૨૦૨૧ ના જાન્યુઆરી મહિનામાં ભારતમાં કોવિડ-૧૯ રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો તે પહેલાં આપણને કહેવામાં આવ્યું હતું કે રસી લેનારાને કોરોના વાયરસ સામે ૯૬ ટકા જેટલું સંરક્ષણ મળશે. લોકોએ સરકારની વાત માની લીધી અને રસીનો પહેલો ડોઝ મૂકાવ્યો તે પછી તેમને કહેવામાં આવ્યું કે રસીનો પહેલો ડોઝ મૂકાવનારને કોરોના તો થશે, પણ તેને ગંભીર માંદગી નહીં થાય અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નહીં પડે. રસીનો પહેલો ડોઝ લેનારાને કોરોના થયો, ગંભીર થયો અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પણ ઊભી થવા લાગી. પછી સરકારે કહ્યું કે જો પહેલો ડોઝ લીધાના ૬ મહિનામાં બીજો ડોઝ લેવામાં આવશે તો કોરોના સામે વધુ રક્ષણ મળશે.
બે ડોઝ લેનારાને કોરોના થશે તો પણ તેનું મરણ નહીં થાય. લોકોએ સરકારની વાત પર ભરોસો મૂકીને બીજો ડોઝ પણ લઈ લીધો. તેમને હતું કે બીજો ડોઝ લીધા પછી કાયમની નિરાંત થઈ જશે. દેશના લગભગ ૮૩ ટકા પુખ્ત વયનાં નાગરિકોએ બીજો ડોઝ પણ લઈ લીધો તે પછી તેમને ખબર પડી કે બે ડોઝ લીધા પછી પણ કોરોના થાય છે, ગંભીર પ્રકારનો થાય છે, હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અને મરણ પણ થાય છે. હવે સરકારે પુખ્ત વયનાં તમામ નાગરિકોને રસીનો બૂસ્ટર ડોઝ કે પ્રિકોશન ડોઝ લેવાની છૂટ આપી છે. જેમણે રસીનો બીજો ડોઝ નવ મહિના પહેલાં લીધો હોય તેઓ પહેલો બૂસ્ટર ડોઝ પોતાના ખર્ચે લઈ શકશે. સરકાર કહે છે કે બૂસ્ટર ડોઝ લેનારને નવા ઓમિક્રોન વેરિયન્ટ સામે નોંધપાત્ર રક્ષણ મળશે. સરકાર સંપૂર્ણ રક્ષણની ખાતરી હજુ પણ આપતી નથી. ત્રીજો ડોઝ લેનારને પણ ભવિષ્યમાં આવનારા વેરિયન્ટ સામે સુરક્ષા મળશે, તેની કોઈ ગેરન્ટી સરકાર આપતી નથી. ૬ મહિના પછી પહેલો બૂસ્ટર ડોઝ લેનારાને બીજો બૂસ્ટર ડોઝ નહીં લેવો પડે, તેની કોઈ ગેરન્ટી નથી. સરકારની વાત પરથી લાગે છે કે બધાએ દર ૬ મહિને રસીનો ડોઝ કાયમ માટે લેવો પડશે.
કોરોનાની રસીના બે ડોઝ તમામ લોકોને મફતમાં આપ્યા પછી સરકારે જાહેર કર્યું છે કે ૬૦ વર્ષથી ઓછી ઉંમરનાં જે નાગરિકો બૂસ્ટર ડોઝ લેવા માગતા હોય, તેમણે સરકારે નિયત કરેલા દર ચૂકવીને સરકારમાન્ય કેન્દ્રોમાં રસી મૂકાવવી પડશે. આ વાત જરા હજમ થતી નથી. આ જાહેરાતમાં લોકોના આરોગ્યની ચિંતા કરતાં રસી બનાવતી કંપનીઓના આરોગ્યની ચિંતા વધુ જણાય છે. જો ત્રીજો ડોઝ લેવાથી પહેલાં બે ડોઝની જેમ કોવિડ-૧૯ સામે સંરક્ષણ મળતું હોય તો સરકારે તમામ નાગરિકોને બૂસ્ટર ડોઝ પણ મફતમાં આપવો જોઈએ. ૬૦ વર્ષથી ઓછી ઉંમરનાં તમામ નાગરિકોને બૂસ્ટર ડોઝ પરવડે તેવું જરૂરી નથી. જો બૂસ્ટર ડોઝથી કોવિડ-૧૯ સામે સંરક્ષણ ન મળતું હોય તો ૬૦ વર્ષથી વધુ ઉંમરનાં નાગરિકોને તે આપવાની જરૂર નથી. વળી પૈસા ખર્ચી શકતાં નાગરિકોને પણ તે આપવાની જરૂર નથી. જો તેની જરૂર હોય તો સરકારે તે મફતમાં આપવો જોઈએ, નહીં તો ૬૦ વર્ષથી ઓછી ઉંમરનાં ગરીબો આ જીવનાવશ્યક રસીથી વંચિત રહી જશે.
સરકાર દ્વારા દેશનાં તમામ પુખ્ત વયનાં નાગરિકોને બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી આપવામાં આવી તે પહેલાં દેશના રસી ઉદ્યોગ સાથે સંકળાયેલા બે ટોચના ઉદ્યોગપતિઓ દ્વારા જે ઉચ્ચારણો કરવામાં આવ્યાં તેના પરથી શંકા પેદા થાય છે કે બૂસ્ટર ડોઝ રસી બનાવતી કંપનીઓના લાભાર્થે તો આપવામાં નથી આવી રહ્યો ને? કોવિશીલ્ડ જેવી રસી બનાવતી સિરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ સરકારને સૂચન કર્યું હતું કે ‘‘કેટલાક દેશોમાં પ્રવાસ કરવા માટે રસીના ત્રીજા ડોઝનો આગ્રહ રાખવામાં આવે છે, માટે સરકારે ત્રીજા ડોઝની મંજૂરી આપવી જોઈએ.’’
ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલાં કિરણ મઝુમદાર શો દ્વારા તો શરમ છોડીને સરકારને અનુરોધ કરવામાં આવ્યો હતો કે ‘‘આરોગ્યની સારસંભાળ રાખતી બધી સંસ્થાઓને બીક છે કે તેમની પાસે વપરાયા વગરની રસીનો મોટો જથ્થો છે, જે ટૂંક સમયમાં એક્સપાયર થઈ જશે. જો સરકાર તરફથી બૂસ્ટર ડોઝની જાહેરાત કરવામાં આવશે તો આ સમસ્યા હલ થઈ જાશે.’’ આ નિવેદનો આવ્યાં તેના ગણતરીના દિવસોમાં સરકાર દ્વારા બૂસ્ટર ડોઝની જાહેરાત કરવામાં આવી તેના પરથી શંકા જાય છે કે રસીનો વધારાનો સ્ટોક ઠેકાણે પાડવા બૂસ્ટર ડોઝની હિમાયત કરવામાં આવી રહી છે. એક હેવાલ મુજબ દેશનાં નાગરિકોને બે ડોઝના રૂપમાં કુલ ૧૮૭ કરોડ ડોઝ આપી દીધા પછી પણ ૧૬.૩૬ કરોડ ડોઝ વપરાયા વગરના રહી ગયા છે. આ ડોઝનું ઉત્પાદન કરતી કંપનીઓ ખોટમાં ન જાય તે માટે શું બૂસ્ટર ડોઝની છૂટ આપવામાં આવી છે?
જે કોરોના વાયરસ સામે બે ડોઝથી કાયમી અને સંપૂર્ણ સંરક્ષણ ન મળ્યું તેની સામે બૂસ્ટર ડોઝથી કાયમી સંરક્ષણ મળશે, તેવું પણ માની લેવાની જરૂર નથી. ફ્રાન્સનાં લગભગ તમામ નાગરિકો બૂસ્ટર ડોઝ સહિત રસીના ત્રણ ડોઝ લઈ ચૂક્યા છે; તો પણ તે કોરોનામુક્ત થયો નથી. ફ્રાન્સની સરકાર દ્વારા હવે જાહેર કરવામાં આવ્યું છે કે જે વરિષ્ઠ નાગરિકો ૬ મહિના પહેલાં રસીનો પહેલો બૂસ્ટર ડોઝ લઈ ચૂક્યા હોય તેમણે હવે બીજો બૂસ્ટર ડોઝ લેવો પડશે. ફ્રાન્સના આશરે પાંચ લાખ વરિષ્ઠ નાગરિકો પહેલો બૂસ્ટર ડોઝ લઈ ચૂક્યાં છે. તેમને હવે એવું સમજાવવાની કોશિશ થઈ રહી છે કે તમને ત્રણ ડોઝ કોરોના સામે રક્ષણ ન આપી શક્યા હોય તો આ ચોથો ડોઝ રક્ષણ આપશે.
તેવી જ સમજૂતી તેમને ત્રીજો ડોઝ આપતી વખતે આપવામાં આવી હતી. જો કે તે સાથે એવું પણ કહેવામાં આવે છે કે આ ચોથો ડોઝ ભવિષ્યના વેરિયન્ટ સામે સુરક્ષા આપશે તેની કોઈ ગેરન્ટી નથી. ભવિષ્યમાં કોઈ નવો વેરિયન્ટ આવશે તો તેના માટે નવી રસી પણ કદાચ લેવી પડશે. વૈજ્ઞાનિકો કહે છે કે ભવિષ્યમાં કોરોનાનો કોઈ નવો વેરિયન્ટ નહીં આવે, તેવી પણ ગેરન્ટી નથી. ચોથો ડોઝ લેનારાને પાંચમા ડોઝ માટે માનસિક રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે. પહેલો બૂસ્ટર ડોઝ લીધા પછી ૬ મહિને બીજો બૂસ્ટર ડોઝ લેવાની જરૂર પડી છે; તેના પરથી ખ્યાલ આવે છે કે બૂસ્ટર ડોઝની અસર પણ ૬ મહિના સુધી જ રહેશે. ભારતમાં પણ પહેલો બૂસ્ટર ડોઝ લેનારે સમજી રાખવું જોઈએ કે તેમને પણ ૬ મહિના પછી બીજો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. જો ચોક્ખી ભાષામાં કહીએ તો લોકો જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેમણે દર ૬ મહિને રસીના બૂસ્ટર ડોઝ લીધા કરવા પડશે.
ચીનના શાંઘાઈ શહેરમાં લગભગ ૯૬ ટકા નાગરિકોને રસીના બે ડોઝ આપી દેવામાં આવ્યા છે, તેમ છતાં ત્યાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. તેને કારણે શાંઘાઈનાં તમામ નાગરિકોને કોરોનાનો ટેસ્ટ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે અને કડક લોકડાઉન નાખી દેવામાં આવ્યું છે. શાંઘાઈમાં જેટલાં લોકો કોરોનાનો ભોગ બન્યાં છે તેમાંનાં ૯૯ ટકા રસીના બે ડોઝ લઈ ચૂકેલા છે. ગાંધીનગરમાં લો કોલેજના જેટલા વિદ્યાર્થીઓ તાજેતરમાં કોરોનાનો ભોગ બન્યા તેમાંનાં મોટા ભાગનાં રસીના બંને ડોઝ લઈ ચૂકેલાં હતાં. હકીકતમાં રસી લેનારા અને નહીં લેનારાં નાગરિકો વચ્ચે સરખામણી કરવાની જરૂર છે. રસી નહીં લેનારાં નાગરિકો જેટલો કોરોનાનો ભોગ બને છે, તેટલા જ રસી લેનારાં નાગરિકો પણ બને છે. બે ડોઝ નકામા ગયા માટે જ ત્રીજા ડોઝની જરૂર ઊભી થઈ છે. આખી જિંદગી રસી લીધા કરવાને બદલે શરીરની ઇમ્યુનિટી વધારવા પર જોર આપવું જોઈએ, એમ નથી લાગતું?