Business

નીતિન ગડકરીની વાતો સરકારે અમલમાં મૂકવા જેવી છે

નીતિન ગડકરી કે જેઓ પોતાના સ્પષ્ટ અને બેબાક વિધાનો માટે વિખ્યાત છે. તેઓએ તાજેતરમાં જણાવ્યું કે ‘‘સમય બહુ મહત્ત્વપૂર્ણ હોય છે અને સરકાર વિકાસકામો માટે સમયસર નિર્ણયો લેતી નથી. એ જ સૌથી મોટી તકલીફ છે.’’ તાજેતરમાં તેઓએ એ પણ જણાવ્યું હતું કે ‘‘હું મહારાષ્ટ્રમાં મંત્રી હતો ત્યારે મેં જણાવી દીધું હતું કે જે કાર્ય એક દિવસ પહેલાં બનશે તો એક લાખ રૂપિયાનું ઈનામ મળશે, વિલંબ થશે તો એ જ હિસાબથી દંડ ભરવો પડશે.’’ માહિમમાં ફલાય ઓવર બનાવવા માટે ચોવીસ મહિનાનો સમય હતો, પરંતુ કોન્ટ્રાકટરે એકવીસ મહિનામાં તૈયાર કરી દીધો. તેનું કારણ એ હતું કે તેને બોનસ મળવાનું હતું. દેશમાં વિકાસનાં કાર્યો ઝડપી થાય તે માટે ગડકરીનું સૂચન – પ્રસ્તાવ કેન્દ્ર સરકારે તેમજ રાજ્ય સરકારોએ લક્ષમાં લઈ તેને અમલમાં મૂકવાની જરૂર છે.
પાલનપુર          – મહેશ વ્યાસ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ઉછળકૂદ

માનવજીવનમાં બાલ્યાવસ્થા-કિશોરાવસ્થા એટલે આંનદ, ઉછળકૂદ, ધમાલ-મસ્તી માટેનો સુંદર અવસર. “ધમાલ-મસ્તી ન કરે તો એ બાળક નહીં” એમ કહેવાય. એવા સમયે બાળક પડી જાય કે વાગે ત્યારે કહીએ, “જો…જો…કીડી મરી ગઈ.” આ સાંભળી બાળક ફરી એક વાર રમતમાં પડીને પીડા ભૂલી જાય છે. આ થઈ બાળકોની વાત. જો કહેવાતા મોટાઓ ઉછળકૂદ કરે, તેઓ અન્યો માટે સમસ્યાઓનો ઢગ ખડકી દે છે. ખો..ખો.., કબડ્ડી, ઊંચી-લાંબી કૂદ વગેરે જેવી ઘણી રમતો માટે ઉછળકૂદ આવકાર્ય છે, પણ જીવનના પ્રતિષ્ઠાના પ્રસંગ-સંજોગોમાં નકામી કૂદાકૂદ બીજા માટે વિકટ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. કહેવાતા ગુરુઓ, મોટા વ્યક્તિઓની ઉછળકૂદ શિષ્યો અને અનુકરણ કરનારાઓની અવદશા કરે છે. માનવીએ પોતાના મન ઉપર કાબૂ રાખી નકામી કૂદાકૂદથી બચી માનસિક શાંતિને પામવી જોઈએ. અરસપરસ, અદલાબદલી, નકામી ઉછળકૂદથી બચીને સ્વસ્થતા અનુભવી શકાય. ધનલાલસા, પ્રતિષ્ઠાના જંગમાં ખોટી ઉછળકૂદ હાનિકારક છે. બાળકોના અબાધિત અધિકાર સામે મોટાઓની સામેલગીરીને ડામીને સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ. મનને કાબૂમાં રાખી વ્યવહાર શીખી તેનો અમલ કરીએ, વ્યાવહારિક બનીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top