નાણામંત્રી નિર્મલા સિતારમણે બુધવારે કહ્યું હતું કે ભારત સારું ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગ ધરાવે છે અને હાલની સ્થિતિમાં તે ઘટવાના કોઇ અણસાર જણાતા નથી. તેમણે રાજ્યસભામાં કહ્યું હતું કે કસ્ટમ એક્સાઇઝના માળખાને વધુ તર્કસંગત બનાવાશે કે જેથી સ્થાનિક નાના વેપારીઓ ખાસ કરીને એમએસએમઇ કેટેગરીના નાના ઉદ્યોગોને સુવિધા મળી શકે. સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે ટેક્સના પાયાને પણ વ્યાપક બનાવવામાં આવશે.
રાજ્યસભામાં ફાઇનાન્સ બિલ 2021 પરની ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રીએ કહ્યું હતું કે નીચો ફુગાવો, ઉંચી જીડીપી, વિદેશી રોકાણનો વિક્રમ અને નીચી રાજકોષીય ખાધ અમારી સરકારે સારી રીતે અર્થતંત્ર સંભાળ્યાનો પુરાવો છે.
તેમણે કહ્યું હતું કે કર વ્યવસ્થામાં કેટલાક ફેરફાર કરાયા છે જેનો ઉદ્દેશ વેપારની સુગમતા વધારવાનો છે. તેમના જવાબ પછી રાજ્યસભાએ નાણા ખરડા 2021ને ધ્વનીમતે લોકસભાને પરત કર્યો હતો. લોકસભા આ ખરડાને પહેલાથી જ પાસ કરી ચુકી છે. તેની સાથે જ સંસદમાં જનરલ બજેટ 2021-22ને પાસ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.
સીતારમણે કહ્યું હતું કે અર્થતંત્રને મજબૂત કરવા માટે ઉઠાવાયેલા પગલાંઓને પરિણામે જ કોરોના સંક્ટ દરમિયાન આર્થિક મોરચે કોઇ પ્રતિકુળ અસર પડી નથી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ 80 કરોડ લોકોને 8 મહિના સુધી વિનામુલ્યે અનાજ અપાયું હતું. એ એક મોટી વાત છે.
ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકાર પર તૃણમુલ કોંગ્રેસના સભ્યો દ્વારા લગાવાયેલા આરોપનો જવાબ આપતા નાણામંત્રીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળની સરકારે લોકોને કેન્દ્રની આરોગ્ય યોજનાનો લાભ નથી લેવા દીધો અને રાજ્ય સરકારને કારણે જ ત્યાંના ખેડૂતોને વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પણ નથી મળ્યો.