સુરત: શહેરના સાંસદ દર્શના જરદોશ કે જેઓ હાલમાં જ રેલવે મંત્રી બન્યા છે તેમની જન આશિર્વાદ યાત્રા શહેરમાં નીકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતાં અને કોવિડ ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો. જેથી હવે શહેરીજનોએ એવી માંગ કરી છે કે, આશિર્વાદ લેવા માટે યાત્રા નીકળતી હોય તો આશિર્વાદ આપવાવાળા ગણેશજીની યાત્રાઓ પણ નીકળશે.
શહેરીજનોએ સોશિયલ મીડિયામાં આ મેસેજ વાયરલ કર્યા હતાં. સાથે જ હવે ઘણા વિસ્તારોમાં તેવા પોસ્ટરો પણ લાગી રહ્યા છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા જન આશિર્વાદ યાત્રા કાઢવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ ભક્તો ગણેશ સ્થાપના માટે પરમિશન માંગવા જાય તો કોરોના ગાઈડલાઈન્સ આગળ ધરી દેવાતા લોકોમાં પણ ઘણો રોષ જોવા મળી રહ્યો છે. જેથી શહેરના નવાપુરા ગોલવાડ વિસ્તારમાં આશિર્વાદ લેવાની યાત્રા નીકળે તો આશિર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા નીકળવી જ જોઈએના લખાણ સાથેના બેનરો લાગ્યાં છે.
રાજકીય કાર્યક્રમોમાં ટોળાને ટોળા ભેગા થવાની છૂટ આપવામાં આવી રહી છે અને ધાર્મિક કાર્યક્રમો ઉપર કેમ પ્રતિબંધ લગાડવામાં આવી રહ્યો છે તેવી ચર્ચા સમગ્ર શહેરમાં ચાલી રહી છે. ગોલવાડ વિસ્તારમાં લાગેલા પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે, ‘‘સુરતમાં ‘ભાજપ’ની આશિર્વાદ લેવાની યાત્રા નીકળે તો આશિર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા નીકળવી જ જોઈએ. અને જો ગણેશ ઉત્સવ અને નવરાત્રીની ઉજવણી નહીં તો વોટ પણ નહીં’’.