પેટ્રોલ, ડિઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચ્યા છે એ દરમિયાન સામાન્ય નાગરિકોને સરકાર પાસે એવી આશા છે કે ટેક્સમાં ઘટાડો કરીને રાહત આપવી જોઇએ પરંતુ આ દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સિતારમણે કહ્યું છે કે, પેટ્રોલ, ડિઝલ, જેટ ફ્યુઅલ અને કુદરતી ગેસને જીએસટી હેઠળ લાવવા માટેનો કોઇ પ્રસ્તાવ નથી.
જીએસટી 1 જુલાઈ, 2017 ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે પાંચ ચીજવસ્તુઓ – ક્રૂડ ઓઇલ, પ્રાકૃતિક ગેસ, પેટ્રોલ, ડીઝલ, અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) ને આવકને ધ્યાનમાં રાખીને તેને જીએસટીમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું. આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારે તેમના પર એક્સાઈઝ ડ્યુટી લગાડવાનું ચાલુ રાખ્યું જ્યારે રાજ્ય સરકારોએ વેટ વસૂલ કર્યો. આ ટેક્સમાં, ખાસ કરીને એક્સાઇઝ ડ્યુટી સાથે, સમયાંતરે વધારો કરવામાં આવ્યો છે.
જ્યારે ટેક્સમાં ઘટાડો થતો નથી, ત્યારે માગ પર વૈશ્વિક તેલના ભાવમાં થયેલા વધારાને પગલે પેટ્રોલ અને ડિઝલને સર્વાધિક ઊંચી સપાટીએ ધકેલી દીધી છે, જેના પગલે એવી માગ સતત કરવામાં આવી છે કે આને પણ જીએસટી હેઠળ લેવામાં આવે.
સીતારમણે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે, હાલમાં ક્રૂડ પેટ્રોલિયમ, પેટ્રોલ, ડિઝલ, એટીએફ અને કુદરતી ગેસને જીએસટી હેઠળ લાવવાની કોઈ દરખાસ્ત નથી.
એક તરફ નાણામંત્રી નિર્મલા સિતારમણે ધરાર ના પાડી છે તો બીજી તરફ તેમના જુનિયર એવા નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે નિવેદન આપ્યું છે કે, કેન્દ્ર અને રાજય સરકારોએ ઇંધણ પરના ટેક્સ ઘટાડવા માટે વિચાર કરવો જોઇએ.એક સવાલના જવાબમાં ઠાકુરે કહ્યું કે, પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ લાવવા માટે ચર્ચા કરવા સરકાર તૈયાર છે.