવનાર સંગીત પાર્ટી બનાવીને શુભ પ્રસંગોએ લોકોને મનોરંજન પીરસે છે માટે કોઈ જેવા બન્યા તેવા બની શકવાના નથી. મહાત્મા ગાંધીજી તો એક જ બને, તેના અનુયાયી બની શકે.
સુરત     – ચંદ્રકાંત રાણા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

વાજબી શબ્દપ્રયોગ
નર્મદ દ્વારા ગુજરાતી ભાષાની સમયોચિત પ્રશંસનીય સેવા સંનિષ્ઠપણે આજીવન થઈ. હાલમાં ગુજરાતી ભાષા સંદર્ભે જે બે ફિકરાઈથી વ્યાકરણ અને સાચા શબ્દસ્વરૂપની ખરાબી જનસાધારણ તો ઠીક વિદ્ધાનો દ્વારા થઈ રહી છે અને ખોટા પ્રચલતને પ્રોત્સાહિત કરવામાં આવે છે તે કદાચ નર્મદના આત્માને પણ વ્યથિત કરી શકે એવું માનું છું. આમ તો ઘણાં બધા શબ્દપ્રયોગ અને વાકયપ્રયોગ રોજે રોજ વાંચવા મળે છે એ બધાની વિગતવાર ચર્ચા વિસ્તૃત થઈ જાય તેમ છે, તેથી અમે એક શબ્દની જ ચર્ચા કરવાની રહે છે.

ઉર્દૂ શબ્દ ‘વાજીબ’ પરથી ‘યોગ્ય’ શબ્દને સ્થાને ‘વાજબી’ શબ્દ મૂકી શકાય, પણ વેપારી માનસ ધરાવતી ગુજરાતી પ્રજાનો આર્થિક વહેવાર ‘વ્યાજ’ આધારીત રહેતો હોવાથી ‘વાજબી’ને સ્થાને ‘વ્યાજબી’ શબ્દ પ્રયોગ થાય છે, જે સર્વથા અનુચિત છે, કારણ કે બધાંજ લેખનમાં આવા શબ્દપ્રયોગમાં ‘વ્યાજ’નો ઉલ્લેખજ રહેતો નથી. એટલે એવો ખોટો શબ્દ પ્રયોગ વાજબી નથી, સાચો શબ્દ ‘વાજીબ’ જ ઉચ્ચારવો કે લખવો જરૂરી છે આ બાબતમાં ગુજરાતી વિદ્ધાન આચાર્ય વિષ્યણપ્રસાદ ત્રિવેદીજીનું અવશ્ય સ્મરણ થાય વ્યાકરણમાં થતી અન્ય એક ભૂલ એકવચન શબ્દ સંદર્ભમાં છે, જેની ચર્ચા હવે પછી કરવાનું વાજબી ગણાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top