Columns

ન નિંદા, ન પ્રશંસા

કાશ્મીરના પર્વતીય પ્રદેશમાં એક સંત કન્યા લલ્લેશ્વરીદેવી ….ભક્તિમાં જીવન સમર્પિત કર્યું… લલ્લેશ્વરીદેવી સદા પ્રભુભક્તિમાં લીન રહે …સંસારથી સાવ વિરક્ત …બસ ગામની ગલીઓમાં ફરે અને પ્રભુભક્તિ કરે ..મસ્તી પડે તો ભજન ગાય ..મસ્તીમાં આવી જાય તો ભાવમાં નાચી ઊઠે….સાવ અલગારી અવસ્થા…ન કોઈ દેખાડો ..ન કોઈ પૂજન અર્ચન માત્ર નિષ્કામ ભાવસભર ભક્તિ…. ગામનાં લોકો એક સ્ત્રી થઈને આમ ગામની ગલીઓમાં ફરતાં ..ગાતાં ..નાચતાં જોઈ એક સંત જીવની મજાક ઉડાડે ..નિંદા કરે…ન બોલવાનું બોલે, પણ લલ્લેશ્વરીદેવી તો સાચા સંત … કમળના પાંદડા પરથી ઝાકળબિંદુ સરી જાય તેમ આવી લોકનિંદાની પણ લલ્લેશ્વરીદેવી પર કોઈ અસર ન થાય.

તેઓ તો જાણે કંઈ સાંભળ્યું જ નથી તેમ વર્તી આગળ વધી જાય. એક દિવસ લલ્લેશ્વરીદેવી ગામની ગલીઓમાં ભજન ગાતાં ફરી રહ્યાં હતાં ત્યારે ગામના છેલબટાઉ તોફાની છોકરાઓની ટોળી તેમની પાછળ પડી.છોકરાઓ તેમની મશ્કરી કરવા લાગ્યા.પથ્થર મારવા લાગ્યા અને પછી તો પાગલ…. પાગલ…. કહેવા લાગ્યા.ગામના એક દુકાનદારે આ જોયું અને તેને છોકરાઓનું એક પ્રભુભક્ત તરફનું આવું વર્તન બહુ ખરાબ લાગ્યું.તેઓ દુકાનમાંથી બહાર આવ્યા અને છોકરાઓને ધમકાવીને ભગાડ્યા અને લલ્લેશ્વરીદેવીને નમન કરી તેમની માફી માંગી.પાણી આપ્યું અને દુકાનમાં બેસવા કહ્યું.   

લલ્લેશ્વરીદેવી દુકાનદાર સાથે દુકાનમાં આવ્યાં. બે ઘડી બેઠાં અને પછી જવા માટે ઊભાં થઈ ગયાં.જતાં જતાં તેમને દુકાનદાર પાસે એક કપડું માંગ્યું.દુકાનદારે પોતાની દુકાનનું સારામાં સારું કપડું આપ્યું. લલ્લેશ્વરીદેવીએ દુકાનદારને તે કપડાના બે સરખા ટુકડા કરવા કહ્યું.દુકાનદારે બે ટુકડા કરી આપ્યા. લલ્લેશ્વરીદેવીએ એક એક ટુકડો પોતાના એક એક ખભા પર નાખ્યો અને દુકાનમાંથી વિદાય લીધી.દુકાનદારને કંઈ સમજાયું નહિ.પણ અલગારી સંતની વાતો અને વર્તન થોડાં સમજાય એમ વિચારી તેણે દુકાનના કામમાં મન પરોવ્યું. લલ્લેશ્વરીદેવી આગળ વધ્યાં.રસ્તામાં કોઈ પ્રણામ કરે તો ડાબા ખભા પરના કપડામાં તેઓ ગાંઠ વાળતાં અને જો કોઈ મશ્કરી કરે ..ખરાબ બોલે તો જમણા ખભા પરના કપડામાં તેઓ ગાંઠ વાળતાં.

સાંજ સુધીમાં બંને ખભા પરનાં વસ્ત્રોમાં ઘણી ગાંઠો વળી.મોડી સાંજે લલ્લેશ્વરીદેવી પેલા જેની પાસેથી કપડું લીધું હતું તે દુકાનદાર પાસે આવ્યાં અને બોલ્યાં, ‘આ ડાબા ખભા પરના વસ્ત્રમાં લોકોએ આપેલું માન ..પ્રણામ..પ્રશંસા બાંધ્યાં છે…અને જમણા ખભા પરના વસ્ત્રમાં અપમાન …નિંદા…મશ્કરી બાંધ્યાં છે ..બન્નેનું વજન કરી આપો અને કહો …’ દુકાનદારે વજન કર્યું…વજન તો બંને કપડાના ટુકડાનું સરખું જ હતું. લલ્લેશ્વરીદેવી બોલ્યાં, ‘કોઈ નિંદા કરે કે મારી સ્તુતિ કરે …મારે મન બંને સરખાં છે..ન નિંદા અડે છે અને ન પ્રશંસા સ્પર્શે છે. હું આ બધાથી મુક્ત છું.આમે ચિંતા કરવી નહિ, જીવ બાળવો નહિ.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top