નવી દિલ્હી: બિહાર વિધાનસભાના (Vidhansabha) શિયાળુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. મંગળવારે સદનમાં જાતિની વસ્તી ગણતરીના આર્થિક સર્વેનો રિપોર્ટ (Reports) રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે જ સીએમ નીતિશ કુમારે (Nitish Kumar) અનામતનો વ્યાપ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ તેમણે દીકરીઓના શિક્ષણ, લગ્ન અને વસ્તી નિયંત્રણ ઉપર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ. જે ખૂબ ઝડપથી વાયરલ (Viral) થઈ રહ્યું છે.
આ સ્ટેટમેન્ટ મામલે નીતિશકુમારની ભારે ટીકા થઈ રહી છે. તમામ રાજકીય પક્ષોના આગેવાનો પણ નિંદા કરી રહ્યાં છે, ત્યારે નીતિશ કુમારે પોતાના નિવેદન બદલ માફી માંગવી પડી છે.
નીતિશ કુમારના વિવાદાસ્પદ નીવેદન બાદ ભાજપના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમજ ભાજપના મહિલા ધારાસભ્યોએ મુખ્યમંત્રી નીતિશ કુમારને વિધાનસભામાં પ્રવેશવા દીધા ન હતા. સીએમ નીતિશ કુમારે મહિલા ધારાસભ્યોની માફી માંગી. તેણે કહ્યું કે ‘મારો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહતો. હું જન્મ દર ઉપર વાત કરી રહ્યો હતો. હું કન્યા કેળવણીની વાત કરી રહ્યો હતો. પરંતુ તેમ છતાં જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો હું માફી માંગુ છું.‘
સીએમ નીતિશ કુમારે કહ્યું- મને ફક્ત મારા શબ્દોથી શરમ છે
સમગ્ર મામલે ભાજપે વિધાનસભા બાદ વિધાન પરિષદમાં પણ જોરશોરથી પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન વચ્ચે ગૃહમાં બોલતા સીએમ નીતિશ કુમારે કહ્યું કે ‘જો મારી આ વાતથી કોઈને દુઃખ થયુ હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું. હું ફક્ત મારા શબ્દો પર શરમ વ્યક્ત કરી રહ્યો છું. મેં વિધાનસભામાં જે કંઇ પણ હ્યું હતું તે મે મહિલાઓના હિતમાં કહ્યુ હતું.
બિહારની સ્ત્રીઓએ કેટલું શિક્ષણ મેળવ્યું છે? સ્ત્રીઓના શિક્ષણને કારણે વસ્તી કેવી રીતે ઘટી રહી છે? હું આ બાબતે વાત કરી રહ્યો હતો. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું તેની માફી માંગુ છું. ભાજપના હોબાળા પર આક્રોશ ઠાલવતા મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે આ લોકો બકવાસ વાતો બોલી રહ્યા છે. મને લાગે છે કે તેઓ બિહારમાં જેટલું કામ થઈ રહ્યું છે તેનો વિરોધ કરી રહ્યા છે.
આ તમામ વિરોધીઓને કહેવામાં આવ્યુ છે કે મારી નિંંદા કરો અને મારી વિરુદ્ધ કામ કરો. તેથી જ આ લોકો આવા પ્રદર્શનો કરી રહ્યા છે. મેં પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે મારો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહતો. જો મારાથી કંઈ શરમજનક બોલાયું હોય, તો હું ફરીથી માફી માંગુ છું. ત્યાર બાદ ભાજપના હોબાળાને જોતા વિધાન પરિષદની કાર્યવાહી બપોરે 1 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.