નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે કહ્યું હતું કે ભાગેડૂ વ્યાપારીઓ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી કાયદાનો સામનો કરવા માટે ભારત પાછા આવી રહ્યા છે.
માલ્યા અને મોદીને સરકાર યુકેથી પ્રત્યાર્પણ વડે લાવવા પ્રયાસો કરી રહી છે જ્યારે ચોક્સી એન્ટિગુઆ અથવા બર્બુડામાં હોવાનું માનવામાં આવે છે. વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોકસી આ તમામ લોકો એક પછી એક આ દેશમાં આ દેશના કાયદાનો સામનો કરવા માટે પાછા આવી રહ્યા છે એમ સીતારમણે રાજ્ય સભામાં વીમા(સુધારણા) ખરડા પરની ચર્ચા વખતે એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા બંધ પડી ગયેલી કિંગફિશર એરલાઇન્સને સંડોવતા રૂ. ૯૦૦૦ કરોડના બેંક લોન ડિફોલ્ટ કેસના આરોપી છે જે માર્ચ ૨૦૧૬થી યુકેમાં છે. તે હાલ જામીન મુક્ત છે. નીરવ મોદી અને મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રૂપિયાની ઠગાઇ કરવાના આરોપી છે જેઓ સીબીઆઇ તપાસ શરૂ થાય તે પહેલા વર્ષ ૨૦૧૮થી ભારતમાંથી ભાગી ગયા હતા.