શહેરમાં પડતી આગઝરતી ગરમીમાં સરકારે કોઈ નક્કર પગલાં લેવાં જોઈએ જેથી શહેરીજનોને ગરમીમાં રાહત મળે પણ ભ્રષ્ટચારી નેતાઓ અને તેઓના પાળેલા સરકારી બેટાઓ એરકન્ડિશન કેબિનમાં બેસી ને “યલો એલર્ટ” જાહેર કરશે અને પ્રજાને કહેશે આપણે ગરમીથી લડવાનું છે તેમજ કોઈ પણ કુદરતી આફત,વરસાદ, રોગોની મહામારી આવે તો પ્રજાને કહેશે મુસીબતોથી લડો, પણ તમે અને સરકારને ફંડ આપો.
તમે અને અમે એ.સી. કેબિનમાં બેસીને મજા કરીએ. અરે, સરકારના દલાલ કર્મચારીઓ અને સલાહ આપતા ડોકટરો કોઈ નક્કર પગલાં લેવાની જગ્યાએ જો પ્રજાએ જ લડવાનું હોય અને તમારે માત્ર “ગાઈડ લાઇન” જ ચિતરવાની હોય તો “ગૂગલ” પર એક શોધો તો એક હજાર ગાઈડ લાઈન મળી જાય છે,તો પ્રજા પાસે જન્મથી મરણ સુધી ટેક્ષ લો છો? બે કોડીના ગેંડાની ચામડીના કપૂતો બપોરે બારથી ચારમાં રોજ ઘરે બેસવાનું કહો છો તો શું રોજ મજૂરી કરીને રોજ ખાવાવાળાને ઘર બેઠા પરિવાર સહિત ખાવા માટે મહેનતાણું આપવાની તમારી માઈ-બાપ સરકારની ઔકાત છે? શું ગરમીથી બચવાના અન્ય કોઈ ઉપાય નથી?
જો કુંભકર્ણની પેદાશો પ્લાનિંગથી કામ કરે, ફટાકડા,હોળી,હવન,ઔદ્યોગિક પ્રદૂષણ, કેરોસીનથી ચાલતાં વાહનો તેમજ રસ્તા પર રસોડા પર પ્રતિબંધ મૂકે તો ગરમીમાં ઘટાડો થાય,થાય ને થાય જ. વિકાસના નામ પર ભ્રષ્ટાચાર કરવા શહેર અને જંગલોના ઝાડો કપાતાં બંધ થાય તો પણ ગરમીમાં રાહત થાય,વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે અને રસ્તા ગરમી શોષક બનાવવામાં આવે,ખેતીની જમીન પર બાંધકામની તેમજ બિલ્ડીંગને ત્રણ માળથી વધુની પરમિશન નહીં આપવામાં આવે તો પણ ગરમીમાં રાહત મળે,શહેરના મુખ્ય માર્ગોની વચ્ચે ભ્રષ્ટાચારનું સ્મારક BRTS ની જગ્યા પર જો ઝાડ રોપવામાં આવે કે રોજ શહેરના મુખ્ય માર્ગો પર રિમઝીમ પાણીનો છંટકાવ કરવામાં આવે તો પણ ગરમીમાં સો ટકા ફરક પડે,બસ કે રેલવે સ્ટેશન જેવી જગ્યાઓ કે જ્યાં ભીડ એકત્રિત થતી હોય ત્યાં મંડપ બાંધી આખો એરિયા કવર કરવો જોઈએ,જેથી આમ પ્રજાને ગરમીથી રાહત મળે.
મુખ્ય માર્ગો પર દર બે કિલો મીટરના અંતરે બપોરે ૧૨ થી ૪ લીંબુ-પાણી કે છાસની વ્યવસ્થા માત્ર રાહદારીઓ માટે કરવી જોઈએ, જાનવરો અને પશુપક્ષીઓ માટે શેરી,મહોલ્લા અને સોસાયટીઓને પાણીના કુંડ મૂકવા માટે અપીલ કરવી જોઈએ, પરંતુ જે દેશના નેતાઓની નસમાં ભ્રષ્ટાચાર, દુરાચાર અને સ્વાર્થનું ગંદુ લોહી વહેતું હોય,જ્યાં મિડિયાને માત્ર મુદ્દા પરથી વાર્તા લખવાનો રસ હોય,રોગ ઉત્પન્ન ન થાય તેની કાળજી લેવાને બદલે રોગની ઉત્પત્તિ જ ન થાય એનાં પગલાં લેવામાં આવવાં જોઈએ.
પરંતુ આ બધું ત્યાં જ શક્ય છે જે દેશની સ્વાર્થી પ્રજાને ગાય-ગોબર, હિન્દુ-મુસલમાન, રામ-રહીમ સિવાય કાંઈ સૂઝતું ન હોય, ઘેટાં-બકરાની જેમ ઝુંડમાં ચાલનારી જડ યુવા પેઢી માત્ર પુસ્તક અને મોબાઈલના કીડા બની રહી ગયા હોય.રસ્તાના તો છોડો જ્યાં પ્રાણી સંગ્રહાલયના મૂક જીવોને ગરમીથી રક્ષણ ન આપી શકાતા હોય એવા બદનસીબ દેશમાં જન્મ લઈને એક આમ આદમી બસ લાચાર બનીને લખીને કાગળ પર જ પોતાની હૈયાવરાળ કાઢવા સિવાય બીજું શું કરી શકે?
સુરત – કિરણ સૂર્યાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.