નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ લાયસન્સના નિયમોમાં ધરમૂળથી બદલી નાંખ્યા છે. હવે તા. 1 જૂન 2024 બાદ નવું ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે RTO જઈ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર રહેશે નહીં. નવા નિયમ અનુસાર પ્રાઈવેટ ટ્રેનિંગ સેન્ટરમાં જઈ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી નવું ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી શકાશે.
રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલય (MoRTH) એ 1 જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોને સરળ બનાવ્યા છે. લાયસન્સ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. નવા નિયમો અનુસાર કોઈપણ વ્યક્તિ પ્રાઈવેટ ટ્રેનિંગ સેન્ટરમાં જઈને ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે.
પહેલા ડ્રાઇવિંગ ટેસ્ટ ફક્ત RTOમાં જ લેવામાં આવતો હતો પરંતુ હવે તમે કોઈપણ માન્યતા પ્રાપ્ત ડ્રાઈવિંગ સ્કૂલમાં જઈને ત્યાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે. આ માટે સરકાર તે કેન્દ્રોને સર્ટિફિકેટ્સ આપશે. નવા નિયમો લાગુ થવાથી RTOમાં લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે. ડ્રાઇવિંગ ટેસ્ટ પછી કેન્દ્ર તમને એક સર્ટિફિકેટ આપશે, જેનો ઉપયોગ કરીને તમે RTOમાં લાયસન્સ માટે અરજી કરી શકશો.
આ સાથે જ કેન્દ્ર સરકારે 1 જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સની અરજી અને રિન્યુઅલ ફીમાં પણ સુધારો કર્યો છે. નવા નિયમ મુજબ કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ અથવા લર્નિંગ લાયસન્સ મેળવવા અથવા રિન્યુ કરાવવા માટે 200 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
25,000 રૂપિયા સુધીનો દંડ વસૂલાશે
વધુ ઝડપે વાહન ચલાવનારાઓએ હવે સાવધાન રહેવાની જરૂર છે. જો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવતા પકડાશે તેની પાસેથી 1000 થી 2000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. જો કોઈ સગીર કાર ચલાવતા પકડાય છે. તો તેને 25,000 રૂપિયાના દંડનો સામનો કરવો પડશે. એટલું જ નહીં તેનું લાયસન્સ 25 વર્ષ સુધી રિન્યુ કરવામાં આવશે નહીં. સગીરનાં માતા-પિતા અને વાહન માલિકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વાહનનું રજીસ્ટ્રેશન પણ રદ કરી શકાય છે.