Gujarat

ગ્રામ વિકાસમાં ગુણવત્તા અને પારદર્શિતામાં કોઈ બાંધછોડ નહીં – સીએમ ભૂપેન્દ્ર પટેલ

વિકસિત ભારતનો પાયો ગામડાંમાં છે, સરપંચોની ભૂમિકા નિર્ણાયક

ગાંધીનગર,તા.3
ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા સરપંચોએ નેતૃત્વ આપવું જોઈએ તેમ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે ગણેશ વાસુદેવ માવળંકર સંસદિય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે આયોજિત ‘ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમ’ના પ્રારંભ પ્રસંગે રાજયભરમાંથી આવેલા સરપંચોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના 7 જિલ્લાઓના વિવિધ તાલુકાઓના 260થી વધુ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રજૂ થયેલ કેન્દ્રિય બજેટમાં કર્તવ્યને મુખ્ય આધાર બનાવી ગ્રામ વિકાસ પર વિશેષ ઝોંક આપવામાં આવ્યો છે. દેશના વિકાસના પાયામાં ગામડાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. સરપંચોએ ગામના વડા તરીકે ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્ર સાથે જનશક્તિને જોડીને વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપવું જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહયું હતું કે , જાહેરહિતના વિકાસ કામોમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. વડાપ્રધાનશ્રીએ આપેલા સેચ્યુરેશન એપ્રોચથી 100 ટકા લક્ષ્યાંક સાથે ગ્રાન્ટનો યોગ્ય અને આયોજનબદ્ધ ઉપયોગ થાય તે સરપંચોની પ્રાથમિક જવાબદારી છે.

ગામના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ‘ગ્રામ સચિવાલય’ના મંત્રને સાકાર કરવાની જવાબદારી સરપંચોની છે. વિકાસ માત્ર બાંધકામથી નહીં પરંતુ સંવાદ અને લોકભાગીદારીથી થાય છે. ગ્રામસભામાં લોકભાગીદારી મજબૂત થશે તો લોકશાહીના પાયા વધુ મજબૂત બનશે. પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગામોને શહેર સમકક્ષ સુવિધાઓ આપવા માટે સરપંચોએ ગ્રામ વિકાસ યોજનાઓનો અસરકારક ઉપયોગ કરવો જોઈએ.

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગુજરાતના તમામ ગામોને ઓછામાં ઓછા બે માર્ગથી જોડવામાં આવ્યા છે.ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નિર્ણયો કારણે ગામડાઓમાં શહેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજ્ય સરકારે વધારાની સહાય આપીને ગ્રામજનોને મોટો લાભ પહોંચાડ્યો છે.આ તાલીમ કાર્યક્રમ દરમિયાન સરપંચોને પંચાયતી રાજ વ્યવસ્થા, ગ્રામ વિકાસ યોજનાઓ, હિસાબી નિયમો અને ગ્રામસભામાં સરપંચોની ફરજો અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Most Popular

To Top