રાજ્યની સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડેન્ટ ડૉકટર્સની ચાલી રહેલી હડતાળ તદ્દન ગેરવાજબી છે. તમામ તબીબોને દર્દીઓની સેવા કરવી તે પોતાની નૈતિક ફરજ સમજીને બિનશરતી હડતાળ પાછી ખેંચીને માનવસેવાના ઉમદા કામમાં લાગી જવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે રેસિડેન્ટ તબીબોની માંગણીઓ વ્યાજબી હશે, તો તે માટે તેમની સાથે ચર્ચા કરવા રાજ્ય સરકારનું મન ખુલ્લુ છે પણ ગેરવ્યાજબી માંગણીઓ રાજ્ય સરકાર કયારેય સ્વીકારશે નહીં કેમ કે, કોઈપણ સમસ્યા હોય એનું સમાધાન ચર્ચાથી આવે હડતાળ એ કોઈ ઉપાય નથી.
નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે ખોટી રીતે હડતાળ પાડીને માનવીય સેવાઓથી દૂર રહેવું એ યોગ્ય નથી. પહેલા ફરજ પર હાજર થઈ સેવામાં જોડાઈ જાઓ, ત્યારબાદ સરકાર રેસિડેન્ટો સાથે ચર્ચા કરશે. આ તબીબો હવે વિદ્યાર્થી રહેતા નથી કેમ કે, તેઓએ યુનિવર્સિટીની ડીગ્રી મેળવી તબીબ બની ગયા છે, એટલે એમણે હોસ્ટેલ સત્વરે ખાલી કરીને એમને જે સી.એચ.સી અને જિલ્લા- તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં સેવા માટેના ઉંચા પગાર સાથે ઓર્ડર કર્યા છે, એમાં સત્વરે જોડાઈ જવું જોઈએ.
રાજ્ય સરકારની બોન્ડ નીતિ સ્પષ્ટ છે, જેમાં સ્નાતક તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીઓને પ્રવેશ સમયે આપેલા બોન્ડની શરતો મુજબ એક વર્ષ / ત્રણ વર્ષની ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ આપવાની થાય છે. આ વિદ્યાર્થીઓ સરકારી મેડીકલ કોલેજ ખાતે પ્રજાનાં જ નાણાં થકી બિલકુલ નજીવી ફીથી અભ્યાસ મેળવે છે. ત્યારબાદ આ અભ્યાસક્રમ પૂર્ણ થયેથી રાજ્યના છેવાડાનાં નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ આપવી તેઓની ફરજ છે એટલે બોન્ડનો જે વિરોધ કરે છે એ વ્યાજબી અને કાયદેસર નથી.
હડતાળ ગેરકાયદે, પાછી નહીં ખેંચાય તો સરકાર અશિસ્ત બદલ પગલા લેશે
હાલમાં પી.જી.ના પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડોક્ટરો હડતાળમાં જોડાયા છે. બધા હડતાળમાં જોડાયેલા ડોક્ટરોના હિતમાં છે કે તેઓએ ગેરકાયદેસર હડતાળ પાછી ખેંચી લેવી જોઇએ. અન્યથા રાજ્ય સરકાર દ્વારા તેમની સામે અશિસ્ત બદલ પગલા લેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા તમામ બોન્ડેડ તબીબોને કોવિડ સમયેની ફરજ અન્વયે વધારાના લાભો આપવામાં આવ્યાં હતાં. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં બોન્ડ મુજબ સેવા આપવા માટે તા.૦૧.૦૮.૨૦૨૧થી ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકારે બોન્ડેડ તબીબ તરીકે સેવા આપવા માટે આદેશો કર્યા છે. જે બોન્ડેડ પીજી તબીબને બોન્ડ મુક્ત થવું હોય તો જે મેડીકલ કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હોય ત્યાં નિયત થયેલી બોન્ડની રકમ જમા કરાવી બોન્ડ મુક્ત થઇ શકે છે.
શું છે રેસિડેન્ટ ડોકટરોની માંગ ?કોલેજમાં અભ્યાસ કરતા સ્પેશિયાલિસ્ટ તબીબો કે જેમનો અભ્યાસ પૂરો થયો ત્યારે જ કોરોનાની બીજી લહેર આવી હતી. આ સમયે તંત્રે જાહેરાત કરી હતી કે આ તબીબો સરકારી હોસ્પિટલમાં નિમણૂક મેળવે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો સમય 1:2 એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિનાની નોંધ થશે. આ કારણે બોન્ડ પણ ઝડપથી પૂરો થશે તેમજ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર પણ મળી શકે. આ રીતે 11 માસના કરાર પર નિમણૂક અપાઇ હતી. 12 એપ્રિલે કરેલા આ પરિપત્ર બાદ 31 જુલાઈએ નવો પરિપત્ર આવ્યો જેમાં આ બધા તબીબોની બદલી કરી નાંખી છે અને બોન્ડનો સમય પણ 1:1 કરી નાંખ્યો છે. આ ઉપરાંત પગાર ધોરણમાં પણ ઘટાડો કરાયો છે. રાજ્યભરમાં જુનિયર તબીબો હડતાળ પર છે. તેઓ પોતાની પાંચ માગોને લઈ હડતાળ પર ઉતર્યા છે. આ માગોની વાત કરીએ તો રેસિડન્ટ પાસ થયેલા તબીબોની જૂના જી.આર મુજબ ડ્યુટી ગણવી. જો સરકાર નવા જી.આર મુજબ ગણે તો વિદ્યાર્થી જે જગ્યાએ પાસ આઉટ થયા હોય ત્યાં જ ડ્યૂટી આપવી. 7માં પગાર પંચ પ્રમાણે ડ્યૂટી ગણવામાં આવે. બોન્ડ પ્લસ ડ્યૂટી કમ્બાઈન્ડ ગણવામાં આવે.