Editorial

કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી એનએમપી યોજના કેટલી હદે સફળ થઇ શકશે તે એક પ્રશ્ન છે

દેશમાં કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થયો તેના પણ એકાદ વર્ષ પહેલાથી શરૂ થયેલી આર્થિક મુશ્કેલીઓ શમવાનું નામ નથી લેતી. આર્થિક મંદીને રોગચાળાએ વધુ વકરાવી, લૉકડાઉન જેવા નિયંત્રણો હળવા થયા અને અર્થતંત્ર ફરી બેઠું થઇ રહ્યું હોવાના સંકેતો દેખાતા હતા ત્યાં કોવિડના રોગચાળાનું બીજું મોજું આવી ગયું અને તેણે તો દેશમાં ભારે ખાનાખરાબી સર્જી. અર્થતંત્રને ફરીથી આંચકો લાગ્યો. રોગચાળાનો સામનો કરવા અને બગડેલી આર્થિક સ્થિતિને સુધારવા સરકારને નાણાની જરૂર છે.

સરકાર અનેક પ્રોત્સાહક પગલાઓ અને પેકેજો જાહેર કરી ચુકી છે અને હજી પણ કદાચ તેણે કરવા પડે, અને સરકારને આ માટે નાણાની જરૂર છે. નાણા ઉભા કરવા માટેના તેના કેટલાક પગલાઓ વિવાદાસ્પદ પણ નિવડ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારે રેલવે, એરપોર્ટ ઓથોરિટી, ધોરી માર્ગો વગેરેની પડતર પડેલી કે ઓછી વપરાતી મિલકતો વાપરવા માટે ખાનગી કંપનીઓને આપીને નાણા ઉભા કરવાની એક યોજના રજૂ કરી છે. આ યોજનાને નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન એવું નામ આપવામાં આવ્યું છે. આ યોજના વડે કેન્દ્ર સરકાર ચાર વર્ષમાં રૂ. ૬ લાખ કરોડ રૂપિયાની રકમ ઉભી કરવાની આશા ધરાવે છે.

 નાણા મંત્રી નિર્મલા સીતારમણે જે મહત્વાકાંક્ષી રૂ.૬ લાખ કરોડની નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન(એનએમપી) યોજના ખુલ્લી મૂકી છે તેમાં ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરોમાં ખાનગી કંપનીઓને શામેલ કરીને આ સેકટરોની મિલકતોમાંથી નાણા ઉભા કરવાની યોજના છે જે સેકટરોમાં પેસેન્જર ટ્રેનો અને રેલવે સ્ટેશનોથી માંડીને એરપોર્ટો, માર્ગો અને સ્ટેડિયમોનો સમાવેશ થાય છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ઓછામાં ઓછા ૨૫ એરપોર્ટો જેમાં ચેન્નાઇ, ભોપાલ, વારાણસી અને વડોદરાના એરપોર્ટોનો સમાવેશ થાય છે તે એરપોર્ટો ઉપરાંત ૪૦૦ જેટલા રેલવે સ્ટેશનો, ૧૫ રેલવે સ્ટેડિયમો અને અચોક્કસ સંખ્યામાંની રેલવે કોલોનીઓને ખાનગી રોકાણો મેળવવા માટે જુદા તારવવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ખાનગી કંપનીઓ આ સેકટરોની મિલકતોને ઓપરેટ કરવા અને વિકસીત કરવા માટે લઇ શકશે અને સમયગાળો પુરો થયા બાદ તે સરકારી એજન્સીઓને પરત કરશે. કેટલીક મિલકતો જેમ કે ગોદામો અને સ્ટેડિયમો ઓપરેશનો માટે લાંબા ગાળાની લીઝ પર આપવામાં આવશે. આ એસેટ મોનેટાઇઝેશન પાઇપલાઇન એનઆઇપી (નેશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર પાઇપલાઇન)ને જાહેર ખાનગી ભાગીદારીના નવા તબક્કામાં લઇ જશે એવો દાવો નાણામંત્રી કરી રહ્યા છે. આ મિલકતોને ખાનગી રોકાણકારોને સોંપવા માટે ચાર વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે જે નાણાકીય વર્ષ ૨૦૨૨થી શરૂ થઇને નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધી રહેશે એમ નાણા મંત્રીએ જણાવ્યું હતું. આ ચાર વર્ષમાં રૂ. ૬ લાખ કરોડ ઉભા કરવાની આશા છે જેમાં સૌથી મોટી રકમ રૂ. ૧.૬ લાખ કરોડની દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને નવા રસ્તાઓનું મોનેટાઇઝેશન કરવામાંથી આવશે એવી આશા છે જે માર્ગોની કુલ લંબાઇ ૨૬૭૦૦ કિમી જેટલી છે. આ ઉપરાંત ૪૦૦ જેટલા રેલવે સ્ટેશનો, ૯૦ પેસેન્જર ટ્રેનો, ૭૪૧ કિમીની કોંકણ રેલવે અને ૧૫ રેલવે સ્ટેડિયમો અને કોલોનીઓને મોનેટાઇઝ્ડ કરવાની યોજના છે જેમાંથી રૂ. ૧.૨ લાખ કરોડ આવવાની આશા છે. આ ઉપરાંત બાકીની રકમ એરપોર્ટો, પાવર ટ્રાન્સમિશન લાઇનો, બીએસએનએલના ટાવરો વગેરેનું મોનેટાઇઝેશન કરવામાંથી આવવાની આશા છે.

એનએનપી યોજના હેઠળ રેલવે, એરપોર્ટો, જાહેર માર્ગો વગેરેની જે મિલકતો ખાનગી કંપનીઓને નાણા ઉભા કરવા સોંપવામાં આવશે તે મિલકતોની માલિકી સરકારની જ રહેશે એમ નાણા મંત્રી કહે છે. સરકાર બધુ વેચવા બેઠી છે એવું થવું જોઇએ નહીં એમ તેમણે કહ્યું હતું. દેખીતી રીતે કેટલીક નફો કરતી સરકારી કંપનીઓના વિનિવેશના મોદી સરકારના નિર્ણયની થયેલી આકરી ટીકાઓથી ચેતી ગયેલા નાણા મંત્રી આ સ્પષ્ટતા ભારપૂર્વક કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આમાં પડતર પડેલી કે જેનો પુરતો ઉપયોગ નહીં થતો હોય તેવી મિલકતો કે જેમાંથી પુરતા નાણા ઉભા નહીં કરી શકાતા હોય તેવી મિલકતો જ વિકસીત કરીને તેમાંથી નાણા ઉભા કરવા ખાનગી રોકાણકારોને સોંપવામાં આવશે અને ચોક્કસ સમય ગાળા બાદ આ મિલકતો તેમણે સરકારને પરત કરવાની રહેશે. સરકારી માલિકીની મિલકતો સરકારે વેચવા કાઢી નથી પણ તેમને ચોક્કસ સમયગાળા માટે ખાનગી કંપનીઓને વાપરવા આપીને, તેમાંથી નાણા ઉભા કરવા દઇને, તેમની પાસેથી ભાડું કે આવકમાં ભાગ લઇને નાણા ઉભા કરવાની સરકારની આ યોજના સારી છે પરંતુ પ્રશ્ન એ છે કે આ યોજના કેટલી હદે સફળ રહેશે? આપણે નાના પાયા પરના પ્રોજેક્ટોમાં આજે પણ જોઇ શકીએ છીએ કે ઘણી જગ્યાએ સરકારના ભાગીદાર બનવા માટે ખાનગી ઓપરેટરો ખંચકાય છે. ખાનગી ક્ષેત્ર પણ નાણા ભીડ અનુભવી રહ્યું તો છે જ અને ભાડાની કે ભાગીદારીની આકરી શરતો તેમને આવી યોજનાઓમાં શામેલ થવા બાબતે અવરોધ સર્જે છે. આ પ્રકારની ભાગીદારી પુરી પાડીને તેમાંથી ચાર વર્ષમાં રૂ. ૬ લાખ કરોડ ઉભા કરવાનું લક્ષ્યાંક કદાચ મુશ્કેલ પણ સાબિત થઇ શકે છે. વળી, અનેક વહીવટી મુદ્દાઓ અને ગુંચવાડાઓ પણ ઉભા થઇ શકે છે. આ મહત્વાકાંક્ષી નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન યોજના કેટલી હદે સફળ રહેશે તે તો આવનારો સમય જ બતાવી શકે છે.

Most Popular

To Top