બિહાર એક એવું રાજ્ય છે કે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય સ્થિરતા નથી. ભૂતકાળમાં લાલુપ્રસાદ યાદવે સ્થિર સરકાર આપી હતી પરંતુ ત્યારબાદ એવો માહોલ થયો છે કે મુખ્યમંત્રી નિતીશકુમાર રહ્યા છે પરંતુ તેમના ગઠબંધનના સાથીઓ બદલાતા રહ્યા છે. ભારતના રાજકારણમાં નિતીશકુમાર એક એવા નેતા છે કે જે ગઠબંધનના સાથીઓ બદલવામાં વિક્રમ ધરાવે છે. જેને નૈતિકતા કહેવાય તેવા શબ્દને ભૂલી ચૂકેલા નિતીશકુમાર જ્યારે ભાજપને સાથી પક્ષ તરીકે છોડ્યો ત્યારે એવું કહ્યું હતું કે, હવે ભાજપ સાથે જોડાણ કરીશ નહીં અને બાદમાં ભાજપ સાથે ફરી નાતરૂં કરી લીધું. હવે જ્યારે ભાજપ સાથે ફરી જોડાણ કર્યું છે ત્યારે નિતીશકુમારે એવું કહ્યું છે કે, હવે સાથીઓ બદલાશે નહીં પરંતુ એકપણ વ્યક્તિ તેમના આ શબ્દો પર વિશ્વાસ કરતો નથી. બની શકે કે નિતીશકુમાર લોકસભાની ચૂંટણી પછી પવન જોઈને ફરી સઢ ફેરવે.
આ તો વાત થઈ નિતીશકુમારની. નિતીશકુમારે બિહારમાં પોતાની નવી સરકારની રચના કરી અને ભાજપના સહયોગથી વિશ્વાસનો મત પણ પ્રાપ્ત કરી લીધો પરંતુ આનાથી વાત પતી જતી નથી. બિહારના રાજકારણમાં હવે ભારે ધમાલ થવાની છે. આરજેડી પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતને ભૂલવા માટે તૈયાર નથી અને નિતીશકુમાર આરજેડીને તોડવા માટે તત્પર છે. આ કારણે જ બિહારના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. નિતીશકુમારે ફ્લોર ટેસ્ટ પાસ કરી લીધા બાદ તેમની જ પાર્ટીના ધારાસભ્યએ તેમની જ પાર્ટીના સહયોગી ધારાસભ્ય સામે આક્ષેપ કર્યો છે કે આ ધારાસભ્યએ તેમને મોટી રકમ અને કેબિનેટમાં સ્થાનની લાલચ આપીને એનડીએ ગઠબંધન વિરૂદ્ધ વાતાવરણ બનાવવા માટે મદદ કરવા માટે કહ્યું હતું. આ આક્ષેપ અંગે પોલીસે એફઆઈઆર પણ નોંધી છે અને હવે તેમાં ઘમાસાણ શરૂ થઈ ગયું છે.
જેડીયુના ધારાસભ્ય સુધાંશુ શેખરે પોતાના જ પક્ષના અન્ય ધારાસભ્ય સંજીવકુમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી અને કહ્યું છે કે સંજીવકુમારે તેને બીજેપીની આગેવાની હેઠળના એનડીએ વિરૂદ્ધ વાતાવરણ બનાવવા માટે મદદ કરવા કહ્યું હતું અને તેના બદલામાં પાંચ કરોડ રૂપિયા રોકડા અને કેબિનેટમાં સ્થાનની ઓફર પણ કરી હતી. સંજીવકુમારે પક્ષના અન્ય બે ધારાસભ્યોને પણ વિશ્વાસ મતમાં ભાગ લેવાથી રોકવા માટે અપહરણ કરવાનો પણ પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ સુધાંશુ દ્વારા કરવામાં આવ્યો છે. સુધાંશુએ કહ્યું છે કે તેમની જ પાર્ટીની અંદર સત્તાધારી જેડીયુના ધારાસભ્યોને ખરીદવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું. સુધાંશુ શેખરના આ આક્ષેપોની સામે સંજીવકુમારે એવો ખુલાસો કર્યો હતો કે હું નિર્દોષ છું અને હું નિતીશકુમારને મારા નેતા માનું છું. સુધાંશુ શેખરનો એક પાર્ટીના નેતાઓના એક વર્ગ દ્વારા તેમની વિરૂદ્ધમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સુધાંશુના આક્ષેપોની સામે સંજીવકુમારે ભલે ખુલાસા કર્યા હોય પરંતુ આ ફરિયાદ સાથે એક વાત ચોક્કસ છે કે ખુદ જેડીયુની અંદર હવે સામસામે તલવારો ખેંચાવા પામી છે. આરજેડી સતત એવા ફિરાકમાં છે કે જેડીયુને તોડીને બિહારમાં સરકાર બનાવી શકાય, તો સામે ભાજપે ભલે નિતીશકુમારને સાથે લીધા પરંતુ ભાજપના નેતાઓ એક વાત ચોક્કસ માને છે કે ગમે ત્યારે નિતીશકુમાર દગો કરી શકે છે. આ સંજોગોમાં જો નિતીશકુમારના જેડીયુમાં વિભાજન કરી દેવામાં આવે તો ભવિષ્યમાં મહારાષ્ટ્રની જેમ ભાજપની સરકાર રચવાનો માર્ગ મોકળો થઈ જાય.
કોંગ્રેસ પણ એવા પ્રયાસો કરી રહી છે કે બિહારમાં તેનું વર્ચસ્વ વધે. આ સંજોગોમાં એકબીજાના ધારાસભ્યોને ખેંચવાની પ્રેકટિસ જ્યાં સુધી ચૂંટણી નહીં આવે ત્યાં સુધી ચાલતી રહેવાની છે. નિતીશકુમારે આરજેદડીના ત્રણ ધારાસભ્યોને પોતાની તરફ ખેંચી લીધા છે અને હજુ પણ આરજેડીને તોડવાની કોશિષ કરાઈ રહી છે. બીજી તરફ આરજે઼ડી પણ જેડીયુને તોડવા માટે તત્પર છે. આ કારણે બિહારમાં ધારાસભ્યોનું ખરીદ-વેચાણ જોરમાં ચાલશે. બિહારમાં ભલે રાજકીય સ્થિતિ હાલમાં સ્થિર લાગતી હોય પરંતુ તે વિસ્ફોટની નીચે છે. ગમે ત્યારે બિહારમાં મોટા ધડાકા થશે તે નક્કી છે અને તેમાં ફાયદો કોને થશે તે તો સમય જ કહેશે.