Dakshin Gujarat

ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર

સાયણ: ગોથાણ ગામે આવેલા એક પેટ્રોલપંપના યુનિટ નજીકના કબાટમાંથી અજાણ્યો ચોર રોકડા ૭૮,૭૦૦ લઈ ફરાર થયો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

ઓલપાડના ગોથાણ ગામે ખાડી ફળિયામાં રહેતાં રાજેશભાઈ રમણલાલ પટેલ (ઉં.વ.૫૬) આશાપુરા હોટલની સામે દેવાંસ પેટ્રોલપંપ ચલાવે છે. તેમના પેટ્રોલપંપ ઉપર બિપિન, શૈલેષ અને શ્યામ નામના ત્રણ કર્મચારીઓ નોકરી કરે છે. વિતેલા મંગળવારે મળસ્કે ઘરાકી ન હોવાથી બિપિન પેટ્રોલપંપ યુનિટ નજીક સ્ટીલના ટેબલના ખાનામાં બ્લેક કલરના પાકીટમાં પેટ્રોલ-ડિઝલ વેચાણના રોકડા રૂપિયા ૭૮,૭૦૦ મૂકી ટાયર ગોઠવી સીટ બનાવીને તેના ઉપર સૂઈ ગયો હતો. જયારે શૈલેષ અને શ્યામ પણ ઓફિસમાં મીઠી નીંદર માણી રહ્યા હતા.

જે તકનો લાભ લઈ અજાણ્યો ચોર મોંઢે રૂમાલ બાંધી દિવાલ કૂદી કેમ્પસમાં ઘુસ્યો હતો. ચોર ઈસમે ટેબલના ખાનામાંથી પાકીટ સાથે રૂપિયા ૭૮,૭૦૦ તફડાવી લીધા હતા. ત્યારબાદ વધુ ચોરી કરવાના ઈરાદે ઓફિસમાં ઘુસ્યો હતો. પરંતુ ઓફિસમાં સુતેલા બે કર્મીઓના પગલે ચોરી કર્યા વિના તે બહાર નીકળી ફરાર થઈ ગયો હતો. જો કે આ સમગ્ર ઘટના પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ચોરી અંગે ઉમરા પોલીસ ચોકીમાં અજાણ્યા ચોર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top