નવી દિલ્હી, તા. 25: દિલ્હી હાઈકોર્ટે સોમવારે ચુકાદો આપ્યો હતો કે દિલ્હી યુનિવર્સિટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રીની વિગતો જાહેર કરવાની જરૂર નથી, કારણ કે આવી માહિતી ‘વ્યક્તિગત માહિતી’ હેઠળ આવે છે અને સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનરે તેના પ્રકાશન માટેનો જે આદેશ આપ્યો હતો તેને રદ કર્યો હતો. અદાલતે કહ્યું હતું કે તેઓ જાહેર હસ્તી છે માત્ર એ કારણથી તેમની તમામ અંગત માહિતી જાહેર કરી શકાય નહીં. હાઈકોર્ટે નોંધ્યું હતું કે શૈક્ષણિક રેકોર્ડ્સ વ્યક્તિગત માહિતી છે, જાહેર હોદ્દા ધરાવતા લોકો માટે પણ, અને તેને જાહેર કરવામાં કોઈ જાહેર હિત નથી.
‘માગવામાં આવેલી માહિતી જાહેર હસ્તીને લગતી છે તે હકીકત વ્યક્તિગત માહિતી પર ગોપનીયતાના અધિકારોને ખતમ કરતી નથી, આ બાબત જાહેર ફરજો સાથે જોડાયેલી નથી. આરટીઆઈ એક્ટ સરકારી કામકાજમાં પારદર્શિતા માટે બનાવવામાં આવ્યો હતો નહીં કે સનસનીભર્યા સમાચાર માટેની માહિતી મેળવવા’, એમ જસ્ટિસ સચિન દત્તાના આદેશમાં કહેવામાં આવ્યું હતું.
એક આરટીઆઈ અરજી મળ્યા બાદ 2016માં, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને (સીઆઈસી) 1978માં બીએ પરીક્ષા પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓના રેકોર્ડનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપી હતી, તે જ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પરીક્ષા પાસ કરી હોવાનું કહેવાય છે. દિલ્હી યુનિવર્સિટીએ સીઆઈસીના આદેશને પડકાર્યો હતો, જેના પર જાન્યુઆરી 2017માં સુનાવણીની પહેલી તારીખે સ્ટે આપવામાં આવ્યો હતો.
સુનાવણી દરમિયાન, યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે આરટીઆઈ અરજી પર સીઆઈસીના આદેશને રદ કરવો જોઈએ કારણ કે ‘ગોપનીયતાનો અધિકાર’ ‘જાણવાના અધિકાર’ કરતા વધુ મહત્વનો છે. દિલ્હી યુનિવર્સિટી તરફથી કહેવાયું હતું કે તે વડા પ્રધાન મોદીના ડિગ્રી રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ કરવા તૈયાર છે પરંતુ આરટીઆઈ કાયદા હેઠળ ‘અજાણી વ્યક્તિઓ દ્વારા ચકાસણી’ માટે તેને જાહેર કરી શકશે નહીં.