Comments

બે બાળકો બસ નથી! રાજસ્થાનમાં નવો નિયમ

ભારતની વસતી દુનિયામાં સૌથી વધુ દરે વધી રહી છે. ચીનથી પણ આપણે આગળ નીકળી રહ્યાં છીએ પણ બાળકો કેટલાં હોવાં જોઈએ એ મુદે્ સરકારો અને સંતોનું વલણ બદલાઈ રહ્યું છે. રાજસ્થાન સહિત ઘણી સરકારોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બે બાળકોથી વધુ હોય તો ચૂંટણી લડી ના શકે એવો નિયમ દૂર કર્યો છે. સંતો તો કહેતા જ રહે છે, ખાસ કરીને હિંદુઓને કે બેથી વધુ સંતાન કરો.

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પંચાયતી રાજ અને નગરપાલિકા અધિનિયમમાં સુધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. ૩૦ વર્ષ જૂનો એટલે કે 1990ના દાયકાથી અમલમાં રહેલો આ નિયમ હવે દૂર કરવામાં આવ્યો છે. અગાઉ, 27 નવેમ્બર 1995 પછી જેમને ત્રીજું સંતાન હોય, તેઓ ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણાતા હતા. સરકારનું કહેવું છે કે જ્યારે આ કાયદો બનાવાયો ત્યારે રાજસ્થાનમાં પ્રજનનદર 3.6 હતો, જે હવે ઘટીને 2 ની આસપાસ આવી ગયો છે. તેથી હવે આ નિયમની જરૂરિયાત ઓછી છે. આ ફેરફારથી એવા સક્ષમ ઉમેદવારોને તક મળશે જેઓ માત્ર બાળકોની સંખ્યાને કારણે અત્યાર સુધી ચૂંટણી લડી શકતા નહોતા.

ભારતનાં ઘણાં રાજ્યોએ પણ આ નિયમમાં ફેરફાર કરીને તેને રદ કરવાની દિશામાં પગલાં ભર્યાં છે. તેલંગાણા સરકારે પણ ફેબ્રુઆરી 2026 પહેલાં જ આ નિયમ નાબૂદ કર્યો છે. ત્યાં પણ પ્રજનનદરમાં ઘટાડાને કારણે આ નિર્ણય લેવાયો છે. આંધ્ર પ્રદેશ સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે બાળકોની મર્યાદાનો નિયમ સત્તાવાર રીતે દૂર કરી દીધો છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ઘટતી જતી વસતીવૃદ્ધિ દરને ધ્યાનમાં રાખીને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહન આપવાની પણ વાત કરી હતી.

જો કે, ગુજરાતમાં પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં બે બાળકોનો નિયમ હજુ પણ અમલમાં છે. 2005 પછી ત્રીજું સંતાન હોય તેવી વ્યક્તિ ચૂંટણી લડી શકતી નથી. મહારાષ્ટ્રમાં પણ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં બે બાળકોની મર્યાદા લાગુ પડે છે. ઓડિશા અને છત્તીસગઢમાં પણ પંચાયતી રાજ સંસ્થાઓ માટે સમાન મર્યાદાઓ છે. હરિયાણામાં પણ ચૂંટણી લડવા માટે અમુક શરતો સાથે બાળકોની સંખ્યાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો કે, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવાં રાજ્યોએ અગાઉ આ નિયમ લાગુ કર્યા હતા, પરંતુ પાછળથી તેમાં ફેરફાર કર્યા છે અથવા તેને અમુક અંશે હળવા કર્યા છે. દેશમાં પ્રજનનદર ઘટ્યો છે એ વાત સાચી પણ ચૂંટણી સાથે જોડાયેલો અને બે બાળકોનો કાયદો રદ કરવા પાછળનું લોજીક ગળે ઊતરે એવું નથી.

હોમ સ્ટે : પ્રવાસનને પ્રોત્સાહન
યુ.પી. સરકારે પ્રવાસનને પ્રોત્સાહન મળે એવો નિર્ણય લીધો છે. લખનઉ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રવાસન વિભાગે મોટી યોજના બનાવી છે. આ યોજના હેઠળ લખનઉ શહેરમાં અંદાજે 800 હોમસ્ટે તૈયાર કરવાનું લક્ષ્ય છે, જ્યારે સમગ્ર ડિવિઝનમાં 140 થી વધુ ગ્રામીણ હોમસ્ટે વિકસાવવામાં આવશે. જે લોકોના ઘરમાં વધારાના રૂમ ખાલી છે, તેઓ તેને પ્રવાસીઓને ભાડે આપીને વધારાની આવક મેળવી શકશે. આ નીતિના ફાયદા એ છે કે, પ્રવાસીઓને હોટલ કરતાં સસ્તું અને ઘર જેવું વાતાવરણ મળશે. મકાનમાલિકોને આર્થિક પ્રોત્સાહન અને સબસિડી પણ મળી શકે છે અને વીજળી, પાણીનાં બિલ રહેણાંકના દરે જ લેવામાં આવશે, વ્યાપારી દરે નહીં.

મોટા તહેવારો કે કાર્યક્રમો દરમિયાન હોટલો ફુલ થઈ જાય છે ત્યારે પ્રવાસીઓને રહેવાની તકલીફ ન પડે તે માટે આ નીતિ બનાવવામાં આવી છે. આનાથી સ્થાનિક લોકોને રોજગારી મળશે અને પ્રવાસનને વેગ મળશે. ભારતનાં મોટા ભાગનાં  રાજ્યોમાં આવી વ્યવસ્થા અમલમાં છે. કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા ‘ઇનક્રેડિબલ ઇન્ડિયા’ યોજના હેઠળ આ માટેની માર્ગદર્શિકા પહેલેથી જ જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં પણ ‘ગુજરાત હોમસ્ટે પોલિસી’ કાર્યરત છે. ભારતમાં હોમસ્ટે મુદે્ કેરળ અગ્રેસર છે. ત્યાં ‘ગોલ્ડ’, ‘સિલ્વર’ અને ‘ડાયમંડ’ એમ ત્રણ કેટેગરીમાં હોમસ્ટેનું વર્ગીકરણ કરવામાં આવે છે. ઉત્તરાખંડમાં ‘દીનદયાળ ઉપાધ્યાય હોમસ્ટે યોજના’ હેઠળ ગ્રામીણ લોકોને આર્થિક મદદ અને સબસિડી પણ આપવામાં આવે છે.રાસ્જ્થાન,ગોવા,સિક્કિમ,પંજાબ, મહારાષ્ટ્ર વિગેરે રાજ્યોમાં પણ આવી નીતિ છે.

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર) ની આસપાસ આ પ્રકારની હોમસ્ટે સુવિધા ખૂબ જ મોટા પાયે અને વ્યવસ્થિત રીતે શરૂ થઈ ગઈ છે. સરકારે એકતાનગર (કેવડિયા) અને તેની આસપાસનાં ગામો જેવાં કે ગરુડેશ્વર, રાજપીપળા અને વવદીમાં સેંકડો પરિવારોને હોમસ્ટે માટે રજિસ્ટ્રેશન કરાવવામાં મદદ કરી છે. આનાથી પ્રવાસીઓને સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ અને ભોજનનો અનુભવ મળે છે અને સ્થાનિકોને સીધી આવક થાય છે.                        

આ કઈ માનસિકતા છે?
રાજસ્થાનના ટૉંક-સવાઈ માધોપુરના પૂર્વ સાંસદ સુખબીરસિંહ જૌનાપુરિયા એક ગામમાં ધાબળા વહેંચી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમને ખબર પડી કે કેટલીક મહિલાઓ મુસ્લિમ છે, ત્યારે તેમણે તેમને આપેલા ધાબળા પાછા લઈ લીધા. આવી ઘટના વધી રહી છે એ કમનસીબી છે. મુસ્લિમ-દ્વેષ વધી રહ્યો છે અને હિંદુ-મુસ્લિમ એકતા તૂટી પડી છે. ઉક્ત ઘટના બની ત્યારે 60 વર્ષીય શકૂરનબાનુ, જેમની પાસેથી ધાબળો પાછો લેવામાં આવ્યો હતો, તેમણે આક્રોશ સાથે કહ્યું કે, ‘જો ધાબળો ન મળ્યો હોત તો પણ કોઈ વાંધો નહોતો, પણ વાત અહીં અપમાનની છે.’

આ ઘટનાથી માત્ર મુસ્લિમ પરિવારો જ નહીં, જો કે, ગામનાં લોકોએ જે વલણ અપનાવ્યું એ નોંધપાત્ર છે. ગામનાં હિન્દુ યુવાનો અને પાડોશીઓ પણ ભારે નારાજ છે. ગામના સરપંચના પતિ હનુમાન ચૌધરીએ જણાવ્યું કે, ‘હિન્દુઓ મુસ્લિમ ભાઈઓ કરતાં પણ વધુ ગુસ્સામાં છે. અમે બીજા દિવસે જૌનાપુરિયાનું પૂતળું પણ બાળ્યું હતું.’ ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં વર્ષોથી ભાઈચારો છે અને જૌનાપુરિયાએ તેને તોડવાનો પ્રયાસ કર્યો છે. હિન્દુ યુવાનોએ પૂર્વ સાંસદને ત્યાં જ અટકાવ્યા હતા અને કહ્યું હતું કે લોકશાહીમાં બધા સમાન છે.

પૂર્વ સાંસદ જૌનાપુરિયાનો બચાવ તો કર્યો પણ એ લૂલો હતો. ગામલોકોએ એમને બરાબર પાઠ ભણાવ્યો છે. કોઈને રાહત આપવાની હોય,સેવા કરવાની વાત હોય તો એમાં ભેદભાવ કઈ રીતે હોઈ શકે? કોંગ્રેસે આ ઘટનાની સખત નિંદા કરી છે અને ભાજપ પાસે જૌનાપુરિયાને પક્ષમાંથી હાંકી કાઢવાની માંગ કરી છે. નેતાના ભેદભાવભર્યા વર્તન સામે ગામનાં હિન્દુ-મુસ્લિમ એકતા સાથે ઊભા રહ્યાં છે એ વાત મુખર બનવી જોઈએ જેથી બીજી વાર કોઈ નેતા આવું વલણ ના દાખવે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top