Charchapatra

ડાંગમાં કુદરતી સૌંદર્યનો મહાસેલ

હાલ ડાંગમાં સૌંદર્યનો મહાસેલ ચાલી રહ્યો છે. માત્ર એક જ દિવસમાં સવારથી સાંજ સુધીમાં તમે ભરપેટ ખજાનો લૂંટી શકો છો. બસ પાંચ-સાત મિત્રો કે ફેમિલી સાથે ભાડેની કે પોતાની ફોરવ્હીલ લઈને નીકળી પડો. વઘઈ પાસે અત્યારે જાજરમાન ગીરાધોધ દર્શન આપી રહ્યો છે. ત્યાંથી આગળ આહવા થઈ શબરીધામ પહોંચો નયનરમ્ય ટેકરી ઉપરથી ચારે દિશામાં વિસ્તરેલી લીલીછમ અને ઘટાદાર ખીણ જોઈને આંખો સંતુષ્ટ થઈ જશે. ખીણની પેલે પાર ડુંગરોનાં દ્રશ્યો પણ યાદગાર બનશે. અહીંથી આગળ ગિરમાળના સ્કાયસ્ક્રેપર-ઊંચા ધોધ પર પહોંચો. ગિરા એ ભવ્ય છે, તો ગિરમાળ એ રમ્ય છે. એનાં શણગારના દર્શન પણ ઓગસ્ટ અંત સુધી જ ખુલ્લા છે.

ફરીથી સુબીર સુધી આવીને મહાલનાં રસ્તે ભેંસકાતરી જવા નીકળો ઘટાદાર જંગલમાંથી પસાર થવું એ પણ લ્હાવો છે. ગાડી મૂકી નાચતાં જવાની ઈચ્છા તમે રોકી નહિ શકો. વચ્ચે રોડ પર પડતા ફક્કડ ધોધમાં ન્હાવાની લાલચનું પણ એવું જ છે. ભેંસકાતરી નજીક ભેખડો, કોતરો અને પહાડી દીવાલોની વચ્ચેથી પસાર થતી અલ્લડ પૂર્ણા અને તેની ચારેકોરનું આહલાદક દ્રશ્ય તમને મંત્રમુગ્ધ કરી દેશે. અહીં જ માયાદેવીનું મંદિર છે. અહીંથી વ્યારા થઈને રાત્રે સુરત પરત. રસ્તો જોવો હોય તો ગૂગલ બાબા તો છે જ. ભાડાની ગાડીમાં પણ વ્યકિતદીઠ ૪૦૦ / ૫૦૦ માં સેલમાંથી અદભુત ખરીદી થશે. હિમાલય વારંવાર ન જઈ શકનાર માટે કુદરતની અણમોલ ભેટ છે.
અલથાણ, સુરત – કુમુદચંદ્ર વાઇવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top