Comments

નીતિશની વિદાય, નિશાંતનું આગમન ચૂંટણી પહેલા પરિણામો આવ્યાં

વરસ 2014ની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભા માટેની પ્રથમ ચૂંટણી હતી. એ વખતે નીતિશકુમાર પણ વડાપ્રધાનપદ માટે જદયુના એક લાયક ઉમેદવાર ગણાતા હતા, પરંતુ નરેન્દ્ર મોદી જેટલા બળવાન ન હતા. તો પણ હુંસાતુંસીને પરિણામે બંને વચ્ચે એવા આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો થયા હતા કે લાગે કે હવે બંને જિંદગીમાં એકમેકની સામે પણ નહીં જુએ. પરંતુ રાજકારણ જેનું નામ. જેમાં ગરજ પડે તો ગધેડાને માત્ર બાપ જ નહીં, પરંતુ પરમ આદરણીય પિતા તરીકે સંબોધવો એ રાજકીય પરંપરાનું નિર્વહન, રાજકીય કુનેહ ગણવામાં આવે છે અને દરેક રાજકારણી તેનું પાલન કરે છે.

નીતિશ મૂળ તો એનડીએના સાથે સમતા પક્ષના અગ્રણી નેતા. પછી જદયુ રચાયો. સંસદમાં પણ હતા. બીજાઓની સરખામણીમાં નીતિઓ અને મૂલ્યોમાં થોડું વધારે માનતા હતા. કાળક્રમે એ બધું ઘસાતું ચાલ્યું. ભ્રષ્ટાચાર શિરોમણી લાલુ પ્રસાદ યાદવના રાજદ સાથે હાથ મીલાવ્યા અને બિહારના મુખ્યમંત્રી બની રહ્યા. વચ્ચે જીતેનરામ માંજીને પાદૂકા સોંપવી પડી હતી અને તેજસ્વીને નાયબ મુખ્યમંત્રી તરીકે સ્વીકારવો પડયો હતો. કુલ મળીને બાર વરસના ગાળામાં આજે એવી સ્થિતિ બની છે કે નીતિશકુમાર ભાજપના અને નરેન્દ્ર મોદીના બિલકુલ કહયાગરા બની ગયા છે.

આ પણ રાજકીય કુનેહ જ હોઇ શકે છે. હવે 75 વરસના થઇ ચૂકેલા નીતિશની અગાઉ એક છાપ હતી કે એ સગાવાદમાં માનતા નથી. એક બે વખત એમણે એવી છાપ પણ છોડી હતી જેમાં લાગે છે કે હવે એમની દિમાગની ફેકલ્ટીઓ જર્જરિત બનવા લાગી છે. ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ. લોકસભાની છેલ્લી ચૂંટણીઓના પરિણામો વખતે એમણે નરેન્દ્ર મોદીને પાય લાગવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઘણાનું કહેવું હતું કે લાલો લાભ વિના આખોટે નહીં. જો કે એ વખતે નીતિશની સ્થિતિ એવી હતી અને આજે પણ છે જેમાં એ ભાજપ પાસેથી ધાર્યું કરાવી શકયા હોત. પરંતુ એમણે ખાસ રોકડી નથી કરી તો પણ કરી જ છે જે હવે બહાર આવ્યું છે.

આપણને લાગે કે આ બધું રાતોરાત થયું પરંતુ એવું હોતું નથી. ગયા નવેમ્બરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ આ પટકથા લખાઇ ગઇ હશે. તેમાં ભાજપને 89 બેઠકો પર અને જદયુને 85 બેઠકો પર જીત મળી હતી. પરંતુ આ મુખ્ય કારણ નથી. એ વખતે પણ ભાજપે ધાર્યું હોત તો નીતિશની મદદ લીધા વગર અન્ય સાથી પક્ષોની મદદ વડે સરકાર રચી શકયો હોત અને ભાજપનો મુખ્યમંત્રી સત્તારૂઢ બની શકયો હોત.

પરંતુ 85 બેઠકો કઇ નાનીસુની વાત નથી. રાજદ અને કોંગ્રેસની નાલેશીભરી હારથી નીતિશકુમાર પાસે ગઠબંધનના અન્ય વિકલ્પો બચ્યા ન હતા. ભાજપ ઇચ્છતો હતો કે નીતિશકુમાર સન્માનપૂર્વક મુખ્યમંત્રીપદેથી વિદાય લે. એ યોજના અને ઓફર અનુસાર એ રાજયસભામાં જઇ રહ્યા છે. સાંસદ બન્યા બાદ એમને કોઇ કેન્દ્રીય મંત્રાલય સોંપવામાં આવે તે શકયતા મોટી છે. એમની જગ્યાએ ભાજપના કોઇક મુખ્યમંત્રી પદે આવશે અને નિશાંતને ઉપમુખ્યમંત્રી પદ સોંપાશે. આ ડેવલપમેન્ટ બાદ નીતિશકુમાર સગવાદમાં માનતા નથી એવી જે છાપ છે તે હવાઇ જશે.

રાજયસભાની ચૂંટણીઓ 16 માર્ચના રોજ યોજાશે. રાજયસભાના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા બાદ નીતિશ મુખ્યમંત્રીના હોદ્દાપરથી રાજીનામું આપશે. સમ્રાટ ચૌધરી ભાજપના મુખ્યમંત્રી બનશે એ વાત સર્વાધિક ચાલી રહી છે પણ સોગંદ લે પછી પાકું ગણાય. એવું વારંવાર બને છે જેમાં જેમનાંનામ ગાજવા લાગે છે તેઓ એ પદ પર પહોંચતા જ નથી. દેવેન્દ્ર ફડણવીસને બાદ કરતા લગભગ દરેક વખતે ઊલટફેર સર્જાયો છે. નીશાંતને ઉપમુખ્યમંત્રી બનાવાશે તો શકય છે કે 19 વિધાનસભ્યો ધરાવતા ચિરાગ પાસવાન પણ પોતાને ઉપમુખ્યમંત્રી બનાવવાની માગણી મૂકે.

વરસ 2026માં માર્ચમાં 37 અને જુનમાં 24 મળીને કુલ 61 સભ્યો રાજયસભામાંથી નિવૃત થવાના છે. રાજયસભાના કુલ સભ્યોની સંખ્યા 245 છે. નિવૃત થનારાઓમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગોવડા, દિગ્વિજય સિંહ, શરદ પવાર, અભિષેક મનુ સિંઘવી વગેરે છે. આમાંના અમુક ફરી વખત ઉમેદવારી નોંધાવી શકે છે. વિધાનસભાઓમાં ભાજપની બોલબાલા છે તેથી ભાજપના વધુ સભ્યો ચૂંટાશે.

આ ચૂંટણીઓમાં પણ બિહારની ચર્ચા વધુ થશે. કારણ કે ત્યાંથી ચૂંટાનારા ત્રણેક સભ્યો બિહારમાં જ નહીં બહારના રાજયમાં પણ એમની ચૂંટણી સમાચાર બનશે. તેમાંના એક મહારાષ્ટ્રના વિનોદ તાવડે હશે. ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીનને પણ 2014 બાદ શરૂ થયેલી પ્રણાલિ મુજબ રાજયસભામાં ચૂંટણીને મોકલવામાં આવશે. સમ્રાટ ચૌધરી હાલમાં બિહારના ઉપ મુખ્યમંત્રી છે. એમના નામ આગળનું ઉપ વિશેષણ દૂર થશે કે કેમ તે ચૂંટણી પછી જાણી શકાશે અને એ રીતે રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનશે.

આ વખતે ઉમેદવારો નક્કી કરવા બાબતે ભાજપ જાતીય સંતુલન, ભાજપ અને સંઘ પ્રત્યેની નિષ્ઠા વગેરે મુદ્દા ધ્યાનમાં રાખે છે. ઉપરાંત એવી નવી પેઢીના નેતાઓ પસંદ કરે છે જે વરસો સુધી નિષ્ઠાપૂર્વક પક્ષને સેવા આપી શકે. એક ગણતરી પ્રમાણે આ વરસની ચૂંટણીઓ બાદ રાજયસભામાં ભાજપના સભ્યોની સંખ્યા 125થી આગળ વધીને 130 સુધી પહોંચશે. કોંગ્રેસના ચાર રાજયસભા સાંસદો નિવૃત થશે અને પાંચ ચૂંટવાની ઇચ્છા છે. ખડગે અને સિંઘવી ફરી ચૂંટાશે. મમતા બેનરજીના તૃણમૂલના સભ્યોની સંખ્યા 13 પરથી વધીને 17ની થશે. કર્ણાટક અને તેલંગાણામાંથી કોંગ્રેસ કોઇ પ્રભાવી નેતાની અને શકયત: કોઇ મહિલા નેતાની પસંદગી કરશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top