નવી દિલ્હી: વોટ્સએપ (WhatsApp) પોતાના પ્લેટફોર્મ પર નવા ફીચર્સ (Features) ઉમેરતું રહે છે. છેલ્લા કેટલાક સમયથી કંપની સતત તેના પ્લેટફોર્મ પર સુરક્ષા (Security) અને ગોપનીયતાના (Privacy) સંબંધમાં સુવિધાઓ ઉમેરી રહી છે. જો કે ઘણા લોકો તેમના પ્રોફાઇલ ફોટોને લઈને ગોપનીયતા વિશે ચિંતિત છે. તેમને આશ્ચર્ય થાય છે કે શું કોઈ તેમના ફોટાના સ્ક્રીનશોટ લઈ રહ્યું છે.
અત્યારે કોઈપણ વ્યક્તિ કે જે તમારા કોન્ટેક્ટમાં છે તે તમારા પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ WhatsApp પર લઈ શકે છે. પરંતુ એપ લાંબા સમયથી તેના પર પ્રતિબંધ મૂકવાનું કામ કરી રહી હતી. હવે આ ફીચર રોલ આઉટ થવાનું શરૂ થઈ ગયું છે. તેમજ ટૂંક સમયમાં જ હવે તમારો પ્રોફાઇલ ફોટો પણ સિક્યોર થઇ જશે.
વોટ્સએપ પર ખાસ ફીચર આવ્યું
વોટ્સએપ આ ફીચરને બીટા વર્ઝન પર લાંબા સમયથી ટેસ્ટ કરી રહ્યું હતું. કંપનીએ હવે તેને રોલઆઉટ કરી દીધું છે. જો કે, આ સર્વર સાઇડ અપડેટ છે અને ધીમે ધીમે વિશ્વભરના તમામ વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવશે. આ ફીચરને કારણે કોઈ તમારા પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.
આ ફીચરના અંતર્ગત જો કોઇ વ્યક્તિ તમારા પ્રોફાઇલ ફોટાનો સ્કીનશોટ લેશે તે તેની પાસે એક બ્લેક ફોટો (સ્ક્રીનશોટ) સેવ થશે. આ સુવિધા ડિફૉલ્ટ રૂપે તમારા ડિવાઇઝમાં સેવ થશે. તેમજ તેને બંધ કરી શકાશે નહીં.
આ અપડેટમાં નવું શું છે અને તે સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે?
આ પહેલા વોટ્સએપ પર યુઝર્સને પ્રોફાઈલ પિક્ચર સેવ કરવાનો ઓપ્શન હતો. જે ગોપનીયતાનો મોટો ભંગ હતો. પરંતુ હવે ટૂંક સમયમાં જ વોટ્સએપે આ ફીચર હટાવવાનો નિર્ણય લીધો છે.
જોકે યુઝર્સ સ્ક્રીનશોટ લઈને કોઈની પ્રોફાઈલ પિક્ચર સેવ કરી શકે છે. વોટ્સએપ હમણા સુધી આ ફીચરનું બીટા વર્ઝનમાં ટેસ્ટિંગ કરી રહ્યું હતું. જ્યારે બીટા યુઝર્સ આ ફીચર સાથે સ્ક્રીનશોટ લઈ રહ્યા હતા ત્યારે એપ તેમને આમ કરવાથી રોકી રહી હતી. તેમજ તેમના ડિવાઇઝમાં બ્લેક ફોટો (સ્ક્રીનશોટ) સેવ થતો હતો.
સ્ટેબલ અપડેટ પર વપરાશકર્તાઓને કોઈ સંદેશ બતાવવામાં આવી રહ્યો નથી. માત્ર સ્ક્રીનશૉટ બ્લેક આવી રહ્યો છે. WhatsAppની પેરેન્ટ કંપની Metaએ આ ફીચરને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. તેમજ આ ફીચર હાલમાં દરેક માટે ઉપલબ્ધ નથી. પરંતુ કંપની ધીરે ધીરે બધા યુઝર્સ માટે તેને રિલીઝ કરશે તેની સંભાવના છે.