Comments

ટ્રમ્પ ગમે તે કહે પરંતુ કૅનેડા, ગ્રીનલૅન્ડ અને પનામા નહેર પર અમેરિકાનો કબજો થઇ શકે તેમ નથી

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીત્યા પછી કૅનેડા, ગ્રીનલૅન્ડ અને પનામા નહેર પર અમેરિકાનો કબજો થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. તેઓ કૅનેડાને વારંવાર અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની વાત કરે છે, ગ્રીનલૅન્ડ અને પનામા નહેર પણ અમેરિકાની માલિકી હેઠળ હોવા જોઈએ તેવું તેમનું કહેવું છે. આ નિવેદન પર ગ્રીનલૅન્ડે ગયા મહિને જ પોતાનો જવાબ આપી દીધો હતો જેમાં તેમના વડા પ્રધાને કહ્યું કે ગ્રીનલૅન્ડ તેના નાગરિકોનું છે અને તે વેચાણ માટે નથી. કૅનેડાના વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યાના એક દિવસ જસ્ટિન ટ્રૂડોએ બુધવારે ટ્રમ્પના નિવેદન પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે. ટ્રૂડોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે કૅનેડા ક્યારેય અમેરિકાનો હિસ્સો બને તે અશક્ય છે. તેમણે લખ્યું છે કે, ‘આપણા બંને દેશોના કામદારો અને સમુદાયોને બંને દેશો વચ્ચેની સૌથી મોટી વ્યાપાર અને સુરક્ષા ભાગીદારીથી ફાયદો થતો હોય છે.’ સવારે જસ્ટિન ટ્રૂડોએ જેવી પોસ્ટ કરી કે થોડા જ કલાકોમાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મુદ્દે વળતો જવાબ આપ્યો.

પોતાની સોશિયલ મીડિયા વેબસાઇટ ટ્રૂથ સોશિયલ પર ટ્રમ્પે ઉત્તર અમેરિકાના બે નકશા પોસ્ટ કર્યા છે. તેમાંથી એક નકશામાં ઉત્તર અમેરિકા યુએસએના ઝંડાના રંગથી રંગાયેલું છે અને તેની સાથે લખેલું છે ‘ઓહ કૅનેડા’. બીજી પોસ્ટમાં ઉત્તર અમેરિકા પર લખેલું છે – યુનાઇટેડ સ્ટેટ્સ. મંગળવારે જસ્ટિન ટ્રૂડોએ કૅનેડાના વડા પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં માર-આ-લાગોમાં એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું, ‘તમે કૃત્રિમ રીતે દોરેલી રેખાને દૂર કરીને જોશો કે તે ખરેખર કેવી દેખાય છે અને તે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ વધુ સારું રહેશે.’ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને કૅનેડા એકસાથે હોય તો તે ખરેખર મોટી વાત હશે. જોકે, ટ્રમ્પે આવી વાત કરી હોય એવું આ પહેલી વખત નથી. અગાઉ પણ તેમણે વિસ્તૃત રીતે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલેથી જ કૅનેડાને ધમકી આપી ચૂક્યા છે કે તે અમેરિકા સાથેની તેની સરહદે સુરક્ષા નહીં વધારે તો તેઓ કૅનેડિયન સામાન પર ટેરિફ લાદશે.

કૅનેડામાં રાજકીય સંકટ વચ્ચે ટેરિફની આ ધમકી આવી છે. ટ્રૂડોએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે, પરંતુ લિબરલ પાર્ટીના આગામી નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ આ પદ પર રહેશે. માર્ચના અંત સુધીમાં લિબરલ પાર્ટીના નવા નેતાની પસંદગી કરવામાં આવશે અને આ જ વર્ષે દેશમાં ચૂંટણી પણ યોજાવાની છે. આ કારણથી કૅનેડાની સંસદને 24 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. બીજી તરફ અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી ડોનાલ્ડ ટેરિફ લાદશે, તો તેનાથી કૅનેડાના અર્થતંત્રને નોંધપાત્ર નુકસાન થશે. કૅનેડા સરકારના ડેટા અનુસાર વર્ષ 2023માં બંને દેશોની સરહદો પર દૈનિક 2.5 અબજ ડૉલરનો વેપાર થતો હતો. માર-આ-લાગોમાં પ્રેસ-કૉન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે ફરી એક વખત પોતાની ચિંતાઓને દોહરાવતા કહ્યું હતું કે અમેરિકામાં મૅક્સિકો અને કૅનેડા મારફત ડ્રગ્સ આવી રહ્યું છે.

તેમણે કૅનેડાની જેમ જ મૅક્સિકો પર પણ 25 ટકા ટેરિફ લાદવાની ચેતવણી આપી છે. અમેરિકાના આંકડા મુજબ મૅક્સિકો સાથેની સરહદની તુલનામાં અમેરિકા-કૅનેડા સરહદેથી નશીલા પદાર્થો જપ્ત થવાનું પ્રમાણ ઘણું ઓછું છે. જોકે, કૅનેડાએ વચન આપ્યું છે કે તે સરહદ પર સુરક્ષા વધારવા માટે નવી પદ્ધતિઓ અપનાવશે. ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે કૅનેડાને અમેરિકાનો હિસ્સો બનાવવા માટે તેઓ સેનાનો ઉપયોગ કરવાનું નથી વિચારતા. પરંતુ કૅનેડા સૈન્ય પર જે ખર્ચ કરે છે તે અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રમ્પનો આરોપ છે કે પનામા નહેર પર ચીની સૈનિકોનું નિયંત્રણ છે અને તે અવૈધ રીતે તેનું સંચાલન કરે છે.

જોકે પનામાના રાષ્ટ્રપતિ જોસે રાહુલ મુલિનો આ દાવાને ‘પાયાવિહોણા’ ગણાવી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે પનામા નહેરમાં કોઈ ચીની દખલ નથી. 1900ના દાયકાની શરૂઆતમાં બનેલી આ નહેરનું નિયંત્રણ 1977 સુધી અમેરિકા પાસે હતું. જોકે રાષ્ટ્રપતિ જિમી કાર્ટરની મધ્યસ્થતામાં જમીન પાછી પનામાને સોંપી દેવાઈ હતી.ત્યાર બાદ 1999થી તેનું નિયંત્રણ સંપૂર્ણ રીતે પનામા પાસે ચાલ્યું હતું. ટ્રમ્પનું કહેવું છે, ‘પનામા નહેરને પનામાને સોંપવું એક મોટી ભૂલ હતી.

જુઓ, (કાર્ટર) સારા માણસ હતા. પણ એ એક મોટી ભૂલ હતી.’ ગ્રીનલૅન્ડ એ કોઈ સ્વતંત્ર દેશ નથી પણ ડેનમાર્કનો એક સ્વાયત્ત પ્રદેશ છે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકાની સુરક્ષા માટે જરૂરી છે કે ગ્રીનલૅન્ડ અને પનામા નહેર બંનેનો કબજો તેની પાસે હોય. તેના જવાબમાં ગ્રીનલૅન્ડના વડા પ્રધાન મ્યૂટ ઈગાએ કહ્યું કે “આપણે સ્વતંત્રતા માટેના લાંબા સંઘર્ષને ભૂલવો ન જોઈએ. આપણે આખી દુનિયા સાથે અને ખાસ કરીને પડોશીઓ સાથે સહયોગ અને વેપાર માટે ખુલ્લા રહેવું જોઈએ.

Most Popular

To Top