છેલ્લાં 2 વર્ષની વાત કરીએ તો એ સમય યાદ આવતા જ ધ્રુજી જવાય છે. સાયરનોના અવાજ અને સોશ્યલ ડિસ્ટન્સના પાલન વચ્ચે માણસ એકબીજાથી દૂર થઈ ગયો હતો અને કેટલાક લોકો તો સ્વજનોને જોયા કે મળ્યા વગર જ મૃત્યુ પામ્યા હતા. જેને પગલે સરકારે ગાઈડ લાઇન બહાર પાડી હતી અને તેના ભાગરૂપે ફરજિયાત માસ્ક પહેરવાનો પણ કડક નિયમ બનાવવામાં આવ્યો હતો. આજે આ પરિસ્થિતિ હળવી થઈ છે અને માસ્ક ન પહેરવા માટે લેવામાં આવતો દંડ પણ બંધ કરવામાં આવ્યો છે જેથી કેટલાક લોકો માસ્ક વગર પણ દેખાઈ રહ્યા છે. ત્યારે આજે હળવી પળોમાં સુરતીઓ પોતાના માસ્ક પહેરવાના કારણે ઊભા થયેલા રમૂજી કિસ્સાઓ વાગોળે છે જે આપની સમક્ષ રજૂ કર્યા છે
સિક્યુરિટીગાર્ડે માસ્ક માટે 20 રૂપિયા ધર્યા : ગીતા ચૌધરી
શહેરના ઉધના વિસ્તારમાં રહેતી ગીતા ચૌધરી કહે છે કે, ‘‘કોરોનાની બીજી લહેર ખતમ થઈ અને કંઈક બહારનું ખાવાની ઈચ્છા થઈ એટલે હું મેકડોનાલ્ડમાં ગઈ પણ ઉતાવળમાં માસ્ક ભૂલી ગઈ એટલે સિક્યુરિટીવાળાએ મને ગેટ પર ઊભી રાખી અને કહ્યું કે, માસ્ક પહેરીને આવો. ભૂલ મારી હતી પણ મેં કહ્યું કે હું માસ્ક પહેરીને તો ખાઈ શકવાની નથી તો આવી ફોર્માલીટી કર્યા વગર જવા દેવામાં વાંધો શું છે? તો એના જવાબમાં એણે ખિસ્સામાંથી 20 રૂપિયાની નોટ કાઢીને મારી સામે ધરી અને કહ્યું કે સામે માસ્ક મળે છે એ લઈ લો અને પહેરીને આવો. એની આવી હરકત પર ગુસ્સો પણ આવ્યો અને શરમ પણ આવી અને મેં જાતે માસ્ક ખરીદીને પહેરી લીધો પણ એ દિવસથી હું હંમેશાં પોતાની સાથે માસ્ક રાખીને રૂલ્સ ફોલો કરવા લાગી.’
માસ્કના અનુભવો પર નિબંધ લખી શકું : સિધ્ધિ વસાવા
‘માસ્કની રામાયણ તો મારી સાથે એટલી બધી વાર થઈ છે કે એક નિબંધ લખી શકું.’ આ શબ્દો છે સિધ્ધિ વસાવાના. માસ્કની આદત હતી નહીં અને જેથી ઘણી વાર ભૂલી જતી અને નવો માસ્ક લેવો જ પડતો. આમ કરતાં કરતાં મારી પાસે માસ્કની ઘણી બધી વેરાયટીઓ ભેગી થઈ ગઈ હતી. એક વાર તો થયું એવું કે લગ્નમાં જવા માટે મસ્ત તૈયાર થઈ હતી અને કપડાને મેચિંગ માસ્ક પણ લીધું હતું પણ માસ્ક પહેરીને જાઉં તો લિપસ્ટિક ખરાબ થઈ જાય અને મેકઅપ પણ ખરાબ થાય. આ ઉપરાંત આખા પ્રસંગમાં માસ્ક પહેરીને ફરવાનું હતું એટલે પછી મેં તો જવાનું જ માંડી વાળ્યું. હમણાં એક વાર તો એવું થયું કે બહાર જવા માટે નીકળતી હતી અને પાણી પીવાનું મન થયું પણ માસ્કનું ધ્યાન નહીં રહ્યું અને બધું પાણી માસ્ક સહિત મારા કપડાં પર ઢોળાયું એ સમયે હસવું કે રડવું એ જ નહીં સમજાયું.’
માસ્કમાં પાનની પિચકારીના કારણે હાલત થઈ ખરાબ : પીયૂષ પટેલ
પિપળોદ ખાતે રહેતા પીયૂષ પટેલ જણાવે છે કે, ‘એ સમય એવો હતો કે બહાર તો ઠીક ઘરમાં પણ ડર લાગતો. એમ્બ્યુલન્સના અવાજથી જ મન વિચલિત થઈ ઊઠતું હતું પણ ઘરની જરૂરી વસ્તુઓ લેવા બહાર જવું પડતું ત્યારે માસ્ક પહેરવો ફરજિયાત હોવાથી પહેરવો જ પડતો હતો પણ માસ્કની આદત ન હતી અને મને પાન-મસાલા ખાવાની આદત હતી એટલે ઘણી વાર મારે એવું થતું કે મોંમાંથી પાનની પિચકારી મારતી વખતે માસ્ક પહેર્યો હોવાનું ભૂલી જ જતો જેથી તમે સમજી શકો છો કે મારી અને માસ્કની કેવી હાલત થતી હશે. જો કે આજે લોકો માસ્ક વગર ફરી રહ્યા છે ત્યારે સારું લાગે છે. પાન આજે પણ મારા આવા કિસ્સા યાદ આવે ત્યારે હસી પડાય છે.’
માસ્કથી બાઇકની સીટ સાફ કરી લઉં છું: વિજેશ શાહ
શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા વિજેશ શાહ જણાવે છે કે, માસ્કની અમલવારી શરૂ થઈ ત્યારે શરૂઆતમાં લાગતું હતું કે થોડા સમયમાં કોરોના જતો રહેશે પણ બીજી ભયાનક લહેરને જોઈને મેં તો ઓનલાઈન માસ્ક મંગાવીને ઢગલો કરી દીધો પણ સારું થયું કે ત્રીજી લહેર હળવી રહી પણ મારા માટે તો માથાનો દુખાવો બની ગયો કે હવે આટલા બધા માસ્કનું કરવું શું? એમ વિચારીને હું મિત્રોને માસ્ક ભેટ આપતો રહું છું પણ આજે સમય એવો છે કે, લોકોને માસ્કની જરૂર જ નથી પડતી જેથી હું માસ્કનો અન્ય ઉપયોગ કેમ કરવો એવા તુક્કા અજમાવતો રહું છું. જેમાં ક્યારેક તો માસ્કથી બાઇકની સીટ પણ સાફ કરી લઉંં છું ત્યારે આ વાત પર મને હસવું પણ આવી જાય છે.’