યુકેના ગૃહ મંત્રી પ્રિતિ પટેલે હીરાના ભાગેડૂ વેપારી નિરવ મોદીનું ભારતને પ્રત્યાર્પણ કરવાના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે, જે મોદી પંજાબ નેશનલ બેન્કના બે અબજ ડોલરના કૌભાંડના કેસમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરે છે એમ યુકેની ગૃહ કચેરીએ આજે જણાવ્યું હતું.
આ નિર્ણય એન પછી આવ્યો છે જ્યારે વેસ્ટમિન્સ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટે ફેબ્રુઆરીમાં ચુકાદો આપ્યો હતો કે નીરવ મોદીએ ભારતની અદાલત સમક્ષ જવાબ આપવાનો છે અને પ્રત્યાર્પણને અટકાવતા યુકેના કાયદા તેને લાગુ પડતા નથી. પ૦ વર્ષીય નીરવ મોદી બે વર્ષ અગાઉ માર્ચ ૨૦૧૯માં તેની ધરપકડ થઇ ત્યારથી દક્ષિણ પશ્ચિમ લંડનની વિંડ્સવર્થ જેલમાં બંધ છે. ૨પમી ફેબ્રુઆરીએ ડિસ્ટ્રિક્ટ જજે નીરવ મોદીના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો.
પ્રત્યાર્પણના આદેશ પર ૧પ એપ્રિલે હસ્તાક્ષર થયા છે એમ ગૃહ કચેરીના એક પ્રવકતાએ જણાવ્યું હતું. બ્રિટનમાં સામાન્ય રીતે પ્રત્યાર્પણની બાબતમાં ગૃહ મંત્રીનો આદેશ ભાગ્ય જે અદાલતના ચુકાદાની વિરુદ્ધ જાય છે. ફક્ત માનવ અધિકાર અંગેની ચિંતાઓ જેવી બાબતો હોય તો જ તેઓ પ્રત્યાર્પણ અટકાવવા આદેશ આપે છે જે બાબત નીરવ મોદીના કેસમાં લાગુ પડતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે નીરવ મોદી સામે ભારતમાં પંજાબ નેશનલ બેન્ક સાથે બે અબજ ડોલર કરતા વધુ રકમની થયેલી લોન છેતરપિંડીના કૌભાંડમાં મુખ્ય આરોપ છે. ભારતથી ભાગી છૂટેલા નીરવ મોદીએ યુકેમાં આશરો લીધો હતો, જો કે ભારત સરકારની વિનંતીને માન આપીને યુકે સરકારે બે વર્ષ પહેલા નીરવ મોદીની ધરપકડ કરી હતી.
હવે મોદી માટે કયા વિકલ્પ છે?
નીરવ મોદી પાસે હજી ૧૪ દિવસનો સમય છે જેમાં તે ગૃહ મંત્રીના આદેશ વિરુદ્ધ લંડન હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે. વેસ્ટ મિન્સ્ટર ડિસ્ટ્રીક્ટ કોર્ટના ચુકાદા અને ત્યારબાદ ગૃહ મંત્રીના આદેશ, એમ બંને આદેશો વિરુદ્ધ તે હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે. જો હાઇકોર્ટનો ચુકાદો તેની વિરુધ્ધ જાય તો મોદી સુપ્રીમ કોર્ટમાં પણ જઇ શકે છે પરંતુ તે ત્યારે જ શક્ય છે જ્યારે હાઇકોર્ટ એવું પ્રમાણિત કરે કે તેની અપીલમાં જાહેર અગત્યતાનો મુદ્દો સમાયેલો છે.