પંજાબમાં મુખ્ય પ્રધાન તરીકે કેપ્ટન અમરિંદર સિંહને હટાવવામાં આવ્યા અને કઠપૂતળી જેવા ચરણજીત ચન્નીને બેસાડવામાં આવ્યા, તે પછી પણ તેની સમસ્યાઓનો અંત આવ્યો નથી. પંજાબ કોંગ્રેસમાં જે સમસ્યા પેદા થઈ હતી તે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની મુખ્ય પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષાને કારણે પેદા થઈ હતી. કેપ્ટન અમરિંદર સિંહને મુખ્ય પ્રધાન તરીકે હટાવવામાં આવ્યા તેને કારણે સિદ્ધુને કામચલાઉ તૃપ્તિ થઈ હતી, પણ તેને જ્યાં સુધી મુખ્ય પ્રધાનની ગાદી પર બેસાડવામાં નહીં આવે ત્યાં સુધી તેના અંતરાત્માને ચેન પડવાનું નથી.
સિદ્ધુની સમસ્યા એ છે કે તેને મુખ્ય પ્રધાન બનવું છે, પણ ભારતનાં બંધારણ મુજબ એક સમયે એક જ વ્યક્તિ મુખ્ય પ્રધાન બની શકે છે. કોંગ્રેસના મોવડીમંડળની સમસ્યા એ છે કે તેઓ રિમોટ કન્ટ્રોલ વડે નચાવી શકાય તેવા નેતાને જ મુખ્ય પ્રધાન બનાવવા માગે છે, પણ સિદ્ધુની ગણતરી તેવા નેતામાં કરી શકાય તેમ નથી. જો સિદ્ધુને જ મુખ્ય પ્રધાન બનાવવો હોય તો કેપ્ટન શું ખોટા હતા? કોંગ્રેસના મોવડીમંડળને સિદ્ધુની જરૂર છે, કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે. મત મેળવવાની ક્ષમતા સિદ્ધુમાં વધારે જણાય છે, પણ તે સખણો રહેતો નથી. આ ડ્રામામાંથી ભરપૂર મનોરંજન મળી રહે તેમ છે.
તાજેતરમાં પંજાબના મુખ્ય પ્રધાન ચરણજીત ચન્ની અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે બંધબારણે બેઠક યોજાઈ ગઈ. તેનો ઉદ્દેશ બે નેતાઓ વચ્ચેની તિરાડ સાંધવાનો હતો, પણ હકીકતમાં તિરાડ પહોળી બની હતી. સ્કૂલના માસ્તર કોઈ નવા નિશાળિયાની લેફ્ટ-રાઇટ લે તેમ સિદ્ધુએ ચન્નીની લેફ્ટ-રાઇટ લીધી હતી અને દરેક કામગીરીનો હિસાબ માગ્યો હતો. ચન્નીને ખુરસી સોંપવામાં આવી ત્યારે કોંગ્રેસ મોવડીમંડળ તરફથી તેમને ૧૮ મુદ્દાનો એજન્ડા સોંપવામાં આવ્યો હતો. સિદ્ધુએ તેમાં ૧૩ મુદ્દા પોતાના ઉમેર્યા હતા. આ ૩૧ મુદ્દા પર સિદ્ધુએ હિસાબ માગતા અકળાયેલા ચન્નીએ રાજીનામું આપીને સિદ્ધુને ગાદી સંભાળી લેવાનો પડકાર ફેંક્યો હતો.
નવજોત સિંહ સિદ્ધુને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલ અને તેમના પરિવાર સામે બાપે માર્યા વેર છે. સિદ્ધુની માગણી છે કે પંજાબ સરકાર બાદલ પરિવારના ડ્રગ માફિયાઓ સાથેના સંબંધોની તપાસ કરાવે અને બાદલને જેલમાં મોકલી આપે. બાદલ પરિવાર દ્વારા ચાલી રહેલા ટ્રાન્સપોર્ટના ધંધાની પણ જાંચપડતાલ કરવાની સિદ્ધુની માગણી છે. સિદ્ધુની ફરિયાદ છે કે ચન્ની આ ફરિયાદને ગંભીરતાથી નથી લેતા અને તપાસ નથી કરાવતા. સિદ્ધુએ મીટિંગમાં બહુ દબાણ કર્યું ત્યારે ચન્નીએ કહ્યું કે, હું મારી ઝડપે જ બધાં કામો કરીશ. જો તમને બહુ ઉતાવળ હોય તો તમે ગાદી પર બેસી જાઓ અને બે મહિનામાં જેટલાં કામો કરવા હોય તેટલાં કામો કરી નાખો. કોંગ્રેસના મોવડીમંડળે ગાદી ચન્નીને સોંપી છે, પણ આગામી ચૂંટણીમાં પક્ષને જીતાડવાની જવાબદારી સિદ્ધુને સોંપી છે.
સિદ્ધુ અને ચન્ની વચ્ચે ચૂંટણી ઝુંબેશ કઈ એજન્સીને સોંપવી? તે બાબતમાં મતભેદો છે. સિદ્ધુની ઇચ્છા ગુજરાતની ‘વોર રૂમ કોમ્યુનિકેશન સ્ટ્રેટેજીસ’ નામની કંપનીને ચૂંટણીની વ્યૂહરચના ઘડવાનું કામ સોંપવાની છે, ચન્ની તેના વિરોધમાં છે. ચન્ની કહે છે કે આ કંપનીના માલિક તુષાર પંચાલે ભૂતકાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સાથે કામ કર્યું છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે તુષાર પંચાલને એપકોના ચેરમેન બનાવ્યા હતા અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટની જવાબદારી પણ સોંપી હતી. નવજોત સિદ્ધુ કહે છે કે એમ તો પ્રશાંત કિશોરે પણ ૨૦૧૪માં ભાજપ માટે કામ કર્યું હતું; તો પણ કેપ્ટન અમરિંદરે તેમને ૨૦૧૭માં પંજાબની ચૂંટણીના પ્રચારની કામગીરી સોંપી હતી. તુષાર પંચાલને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણે ઓએસડી તરીકે મહત્ત્વની જવાબદારી સોંપી હતી, પણ ભાજપના એક જૂથ દ્વારા જ તેમનો વિરોધ થતાં તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી.
ચરણજીત ચન્નીને મુખ્ય પ્રધાન બનાવાયા તે પછી સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાજીનામું આપવાનો ડ્રામા કર્યો હતો. સિદ્ધુને પંજાબના એડવોકેટ જનરલ તરીકે એપીએસ દેઓલ અને ડીજીપી તરીકે ઇકબાલ પ્રીત સિંહની નિમણુક સામે વાંધો હતો. સિદ્ધુના કહેવા મુજબ તેમનો બંનેનો ભૂતકાળ ખરડાયેલો હતો. મોવડીમંડળે સિદ્ધુના માનીતા વકીલ રાજવિન્દર સિંહ બૈનની નિમણુક સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કરીને સમાધાન કર્યું હતું, પણ સિદ્ધુને શાંતિ નથી. તેનો અભિગમ એવો છે કે તેણે ચરણજીત ચન્નીને મુખ્ય પ્રધાન બનાવ્યા છે, માટે તેમણે મારી આજ્ઞામાં રહેવું જ જોઈએ. ચરણજીત ચન્ની મુખ્ય પ્રધાન બન્યા તે પછી પોતાનું ધાર્યું કરવા લાગ્યા છે.
નવજોત સિંહ સિદ્ધુની બીજી પીડા એ છે કે ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસનું મોવડીમંડળ મુખ્ય પ્રધાનના ચહેરા તરીકે સિદ્ધુને નહીં પણ ચન્નીને પ્રોજેક્ટ કરવાનું છે. તેનો અર્થ થાય છે કે જો પંજાબમાં કોંગ્રેસનો વિજય થાય તો પણ સિદ્ધુને મુખ્ય પ્રધાનની ગાદી નહીં મળે. તેની હતાશા સિદ્ધુના ચહેરા પર અને તેમના કાર્યોમાં પ્રગટ થયા વિના રહેતી નથી. સિદ્ધુને લાગે છે કે ચૂંટણી સુધી તેઓ પંજાબના લોકોને સ્પર્શતા મુદ્દાઓ જાહેરમાં ઉછાળ્યા કરશે તો તેમની લોકપ્રિયતા વધી જશે અને કોંગ્રેસનો વિજય થાય તો મોવડીમંડળે તેમને મુખ્ય પ્રધાન બનાવવા જ પડશે. આ કારણે તેઓ સેક્રિલેજ કેસમાં તપાસ કરવાની માગણી અને પ્રકાશ સિંહ બાદલનો મુદ્દો વારંવાર ઉછાળ્યા કરે છે.
ચરણજીત ચન્ની પર આક્ષેપ છે કે તેમને પ્રકાશ સિંહ બાદલના પરિવાર માટે કૂણી લાગણી છે, માટે તેઓ તેમની સામે પગલાં લેવા માગતા નથી. પ્રકાશ સિંહ બાદલનો ભત્રીજો મનપ્રીત બાદલ ચન્નીના પ્રધાનમંડળમાં નાણાં ખાતું સંભાળે છે. તે સુખબીર બાદલનો પિત્રાઇ છે. સિદ્ધુનો આક્ષેપ છે કે ચરણજીત ચન્ની મનપ્રીત બાદલના ઈશારે નાચી રહ્યા છે. આ કારણે તેઓ પ્રકાશ સિંહ બાદલના પરિવાર સામે કામ લેવા તૈયાર નથી. આ વાતમાં તથ્ય પણ છે. નવજોત સિંહ સિદ્ધુનો અને ચરણજીત ચન્ની વચ્ચેનો ઝઘડો જાહેરમાં પણ આવી ગયો છે. તાજેતરમાં લખીમપુર ખેરીની હિંસાના વિરોધમાં કોંગ્રેસ વતી જાહેર વિરોધનો કાર્યક્રમ કરવામાં આવ્યો તે દરમિયાન નવજોત સિંહ સિદ્ધુ ચન્નીની ટીકા કરતો જણાયો હતો. તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. નવજોત સિંહ સિદ્ધુ અને ચરણજીત ચન્ની વચ્ચેનું આ નાટક જાહેરમાં ભજવાઈ રહ્યું છે, પણ મોવડીમંડળ તેને અટકાવી શકતું નથી.
નવજોત સિંહ સિદ્ધુ અને ચરણજીત ચન્ની વચ્ચેની લડાઇમાં પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતનો ભોગ લેવાઈ ગયો છે. બે પંજાબી નેતાઓ વચ્ચેની પ્રોક્સી વોરથી કંટાળીને તેમણે પોતાને જવાબદારીમાંથી મુક્ત કરવાની માગણી મોવડીમંડળ સમક્ષ કરી છે. હરીશ રાવત ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને મુખ્ય નેતા પણ છે. ઉત્તરાખંડમાં પણ પંજાબની સામે ચૂંટણી આવી રહી છે. કોંગ્રેસ માટે પંજાબની જેમ ઉત્તરાખંડ જીતવું પણ જરૂરી છે. તે માટે હરીશ રાવતને તેની જવાબદારી સોંપવી અને તેમને પંજાબની જવાબદારીમાંથી મુક્ત કરવા જરૂરી છે. કોંગ્રેસ મોવડીમંડળ પણ તેમનું રાજીનામું સ્વીકારવા તૈયાર થઈ ગયું છે. પંજાબ કોંગ્રેસના જે કોઈ નવા પ્રભારી આવશે તેમનું પહેલું કામ નવજોત સિંહ સિદ્ધુ અને ચન્ની વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનું હશે. જો તેમની વચ્ચે સમાધાન નહીં થાય તો કોંગ્રેસના હાથમાંથી પંજાબ રાજ્ય ઝૂંટવાઈ જશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે