સુરત: સુરત રેલવે સ્ટેશનની કાયાપલટ કરવા માટે રી-ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. અગાઉ ફેસ–1માં પ્લેટફોમ નં.4 બંધ કરાયો હતો. ત્યારબાદ સુરત રેલવેના પ્લેટફોર્મ નં.2 અને 3 ઉપરની કામગીરી શરૂ કરવા માટે 7મી ડિસેમ્બરની જાહેરાત કરવામાં આવી હતી.
સુરત રેલવે સ્ટેશનથી મોટાભાગની ટ્રેનો ડાયવર્ટ કરાશે, પરંતુ ઉધના સ્ટેશન ખાતે વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. ઉધના રેલવે સ્ટેશન ખાતે પાર્કિંગ સહિતની સુવિધાને અભાવે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ ઉધના રેલવે સ્ટેશનની બહાર રિક્ષા ચાલકો અને દબાણને પગલે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.
- સુરત રેલવે સ્ટેશનથી મોટાભાગની ટ્રેનો ડાયવર્ટ કરાશે, પરંતુ ઉધના સ્ટેશન ખાતે વ્યવસ્થાનો અભાવ ઊડીને આંખે વળગે એવો
- ઉધના રેલવે સ્ટેશનની બહાર રિક્ષાચાલકો અને દબાણને પગલે ભારે ટ્રાફિકની સમસ્યા, લોકોની તકલીફો વધારશે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશન પર મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટેશન હબનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં સ્ટેશનને વર્લ્ડ ક્લાસ ઢબે વિકસાવવામાં આવી રહ્યું છે.
હાલમાં પ્લેટફોર્મ નંબર-4 પર રિડેવલપમેન્ટના ફેઝ-1માં કોન્કોર્સનું કામ ચાલી રહ્યું છે, જેના પગલે પ્લેટફોર્મ 2 અને 3 પર કોન્કોર્સ વર્કને લંબાવવા માટે 98 દિવસનો બ્લોક લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે 7 ડિસેમ્બરથી સુરત સ્ટેશનનાં પ્લેટફોર્મ 2 અને 3, 98 દિવસ માટે બંધ રાખવાનું નક્કી થયું હતું.
જો કે રેલવેએ બંને પ્લેટફોર્મ બંધ કરીને બ્લોક લેવા માટે રેલવે બોર્ડને મોકલેલા પ્રસ્તાવને હજુ મંજૂરી મળી નથી. દરખાસ્તમાં એવું કહેવામાં આવ્યું છે કે, સુરત સ્ટેશનના પ્લેટફોર્મ 2 અને 3ને 14 માર્ચ સુધી બંધ રાખવા પડશે. આ ઉપરાંત પ્લેટફોર્મ 2 પર થોભતી ટ્રેનોના હોલ્ટને ઉધના ખસેડાશે.
ઉધના રેલવે સ્ટેશન ખાતે ટ્રેનોની સંખ્યામાં, વ્યવહારમાં વધારો કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ સ્ટેશન ઉપર મુસાફરોને હાલાકી વેઠવી નહિ પડે તે માટે રેલવે તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની તૈયારીઓ હજી સુધી કરવામાં આવી નથી. ઉધના રેલવે સ્ટેશનની બહાર રિક્ષા ચાલકોનો જમાવડો વર્ષોથી લોકો માટે માથાનો દુખાવો બની રહ્યો છે. તેમજ દબાણ પણ લોકોને સતાવી રહ્યા છે.
આ સમસ્યા ફક્ત મુસાફરોને નહીં પરંતુ સ્થાનિક લોકો માટે પણ માથાનો દુખાવો બની ગઈ છે. ઉધના રેલવે સ્ટેશને વધારાના મુસાફરોના ધસારા સંદર્ભે કોઈપણ પ્રકારની વ્યવસ્થા હજી સુધી ઉભી કરવામાં આવી નથી. જેથી આગામી દિવસોમાં મુસાફરો સહિત સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તે વાતને નકારી નહિ શકાય. તેમજ ઉધના રેલવે સ્ટેશન ખાતે પાર્કિંગ માટેની પણ યોગ્ય અને સચોટ વ્યવસ્થા ન હોવાને કારણે આગામી દિવસોમાં આ પણ એક મોટી સમસ્યા બને તે વાત સ્પષ્ટ છે.
ટ્રાફિક સમસ્યા નીવારવા ઉધના રેલવે સ્ટેશનનો રસ્તો વન-વે કરવાની વિચારણા
સુરત ટ્રાફિક પોલીસના વડા અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, ઉધના રેલવે સ્ટેશન ખાતે ટ્રેનોનું ભારણ વધે તે માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવાની વિચારણા શરૂ કરી દેવામાં આવી છે. તેમજ મેઈન ગેટ બાજુ વાહન વ્યવહાર વન-વે કરવામાં આવે તે માટેની વિચારણા પણ ચાલી રહી છે. સુરત મહાનગરપાલિકા સાથે વાત કરીને દબાણ માટેની વાત પણ થઈ ગઈ છે. રેલવે તંત્ર દ્વારા કોઇપણ લેખિત માહિતી આપવામાં આવી નથી, પરંતુ અમારી ટેલીફોનીક વાત થઈ ગઈ છે અને અમારી તૈયારીઓ પણ ચાલુ છે.