ઘેજ : ચીખલી તાલુકાના ઘેકટી ગામના વોર્ડ સભ્યો સહિતનાઓ દ્વારા ગામમાં ડામર અને આરસીસીના રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લેખિત રજૂઆત ટીડીઓ, ડીડીઓ સહિતનાને કરી તપાસની માંગ કરી છે. ઘેકટી ગ્રામ પંચાયતના સભ્યોએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ઘેકટી ગામના વડ ફળિયામાં ડામરના રોડનું કામ થયુ છે. જેમાં ચાર નંબરની મેટલ નાંખવામાં આવી નથી. માપદંડ પ્રમાણે થીકનેશ મળતી નથી તથા એકદમ ઓછો ડામર વાપરીને ભ્રષ્ટાચાર આચરીને સરકારી નાણાનો વ્યય કરાયોલ છે.
- ચીખલીના ઘેકટીમાં ડામર અને આરસીસીના રોડના કામમાં ભ્રષ્ટાચારની રાવ
- વોર્ડ સભ્યોએ કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરી ટીડીઓ, ડીડીઓ સહિતનાને તપાસની માંગ કરી
અંબા માતાના મંદિરથી ગાયત્રી મંદિર સુધી અને રમેશભાઇના ઘર પાસે આરસીસી રોડમાં નીચે મટેલ નાંખવામાં આવ્યા નથી તથા દોઢ ફૂટના અંતરે છ એમએમના પાતળા સળિયા નાંખેલા છે. સરકારી નિયમ પ્રમાણે છ ઇંચની લંબાઇએ 10 એમએમના સળિયા નાંખવાના હોય છે. કોંક્રિટની થીકનેશ 5 થી 6 ઇંચની હોય છે. પરંતુ સદર આરસીસી રોડમાં ફક્ત 2 થી 2.5 ઇંચની થીકનેશ મળે છે જે તદ્દન નિયમની વિરુધ્ધ છે અને ભ્રષ્ટાચાર થયેલાનું સ્પષ્ટ જણાઇ આવે છે.
કર્મચારીને અધિકારીનો પણ ડર નથી
આ બાબતમાં તાલુકા પંચાયત કચેરી ચીખલીની બાંધકામ શાખામાં કામ કરતો કર્મચારી મિતેશ ચંદુભાઇ પટેલ આ ગામનો વતની છે. જેણે સરપંચ અને ડેપ્યુટી સાથે મેળાપીપણું કરીને ભ્રષ્ટાચાર કર્યો છે અને ‘ઘેકટી ગામમાં ડામરના કે આરસીસીના જે રોડ બન્યા છે. તેના બીલ તો મારે જ પાસ કરવાના છે અને માપવાનું પણ મારે જ છે’. એવું ફળિયાના લોકોને કહે છે. કોઇપણ અધિકારી મારું કશું બગાડી શકે તેમ નથી આમ તેને અધિકારીનો પણ ડર નથી. જેથી આ બાબતે રૂબરૂ સ્થળ નિરિક્ષણ કરાવી ખાતાકીય રીતે ભ્રષ્ટાચારની ઝીણવટભરી તપાસ કરી કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉપરોક્ત લેખિત રજૂઆતમાં તટસ્થ તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી અધિકારીઓ દ્વારા કરાવવામાં આવશે કે પછી રાજકીય દબાણમાં ભીનું સંકેલાશે તે જોવું રહ્યું.
બીલ આવશે ત્યારે જોઇને કાર્યવાહી કરીશું
સરપંચ રણજીતાબેને જણાવ્યુ હતુ કે ઘેકટીમાં આરસીસીના રોડમાં સળિયા નાંખેલા જ છે અને તે અમે પણ જોયેલા છે. રોડ 25 મીટર જેટલી લંબાઇનો વધારે બનાવેલો છે અને અમારી પાસે બીલ આવશે ત્યારે જોઇને આગળની કાર્યવાહી કરીશું.