નવી દિલ્હી: વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કરી રહ્યાં છે. આ બિલને ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ નામ આપવામાં આવ્યું છે. હવે આ બિલને લઈને તમામ રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ પણ સામે આવવા લાગી છે.
નીતિશ કુમારની પાર્ટી જેડીયુ અને એનડીએનો ભાગ ચંદ્રબાબુ નાયડુની ટીડીપીએ આ બિલને સમર્થન આપ્યું છે. સાથે જ YSR કોંગ્રેસે પણ વન નેશન વન ઈલેક્શનને સમર્થન આપ્યું છે. માયાવતીએ સાંસદોને પણ આ બિલને સમર્થન આપવા કહ્યું છે. પરંતુ કોંગ્રેસ અને સપા આ બિલનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યાં છે. તે જ સમયે, TMC, RJD, PDP સહિત ઘણી પાર્ટીઓ પણ આ બિલને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે.
કોંગ્રેસે આ બિલને ગેરબંધારણીય ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ બિલ બંધારણને બદલવા માટેનું આહવાન છે. જયરામ રમેશે આ બિલને ગેરબંધારણીય ગણાવ્યું છે. વન નેશન વન ઈલેક્શન અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસે આજે સવારે 10.30 કલાકે સીપીપી (કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટી) ઓફિસ ખાતે તાકીદની બેઠક બોલાવી હતી. કોંગ્રેસના તમામ લોકસભા સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કરવામાં આવ્યો છે, જેમાં આજની મહત્વપૂર્ણ કાર્યવાહી માટે ગૃહમાં તેમની હાજરી ફરજિયાત છે.
સપા સાંસદ રામ ગોપાલ યાદવે કહ્યું કે અમે આ બિલનો વિરોધ કરીશું અને આ બિલ બંધારણની વિરુદ્ધ છે. આ સાથે જ અખિલેશ યાદવે પણ લાંબી પોસ્ટ દ્વારા આ બિલ પર નિશાન સાધ્યું છે.
શિવસેના (ઉદ્ધવ જૂથ)એ પણ વિરોધ કર્યો
શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે આ બિલ બંધારણની વિરુદ્ધ છે. આ બંધારણ પર હુમલો છે. ચૂંટણી પ્રક્રિયા સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. ભાજપ સત્તા કબજે કરવા માંગે છે. અમે આ બિલનો વિરોધ કરીશું. આ સિવાય તમિલનાડુના સીએમ સ્ટાલિન, મમતા બેનર્જી, જેએમએમ સહિત અન્ય ઘણી પાર્ટીઓએ પણ આ બિલનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે.
આ જૂથો ખરડાના સમર્થનમાં આવ્યા
માયાવતીએ ભાજપ, JDU, TDP અને YSRCP સાથે મળીને આ બિલને સમર્થન જાહેર કર્યું છે. YSRCP નેતા મિથુન રેડ્ડીએ કહ્યું કે અમે પહેલાથી જ સામાન્ય ચૂંટણીની સાથે રાજ્યની ચૂંટણીઓ પણ કરાવી રહ્યા છીએ. અમને આ બિલથી બહુ સમસ્યા નથી. અમે તેના સમર્થનમાં છીએ.
તમને જણાવી દઈએ કે લોકસભાના એજન્ડામાં કહેવામાં આવ્યું છે કે બંધારણ (129મો સંશોધન) બિલ, 2024 કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ રજૂ કરશે. આ બિલને ‘વન નેશન, વન ઇલેક્શન’ તરીકે ઓળખવામાં આવે છે. તેની રજૂઆત પછી, મેઘવાલ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને વિનંતિ કરશે કે તે બિલને સંસદની સંયુક્ત સમિતિને વિગતવાર ચર્ચા માટે મોકલે.