દર વર્ષે ચોમાસાની ઋતુમાં સાંબેલાધાર વરસાદ આવતા નદીના વ્હેણ માફક શહેરોમાં પાણી તો ભરાવો થતા આમજનતા તેમજ વાહન ચાલકોને તકલીફો પડે છે. સામાન્ય રીતે વર્ષાઋતુના આગમન પહેલા પાણીનાં વહનની ગટરો ચોકઅપ થઇ ગઇ હોય છે,તેની સાફ સફાઈ કરવાની જવાબદારી મ્યુનિસિપાલિકાની હોવાથી ઓર્ડરો અપાય છે. છતાં પણ તેમાં બેદરકારીને પરિણામે ડ્રેનેજમાં પાણી અવરોધાય છે. આથી શહેરી વિસ્તારમાં વર્તુળમાં પાણીનો ભરાવો થતો આમજનતા તેમજ વાહનચાલકોને મુસીબતોનો સામનો કરવો પડે છે. બેલદારો પ્રત્યેની નિગરાણી રાખવાનું કામ ઇન્સ્પેટર તેમજ અધિકારીઓની પણ છે.
માત્ર ઓફિસમાં બેસીને ઓર્ડર આપવાથી કાર્યમાં સુધારો થતો નથી. પરંતુ બેલદારોએ કરેલ કામ પ્રત્યે દેખરેખ રાખવાની જવાબદારી પણ થઇ પડે છે. આમ જનતા પણ બેદરકારીથી કચરો અલગ નહિ કરતા ગટરોમાંજ ઠાલવતા હોય છે. આથી પણ ડ્રેનેજની પાઈપલાઈનમાં પાણી જવાનો માર્ગ અવરોધાયછે અને વરસાદી પાણી ભરાતા બાળકો છબછબિયા કરે છે, જેને પરિણામે ચામડીના રોગ ફેલાય છે. ઉપરાંત ખાડાવાળા રસ્તાઓ પર વાહનો ફસાઇ જતા ટ્રાફિક જામ થાય છે. જે નિગરાણી રાખી મનપાના સફાઈ કમાદોર જરૂરથી પૂરતી જવાબદારી નિભાવશે એવી અપેક્ષા.
સુરત – ભૂપેન્દ્ર સી. મારફતિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વર્લ્ડ કપ અને ભારતીય સંસ્કૃતિ
તાજેતરમાં T-20 વિશ્વકપ ટૂર્નામેન્ટમાં ભારતની ભવ્ય જીત થઇ. કહો કે હારની બાજી જીતમાં પલટાઈ ગઇ અને વર્લ્ડકપ ભારતના હાથમાં આવ્યો એની ખુશી તો દરેક ભારતવાસીઓને હોય જ પણ અહીં ધ્યાન ખેંચે એવી ભાવનાત્મક વાત જો હોય, તો ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માની ભાવાત્મક ચેષ્ટા-વર્તન તેમણે જયાં વર્લ્ડકપ જીત્યા તે બાર્બાડોઝના ગ્રાઉન્ડ, પીચ પરની માટીનો ટૂકડો મોઢામાં મૂકી તેમના ભારતીય સંસ્કાર, સંસ્કૃતિને લાજવાબ ઉજાગર કર્યા, ધરતીનું ઋણ માથે ચડાવ્યું જાણે વર્લ્ડકપ તેનાથી ગરિમા પામી ગયો.
અહીં એ પણ એટલું જ સૂચક છે કે થોડા સમય પહેલાં વર્લ્ડકપ 2023ની ટ્રોફી જીતેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિચેલ માર્શ જીતના ઉન્માદમાં ે સફતાના નશામાં ટ્રોફીની ઉપર પોતાના પગ રાખીને બેઠાં હતાં. તે વખતે માર્શની ખૂબ ટીકા થઈ હતી. સોશિયલ મીડિયામાં તે ખૂબ ટ્રોલ થયો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મને પગ નીચે ટ્રોફી રાખવા મુદ્દે કોઇ પસ્તાવો નથી.’ સફળતા મેળવવી અને સફળ થયા પછી તેને પચાવવી, ‘ડાઉન ટુ અર્થ’ રહેવું દરેક માટે શકય કે આસાન ન પણ હોય. પણ ભારતના રોહિત શર્માએ તે કરી દેખાડયું. ખુદ ટ્રોફી તેના થકી ગરિમાયુકત, શોભાયમાન બની હોય તેવું નથી લાગતું ?
સુરત – કલ્પના વિનોદ બામણીયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.