Editorial

નિતીશકુમારને માત્ર સીએમ પદ જ જોઇએ, વચન તો કહેવા માટે જ હોય પાળવા માટે નહીં

બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આગામી એક-બે દિવસમાં બિહારમાં JDU અને BJP એટલે કે NDA 2020ની ફોર્મ્યુલા મુજબ ફરીથી સરકાર બનાવે તેવી શક્યતા છે. રાજ્યમાં હાલ રાજકીય ઉથલપાથલ વચ્ચે જેડીયુ, આરજેડી, ભાજપ અને કોંગ્રેસે આજે તેમના પક્ષોની બેઠક બોલાવી છે. આરજેડીની બેઠકમાં તમામ ધારાસભ્યો, વિધાન પરિષદ અને અન્ય મોટા નેતાઓ હાજર રહેશે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે પણ બેઠક બોલાવી છે. આ ઉપરાંત કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠક પણ યોજાવાની છે. એવું માનવામાં આવે છે કે બેઠક બાદ ભાજપ ધારાસભ્યોની સહીવાળું સમર્થન મુખ્યમંત્રી નીતીશ કુમારને સોંપી શકે છે.

બિહારમાં રાજકીય ગરમાગરમી છે ત્યારે આ અંગે જ્યારે ભાજપના પ્રદેશ પ્રભારી વિનોદ તાવડેને બિહારની રાજકીય સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘આગામી લોકસભા ચૂંટણી પર ચર્ચા કરવા માટે બિહાર ભાજપના નેતાઓની બેઠક થઈ રહી છે.’ જણાવી દઈએ કે બિહાર ભાજપની રાજ્ય કાર્યકારિણીની બેઠક 27 અને 28મી જાન્યુઆરીએ પટનામાં બોલાવવામાં આવી છે. રાજ્યપાલ દ્વારા 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસે રાજભવનમાં આપવામાં આવેલી ટી પાર્ટીમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર સહિત તમામ મંત્રીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવ પણ હાજરી આપવાના હતા, પરંતુ તેઓ આવ્યા ન હતા. હાલની રાજકીય પરિસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી રાજભવન ખાતેના કાર્યક્રમમાં હાજર ન રહેતા ચર્ચાનો વિષય બન્યા છે.

બિહારમાં હાલમાં JDU પાસે 45 ધારાસભ્યો છે, BJP પાસે 76 અને HAM પાસે 4 ધારાસભ્યો છે, જે કુલ મળીને 125 ધારાસભ્યો છે, જે સરકાર બનાવવા માટે જરૂરી 122ના જાદુઈ આંકડા કરતાં ત્રણ વધુ છે. જો કેટલાક ધારાસભ્યો આજની બેઠકમાં ન આવે તો રસપ્રદ રહેશે, કારણ કે તો સરકાર બનાવવી નીતીશ કુમાર તેમજ એનડીએ માટે મુશ્કેલ બની શકે છે. જેડીયુ ઉપરાંત ભાજપ અને આરજેડીએ પણ આજે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ હાલ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. JDUના વડા નીતિશ કુમાર સાતમી વખત આ રવિવારે જ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ભાજપ સાથે તેમની મિત્રતાની પુષ્ટિ થઈ ગઈ છે.

નવી સરકાર જૂની ફોર્મ્યુલા પર જ રચાશે. નવી સરકારમાં ભાજપના ક્વોટામાંથી બે નાયબ મુખ્યમંત્રીને સામેલ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે સુશીલ મોદીને હટાવ્યા બાદ બીજેપીએ બિહારમાં બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા આપી હતી. જનતા દળ (યુનાઈટેડ)ના વડાએ 28 જાન્યુઆરીના તેમના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. નીતિશ કુમાર રવિવારે મહારાણા જયંતિ નિમિત્તે જાહેરસભાને સંબોધવાના હતા. આ પહેલા સુશીલ કુમાર મોદીએ બિહારમાં ચાલી રહેલી રાજકીય ઘમાસણ પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજનીતિમાં દરવાજો ક્યારેય કોઈ માટે હંમેશા માટે બંધ થતો નથી. જરૂર પડે ત્યારે તેને ખોલવામાં આવે છે.

આ તમામ અટકળોની વચ્ચે બિહાર રાજ્યના કૃષિ મંત્રી અને આરજેડી નેતા કુમાર સર્વજીતનું બહુ મોટું નિવેદન સામે આવ્યું છે. કુમાર સર્વજીતે જાહેરાત કરી કે, આરજેડી સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લેશે. જો આમ થશે તો રાજીનામા પહેલાં જ નીતિશ કુમાર સરકાર લઘુમતીમાં આવી જશે. હકીકતમાં કુમાર સર્વજીતનું નિવેદન એવા અહેવાલો વચ્ચે આવ્યું છે કે, ભાજપ અને જનતા દળ યુનાઇટેડ (JDU) વચ્ચે સરકાર બનાવવાની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. તેમણે પોતાનું સત્તાવાર વાહન પરત કરી દીધું છે. આ પછી આરજેડી કેમ્પના અન્ય મંત્રીઓએ પણ પોતાના સરકારી વાહનો પરત કરવાનું શરૂ કરી દીધું છે.

જો કે, લાલુ યાદવ પણ જેડીયુના ધારાસભ્યો તોડે તેવી શક્યતાની વચ્ચે કોંગ્રેસમાં પણ થોડી ગણી હલચલ જોવા મળી રહી છે. જો કે, બિહાર માટે આ નવી વાત નથી કારણ કે અહીં કોણ નેતા ક્યારે કોની સાથે હોય તે જ નક્કી નથી હોતું.જો કે પક્ષ પલટો, કસમે વાદે, પીઠમાં ખંજર, ગદ્દારી આ બધા શબ્દો સામાન્ય લોકો માટે આઘાતજનક હોય છે પરંતુ રાજકારણીઓ માટે આ શબ્દ ખૂબ જ સામાન્ય હોય છે. એ તો પ્રજા પાગલ છે કે, નેતાઓ માટે ફના થઇ જવાની વાત કરે છે પરંતુ નેતાઓ માટે પ્રજા માત્રને માત્ર ઉપયોગ કરીને ફેંકી દેવાનું સાધન છે.

નિતિશ કુમારે વિધાનસભાની ચૂંટણી પહેલા એવી જાહેરાત કરી હતી કે, ‘ આ મારી છેલ્લી ચૂંટણી છે, હવે હું ચૂંટણી લડવાનો નથી’ ચૂંટણી જીત્યા પછી તેમણે જાહેરમાં જ કહ્યું છે કે, ‘હું ભાજપ સાથે જવા કરતાં મરવાનું પસંદ કરીશ’ જો કે હવે આ બધી વાતને કોઇ સ્થાન નથી કારણ કે, નિતીશ કુમારને તો માત્ર સીએમ પદ સાથે જ સંબંધ છે. બિહાર કે બિહારની પ્રજાનું જે થવાનું હોય તે થાય. કદાચ તેમનું નામ ભૂલથી નિતીશ પડી ગયું છે ખરેખર તો પલટીબાજ કુમાર હોવું જોઇતું હતું. આ ઘટનાનો અખિલેશ યાદવ ભારે વિરોધ કરી રહ્યાં છે. જો કે, તેમણે તેમના પિતા અને કાકાને કેવી રીતે રાજકારણની બહારનો રસ્તો બતાવ્યો તે પણ તેમણે જોવું જોઇએ. મહારાષ્ટ્રમાં શિવસેના માટે લોહીપાણી એક કરનાર રાજ ઠાકરેને પણ એ રીતે જ બહારનો રસ્તો બતાવાયો હતો એટલે રાજકારણમાં કોઇ કોઇનું સગું નથી. તો સાથીની વાત તો ભૂલી જ જવી જોઇએ.

Most Popular

To Top