કેન્દ્રની નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે તા.11 ઓગસ્ટ સંસદમાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કરશે, જે હાલના આવકવેરા અધિનિયમ, 1961નું સ્થાન લેશે. આ બિલ ગયા અઠવાડિયે લોકસભામાં રજૂ થયું હતું, પરંતુ ગૃહની કાર્યવાહી સ્થગિત થવાને કારણે તેને પાછું ખેંચવું પડ્યું હતું.
સરકારે બિલ પાછું ખેંચ્યા બાદ સંસદીય સમિતિના સૂચનોને ધ્યાનમાં રાખીને તેમાં ફેરફારો કર્યા છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે હવે આ બિલ સંપૂર્ણપણે નવું સ્વરૂપ ધરાવશે અને જૂના બિલથી અલગ હશે. તેમના જણાવ્યા મુજબ, નવા બિલ પર ઘણું કામ થયું છે અને તે વધુ સ્પષ્ટ અને વ્યાપક બનશે.
લોકસભા પસંદગી સમિતિના અધ્યક્ષ અને ભાજપના નેતા બૈજયંત પાંડાએ આ બિલ અંગે 285 સૂચનો આપ્યા હતા, જેને સરકારે સ્વીકારી લીધા છે. આ સૂચનોમાં કરચોરી રોકવા, કર પ્રક્રિયાને સરળ બનાવવા અને કરદાતાઓને રાહત આપવાના મુદ્દાઓ સામેલ હોવાની શક્યતા છે.
જૂના આવકવેરા કાયદાને લઈને વર્ષોથી મૂંઝવણ અને જટિલતા અંગે ચર્ચા ચાલી રહી હતી. નવું આવકવેરા બિલ કર પ્રણાલીને વધુ પારદર્શક, સરળ અને આધુનિક બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. બિલમાં વ્યકિતગત કરદાતાઓ તેમજ વ્યાપારી સંસ્થાઓ માટે નવા નિયમો અને દરો અંગે જોગવાઈઓ હોઈ શકે છે.
આજના દિવસે બિલ રજૂ થયા બાદ તેની ચર્ચા અને સંભવિત પસાર અંગે રાજકીય દ્રશ્ય પણ રસપ્રદ રહેશે, કારણ કે આવકવેરા સુધારા સામાન્ય નાગરિકો અને વેપારીઓ બંનેને સીધી અસર કરે છે.