Charchapatra

નવ વર્ષની સરકાર

આમ તો નવ વર્ષની ઉંમર એટલે બચપણ જ કહેવાય.રમવા અને ખેલકૂદની ઉંમર કહેવાય.આજકાલ સરકારના નવ વર્ષના પૂરા થવાની ઉજવણી ચાલી રહી છે.દેશમાં ગમે તેટલી સમસ્યા હોય, પણ આ સરકારમાં રહેલાં લોકોને ઉજવણી અને તાયફા કરવામાં કોઈ જ પહોંચી શકે એમ નથી.ઘણી વાર તો એટલી બધી નાદાની અને હાસ્યાસ્પદ સ્થિતિમાં સરકાર અને સરકારના મંત્રીઓ મુકાઈ જાય છે પણ એમની હિંમતને દાદ આપવી પડે.સમસ્યા પર નહિ બસ માત્ર પોઝીટીવ કામો પર જ ફોકસ કરો.આ લોકોનું પાછું ફોકસ પણ કેવું કે હજાર રૂપિયાનું કામ કરો અને એને લોકો સુધી લઇ જવા લાખ રૂપિયાની જાહેરાત કરો.અજબગજબના તર્ક હાજર હોય પાછા.કેન્દ્રમાં નવ વર્ષ થયાં તો પણ કંઈ પણ ખરાબ થાય એટલે વિપક્ષ અને કોંગ્રેસ જવાબદાર છે અને ગુજરાતમાં 27 વર્ષ થયાં તો પણ કોંગ્રેસ જ જવાબદાર છે.છે ને ગજબનું લોજીક.આ બધા તો સાક્ષાત્ દેવતાઓ છે, જે સ્વર્ગમાંથી ધરતી પર આપણી સેવા માટે ઊતર્યા છે.

આમનાથી વળી ભૂલ થતી હશે? આ તો આપણી પ્રજા જ સમજદાર નથી, બાકી દિલ્હી,કર્ણાટક,પશ્ચિમ બંગાળ,હિમાચલ કે અન્ય રાજ્યોમાં આમને હાર થોડી મળે? અરે, આખું વિશ્વ જેને પૂજતું હોય, જેના પગે પડતું હોય એને પોતાના જ દેશનાં કેટલાંય રાજ્યોમાં હાર મળે? જે રશિયા અને યુક્રેન યુદ્ધને ખાલી વાતચીત કરાવી બંધ કરી દે અને યુદ્ધ બંધ થઇ ગયું છે. હાલ તો રશિયા અને યુક્રેન ખાલી રમત રમી રહ્યાં છે.પણ બોલો, એમના જ દેશમાં એમનું પોતાનું મણિપુર બે મહિના સળગી રહ્યું છે ને ત્યાં કોઈ શાંતિદૂતનો એક સંદેશ પણ જતો નથી.પોતાના જ પક્ષના ઈમાનદાર કાર્યકર્તા મહેનતમાં લાગ્યા છે અને ફળ કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી આવેલા લઇ જાય છે.પણ આ પક્ષના કાર્યકર્તા તો સાચે જ સહનશીલતાની મૂરત છે.આશા રાખીએ, આ નવ વર્ષ પછી એમના માટે પણ કંઈ નવા સમાચાર આવે.
 સુરત     – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

બિનસાંપ્રદાયિક દેશમાં ધર્મના નામે મત માંગવા બંધારણને અનુરૂપ નથી
દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ ધર્મના આધારે દેશેના ભાગલા પડયા તેનાં ગંભીર અને માઠાં પરિણામો દેશને ભોગવવાં પડયાં છે, તે જાણે ઓછાં હોય તેમ દેશની આઝાદીનાં પંચોતરે વર્ષ બાદ પણ રાજકીય પક્ષો વોટ બેંક ઊભી કરવા કે વોટ બેંક સલામત રાખવા માટે હજુ પણ ધર્મનો આશરો કે સહારો લઇ રહ્યા છે. તેમાં કોઇ જ રાજકીય પક્ષ બાકાત નથી તે અત્યંત ખેદજનક અને ખૂબ જ દુ:ખદ કહેવાય. તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો અને નેતાઓ સક્રિયા થયા છે, તેમાં ભાજપના એક નેતા જણાવી રહ્યા છે કે કમળને વોટ આપો, નહીં તો લક્ષ્મી દેવી ગુસ્સે થઇ જશે. શાસ્ત્રો મુજબ દેવી લક્ષ્મીનું આસન કમળ છે અને જે લોકો ઘરમાં લક્ષ્મી ઇચ્છે તે તેમની પાસે કમળ હોવું જોઈએ. લક્ષ્મીનો વાસ ઘરમાં જોઈતો હોય તો કમળને વોટ આપવો પડશે અને કમળનું બટન દબાવવું પડશે. જે કમળની સાથે નથી તેમનાથી માતા લક્ષ્મી નારાજ થશે. દેશમાં ધર્મના નામે વોટ(મત) માંગી ન શકાય તેવો કાયદો ઘડવાની જરૂર છે. પરંતુ રાજકીય પક્ષો પાસે આવી આશા રાખવી તે માત્ર વધુ પડતી જ નહીં બ્લકે નિરર્થક પણ છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top