આણંદ : કપડવંજથી નિરમાલી સુધીના 11 કિલોમીટરના રસ્તાને રૂ.3.78 કરોડના ખર્ચે નવિનીકરણ કરવામાં આવ્યું હતું. જોકે, આ રસ્તામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મિલીભગત કરી નર્યો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે તપાસનો ધમધાટ શરૂ થયો છે. કપડવંજના અનંત ડી. પટેલે જણાવ્યું હતું કે, કપડવંજથી નિરમાલી સુધીના 11 કિલોમીટરનું રૂ.3.78 કરોડનું કામ નાયબ કાર્યપાલક (સ્ટેટ) દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી છે. બાબતે વારંવાર રજુઆત કરવા છતાંય રસ્તાના કામ પર કોઇ ધ્યાન આપવામાં આવ્યું નથી. આ કામમાં એસ્ટીમેન્ટ અને મેજરમેન્ટમાં રસ્તાની બન્ને બાજુ એક મીટર પહોળાઇ કરવામાં આવી નથી.
સાઇડ સોલ્ડર સાફ સફાઇ કરી નથી. તેમજ ઘાસ અને ઝાડને પણ દુર કરવામાં આવ્યાં નથી. 20 મીમી કપચી સાથે 37.5 મીમીનું લેચર કરવામાં આવ્યું નથી અને 10 ચોરસ મીટરમાં 2.5 કિલો ડામરનો છંટકાવ પણ કર્યો નથી. આ રસ્તા પર 50 મીમીનું બીજું લેયર કરવા માટે એક હજાર કિલો મટીરીયલમાં 34 કિલો ડામર લેવાનો હતો. પરંતુ સ્થળ પર તે મુજબ કામ થયું નથી. 25 મીમીનું સિલકોટ કરવા માટે એક હજાર કિલો મટીરીયલમાં 50 કિલો ડામરનો સ્પ્રે કરવાનો હતો. પરંતુ સ્થળ પર તે મુજબ કામ થયું નથી. આથી, આ અંગે તાત્કાલિક ધોરણે તપાસ કરવી જરૂરી છે. જેથી આ કામમાં અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લઇ લેબ કરવામાં આવે અને જવાબદારો સામે કાયદેસર પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે.