World

બાંગ્લાદેશમાં હિન્દુ પુજારી ચિન્મય દાસનો કેસ લડવા કોઈ વકીલ તૈયાર નહીં, એક મહિનો રહેવું પડશે જેલમાં

ઢાકા: બાંગ્લાદેશમાં રાજદ્રોહના આરોપમાં હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસને હવે એક મહિના સુધી જેલમાં રહેવું પડશે. ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર આજે મંગળવારે તા. 3 ડિસેમ્બરના રોજ સુનાવણી થવાની હતી પરંતુ કોર્ટમાં તેમના પક્ષમાં કોઈ વકીલ હાજર થયો ન હતો.

આજે, મંગળવાર તા. 3 ડિસેમ્બર 2024ના રોજ ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર ચટગાંવની કોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ વકીલોએ તેમની તરફથી હાજર રહેવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ કોર્ટે કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. જામીન અરજીની સુનાવણીની આગામી તારીખ 2 જાન્યુઆરી, 2025 નક્કી કરવામાં આવી છે.

અગાઉ ઇસ્કોન કોલકાતાએ દાવો કર્યો હતો કે ચિન્મય કૃષ્ણ દાસનું પ્રતિનિધિત્વ કરતા બાંગ્લાદેશી વકીલ રમણ રોય પર ઇસ્લામિક કટ્ટરપંથીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. તેને ગંભીર હાલતમાં ICUમાં દાખલ કરવામાં આવ્યો છે.

ICUમાં ચિન્મય દાસના વકીલ
આ અગાઉ સોમવારે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ણા ચેતના (ઈસ્કોન) કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘પ્લીઝ વકીલ રમણ રોય માટે પ્રાર્થના કરો. તેમની ભૂલ માત્ર એટલી હતી કે તેઓ કોર્ટમાં ચિન્મય કૃષ્ણ પ્રભુનો બચાવ કરી રહ્યા હતા. ઇસ્લામવાદીઓએ તેના ઘરની તોડફોડ કરી અને તેના પર નિર્દયતાથી હુમલો કર્યા પછી તે ICUમાં તેના જીવન માટે લડી રહ્યો છે.

ચિન્મય દાસ હિન્દુઓ પર થતી હિંસા સામે અવાજ ઉઠાવતા રહ્યા છે
બાંગ્લાદેશમાં સામેલ સનાતની જોટના પ્રવક્તા ચિન્મય કૃષ્ણ દાસ દેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો સામે એક અગ્રણી ધાર્મિક નેતા છે. અગાઉ ગયા અઠવાડિયે સોમવાર 25 ડિસેમ્બરે ચિન્મય દાસની ઢાકાના હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ એક રેલીમાં ભાગ લેવા માટે ચટગાંવ જઈ રહ્યા હતા. તેમની સામે દેશદ્રોહના આરોપો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top